Thu Jan 01 2026

Logo

White Logo

ફિલ્મોની જેમ શૅરબજારમાં પણ સિકવલ ને રિમેક બનતી હોય છે...! : -

4 days ago
Author: Mumbai Samachar Team
Video

શૅરબજારમાં પણ સંજોગો- તેજી-મંદી અને રોકાણકારોનું સતત પુનરાવર્તન થયા કરે છે. રોકાણના નિર્ણયો કયા આધારે અને કઈ રીતે લેવાય છે તેના પરથી જોખમ અને સંપત્તિ સર્જનનો માર્ગ બને છે...

ઈન્વેસ્ટમેનટ વર્લ્ડ - જયેશ ચિતલિયા

આજકાલ બોલિવૂડમાં અનેકવિધ ફિલ્મો સિકવલ કે રિ-મેક સ્વરૂપે આવતી જાય છે. પ્રથમ ફિલ્મની સફળતાના આધારે સિકવલ અથવા રિ-મેકની તૈયારી શરૂ થાય છે. ડોન અને ઘાયલ-2, ગદર, સહિત સંખ્યાબંધ નામો આ યાદીમાં છે. અંગ્રેજી ફિલ્મોમાં -હોલિવૂડમાં તો સિકવલ જ નહીં, બલકે એક જ ફિલ્મના ચાર-પાંચ ભાગ બનીને નવી નકકોર ફિલ્મ તરીકે આવતી રહે છે. જોકે પહેલી ફિલ્મ બહુ સફળ નીવડી હોય તો પણ બીજી નિષ્ફળ જાય એવું બની શકે છે. 

મૂળ મુદ્ા પર આવી જઈએ, કારણ કે શૅરબજારમાં પણ પરિસ્થિતિની- તેજી-મંદીની અને રોકાણકારોની ઘણી સિકવલ અથવા રિમેક બનતી હોય છે. યાદ કરો, તમે શૅરબજારને જુદા-જુદા સમયે છોડી ગયા હશો અને જુદા-જુદા સમયે તેમાં ફરી પ્રવેશ કર્યો હશે. તેજી ફરી ફરી નવા સ્વરૂપે આવતી રહે છે તો વળી મંદી પણ એ જ રીતે આવ-જા કરતી રહે છે. કયાંક ગ્લોબલાઈઝેશનનું, કયાંક મોંઘવારી અને ક્રાઈસિસનું સિકવલ કે રિમેક થાય છે. જયારે એફઆઈઆઈની ચાલનું તો સતત સિકવલ અને રિમેક બંને થયા કરે છે. આપણે આમાંથી શું શીખીએ છીએ કે શું શીખવું જોઈએ? 

અનુભવમાંથી શીખવામાં શાણપણ

શૅરબજારમાં તમે પહેલીવાર પ્રવેશ્યા હશો ત્યારે તમને નવા નવા અનુભવો થયા હશે. તમે કદાચ પહેલી જ વારમાં સારી કમાણી પણ કરી હોઈ શકે, કે પછી પહેલો મોટો માર પણ ખાધો હોઈ શકે. તમે પહેલીવાર સફળ થયા તો કયા આધારે સફળ થયા એને યાદ કરો અને જો પહેલીવાર નિષ્ફળ ગયા તો શા માટે નિષ્ફળ ગયા તેને પણ યાદ રાખો, જે તમને બીજીવારના પ્રવેશમાં કામ લાગશે. જો કે ખાસ યાદ રાખવાનું એ છે કે પહેલીવાર જે કારણસર સફળ થયા એ જ કારણ તમને બીજીવાર સફળતા ન પણ અપાવે, જો સંજોગો સરખા ન હોય તો. એ જ રીતે પહેલી નિષ્ફળતા જે કારણસર મળી, તે તમને હવે ભૂલના પુનરાવર્તનથી દૂર રાખે એમ બને અને તમે બીજીવાર એ ભૂલ નહી કરીને સફળતા પામો એવું બની શકે. આ મામલે દરેક વ્યકિતનો જુદો જુદો અનુભવ હોઈ શકે છે.

સમય સાથે પરિવર્તન જરૂરી

શૅરબજાર સતત વધઘટને આધીન હોય છે, તેની ચંચળતા કાયમી હોય છે. પરંતુ વ્યક્તિએ સમય સાથે પોતાની સ્ટે્રટેજી બદલવી જરૂરી બને છે અર્થાત્, અગાઉની સફળતાનું સમાન સ્વરૂપે પુનરાવર્તન થાય એ શૅરબજારમાં કયારેય નિશ્રિંત હોઈ શકે નહીં. અર્થતંત્રમાં દરેક સેકટરની સાઈકલ હોય છે તેમ શૅરબજારમાં તેજી -મંદીની પણ સાઈકલ ચાલતી રહે છે. એક સમય ટેકસટાઈલ ઉદ્યોગની બોલબાલા હતી અને તેમાં ચોકકસ ટેકસટાઇલ કંપનીઓની પણ નામના હતી, જે આજે ભાગ્યે જ જોવા મળે છે અથવા નામ પૂરતી રહી છે કે પછી ત્યાં નવી કંપનીઓ ઉદય પામી ચૂકી છે. છેલ્લા એક દાયકામાં આઈ.ટી. અને ટેલિકોમ સેકટર નવી ઈકોનોમી તરીકે વિકસી ગયું છે. દવા કંપનીઓમાં પણ અનેક નવા ઉપાયરૂપી નવી કંપનીઓ આવીને છવાઇ ગઇ છે. એ જ રીતે ફાસ્ટ મુવિંગ ક્નઝયુમર્સ ગુડસ (એફએમસીજી)માં પણ અનેક નવાં નામ બજારમાં ફેલાઈ ગયા છે. હાલ એઆઈ, ડિફેન્સ, ઈ-કોમર્સ કંપનીઓ જોરમાં છે.

આવા સંજોગોમા જૂના સેકટરને કે જૂની કંપનીઓને જ પકડીને બેસી રહેનાર રોકાણકાર સમય સાથે નવા વિકાસને પામી નહી શકે. આ રોકાણકારોએ પોતાના પોર્ટફોલિયોમાં નવા સેકટર્સ અને તેની નવી કંપનીઓને સ્થાન આપવું જોઈશે.

સૌથી વધુ મહત્ત્વની બાબત ફંડામેન્ટલ્સ

જેમ માત્ર નવા કલાકારો લેવાથી ફિલ્મ સફળ થઇ જતી નથી કે જૂની સફળ ફિલ્મને લીધે એની જ સિકવલ કે રિમેક  સફળ નથી બની જતી, પરંતુ તેની સ્ટોરી, રજૂઆત, ડિરેકશન, માર્કેટિગ વગેરેને આધારે સફળ થાય છે તેમ કંપનીઓ સફળ સેકટરની હોવાથી કે સફળ પ્રમોટર દ્રારા પ્રમોટ કરાઈ હોવાને લીધે સફળ થઈ જતી નથી, તેના પોતાના ફંડામેન્ટલ્સ મજબૂત અને વિકાસલક્ષી ભાવિના હોવા આવશ્યક હોય છે. 

ઈન શોર્ટ, નામ, સેકટર કે સંજોગ જે પણ હોય, કંપનીના ફંડામેન્ટલ્સ સૌથી મહત્ત્વનાં સાબિત થાય છે. હા, જૂની સફળ -બ્લોક બસ્ટર ફિલ્મોની સફળતાને આધારે બનેલી નવી ફિલ્મની ચર્ચા બહુ થાય, માર્કેટિગ પણ ખૂબ થાય એવું બની શકે, જેને લીધે તેના તરફ અંજાઈને કે આકર્ષાઈને લોકો તે જોવા જાય-એટલે કે તેમાં રોકાણ કરી બેસે તો છેતરાઈ શકે છે, ફસાઇ શકે છે. ભલે ને તેનો પ્રોડયુસર (પ્રમોટર) અને અભિનેતા કેટલા પણ સફળ હોય કે લોકપ્રિય હોય. હાલમાં આ જ સત્યને ધ્યાનમાં રાખી આગળ વધવું જોઈશે, અન્યથા નવા માર્કેટિગ ફંડા અને નવી રમતોના પ્રવાહમાં તણાઇ જવાની શકયતા ભરપૂર રહેશે. 

હાલ શૅરબજારમાં અને આઈપીઓની બજારમાં નાણાં રોકવાની ઉતાવળ વધી રહી છે, આ રોકાણ કરવુ ખોટું નથી પણ ઉતાવળે કરવામાં જોખમ છે, ઝટપટ કમાવાની લાલસા રાખવામાં વધુ જોખમ છે અને સમજયા વિના આડેધડ રોકાણ કરવામાં માત્ર જોખમ અને જોખમ જ છે. બાકી સમજીને, અભ્યાસ કરીને તેમ જ ધીરજ સાથે આગળ વધવામાં સંપત્તિ સર્જન છે.