Sat Dec 13 2025

Logo

White Logo

એકસ્ટ્રા અફેરઃ જ્ઞાતિ આધારિત વસતિગણતરી : દેશ પાછો અંગ્રેજોના યુગમાં

2 hours ago
Author: Mumbaisamachar Team
Video

ભરત ભારદ્વાજ

નરેન્દ્ર મોદીની સરકારે અંતે વસતિગણતરી કરવાનું નક્કી કરી નાખ્યું અને તેના માટે રૂપિયા 11,718 કરોડનું બજેટ પણ મંજૂર કરી દેવાયું. ભારતમાં 1951થી દર દસ વરસે વસતી ગણતરી કરાય છે ને એ પરંપરામાં ભારતની છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2011માં થઈ હતી. એ પછી 2021માં વસતી ગણતરી થવાની હતી પણ  કોવિડને કારણે મુલતવી રાખવામાં આવી હતી. હવે 5 વર્ષ પછી અંતે વસતી ગણતરીને લીલી ઝંડી મળી છે. 

બે તબક્કામાં હાથ ધરાનારી વસતી ગણતરીનો પહેલો તબક્કો 1 એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન હાથ ધરાશે ને બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં હાથ ધરાશે. પહેલા તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ હાથ ધરાશે. મતલબ કે, બીજો તબક્કો મોદી કેબિનેટે ભારત અને ઓમાન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને મંજૂરી સહિતના બીજા પણ ત્રણ-ચાર મહત્ત્વના નિર્ણય લીધા પણ વધારે મહત્ત્વનો નિર્ણય વસતી ગણતરીનો છે કેમ કે આ વખતની વસતી ગણતરી ડિજિટલ હશે ને સાથે સાથે જ્ઞાતિ આધારિત પણ હશે.  

રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં 2027ની વસ્તી ગણતરીને લગતા સવાલોના જવાબમાં  પહેલાં જ કહી દીધું છે કે, આ વખતની વસતી ગણતરી જ્ઞાતિ આધારિત હશે. લોકસભામાં રાય દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે, 30 એપ્રિલે મળેલી રાજકીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં વસતી ગણતરીમાં જ્ઞાતિનો પણ સમાવેશ કરવામાં આવશે એવો નિર્ણય લેવાઈ જ ગયો છે તેથી અત્યારે ભલે સ્પષ્ટતા ના કરાઈ હોય પણ વસતી ગણતરીમાં જ્ઞાતિને આવરી લેવાશે એ સ્પષ્ટ છે. 

કેન્દ્ર સરકારે બહુ પહેલાં જ 2027ની રાષ્ટ્રીય વસતી ગણતરી ડિજિટલી કરવાનો નિર્ણય લઈ લીધો હતો ને એ માટે પોર્ટલ પણ બનાવાઈ રહ્યું છે. આ વિશેષ ડિજિટલ પોર્ટલ  દ્વારા સમગ્ર દેશમાં વસતી ગણતરીની પ્રક્રિયાઓનું મોનિટરિગ અને સંચાલન કરવામાં આવશે. આ પોર્ટલનો ફાયદો એ છે કે, પહેલાંની જેમ વસતી ગણતરી કરનારા તમારા ઘરે આવે તેની રાહ જોવાની જરૂર નહીં રહે. નાગરિકો પોતે તેમની માહિતી ઓનલાઇન ભરી શકશે અને વસતી ગણતરીમાં ભાગ લઈ શકશે. જેમણે ઓનલાઈન માહિતી ના ભરી હોય એવા નાગરિકોના કિસ્સામાં ફિલ્ડ અધિકારીઓ ઘરે જઈને મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડેટા ભેગો કરશે.

બીજું એ કે, વસતી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો 1 એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ. બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં વસતી ગણતરી હશે. હાઉસ લિસ્ટિંગ અને હાઉસ સેન્સસમાં લોકોને મળ્યા વિના ઘરોની ગણતરી કરીને તેમની યાદી બનાવાશે ને પછી એ ઘરોમાં જઈને ફોર્મ ભરાવીને દરેક ઘરમાં કેટલાં લોકો રહે છે તેની વિગતો એકઠી કરાશે. 

આ પ્રક્રિયામાં લોકોનાં નામ, સરનામાંની સાથે સાથે શૈક્ષણિક લાયકાતથી માંડીને જ્ઞાતિ સુધીની બધી વિગતો એકઠી કરાશે. સરકારે હજુ કઈ કઈ વિગતો માગવામાં આવશે તેની યાદી બહાર પાડી નથી પણ બહુ જલદી ફોર્મનો નમૂનો બહાર પાડી દેવાશે કે જેથી લોકોને કઈ માહિતી કે પુરાવા હાથવગા રાખવા તેની ખબર પડે. 

ભારતમાં અત્યાર સુધી થયેલી બધી વસતી ગણતરી મેન્યુઅલ થઈ છે. મતલબ કે, વસતીની ગણતરી કરનાર ઘરે ઘરે ફરીને ફોર્મ ભરાવે ને પછી એ ડેટા સરકારમાં જમા કરાવે. આ રીતે થતી ગણતરીમાં ચૂક થવાનો ખતરો રહેતો કેમ કે વસતી ગણતરી કરનારથી ભૂલ થાય તો ઘણાં નામ રહી જાય એવું બનતું. ડિજિટલી વસતી ગણતરીમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવશે અને આ એપ્લિકેશન હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં હશે. 

ડિજિટલ વસતી ગણતરીમાં પણ સો ટકા બધાંને આવરી જ લેવાશે તેની ગેરંટી નથી પણ મેન્યુઅલ ગણતરી કરતાં ઓછી ચૂક થશે. વસ્તી ગણતરી પરંપરાગત રીતે કાગળ આધારિત ફોર્મ્સને બદલે મોબાઇલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ દ્વારા કરાય તેના કારણે  ડેટા પ્રોસેસિંગ ઝડપી બનશે, ભૂલોની શક્યતા ઘટશે અને અંતિમ રિપોર્ટ  વધુ ભરોસાપાત્ર તથા સમયસર ઉપલબ્ધ થઈ શકશે એવું મનાય છે ને આશા રાખીએ કે, આ માન્યતાઓ સાચી પડે. 

વસતી ગણતરીને લગતી આ તો સામાન્ય માહિતી છે પણ મહત્ત્વનો મુદ્દો જ્ઞાતિ આધારિત વસતી ગણતરી છે અને તેના કારણે ભારતનું સામાજિક જીવન અને રાજકારણ પણ એક નવા યુગમાં પ્રવેશશે. ભારતમાં અત્યાર સુધી કદી જ્ઞાતિ આધારિત વસતી ગણતરી થઈ નથી પણ મોદી સરકારે નવી પહેલ કરીને આ નિર્ણય લીધો છે કેમ કે વિપક્ષો જ્ઞાતિ આધારિત વસતી ગણતરીનો ઝંડો લઈને મચી પડેલા ને ભાજપને લાગ્યું કે, પોતે જ્ઞાતિ આધારિત વસતી ગણતરી નહીં કરાવે તો વિપક્ષો ઓબીસીની મતબેંકને લૂંટી જશે ને પોતે રહી જશે. ઓબીસી મતબેંકની લ્હાયમાં વિપક્ષો સામે ઘૂંટણ ટેકવીને મોદી સરકારે મોટી કરી છે કેમ કે તેના કારણે દેશમાં જ્ઞાતિના આધારે સમાજમાં ભાગલા પાડવાનો રસ્તો ખૂલી જશે. 

ભાજપ સરકાર જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરાવીને એક ખોટી પરંપરા સ્થાપી રહી છે કેમ કે અત્યાર સુધી  ભારતમાં વસતી ગણતરીમાં ક્યારેય જ્ઞાતિનો ઉલ્લેખ થયો જ નથી. મતલબ કે, વસતી ગણતરીના ફોર્મમાં ક્યારેય પણ વ્યક્તિની જ્ઞાતિ પુછાઈ જ નથી. વસતી ગણતરીમાં દેશમાં સૌથી પછાત મનાતી અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નો ઉલ્લેખ કરાય છે પણ જ્ઞાતિ નથી પુછાતી. માત્ર એસસી કે એસટી છે કે નહીં તેની વિગતો પુછાય છે. ભારતમાં 1951માં પહેલી વસતી ગણતરી થઈ ત્યારથી આ નિયમ પળાય છે. 

અંગ્રેજોના શાસનમાં દેશની વસતી ગણતરી કરાતી ત્યારે જ્ઞાતિ આધારિત વસતી ગણતરી થતી. અંગ્રેજોના શાસનમાં છેલ્લી વસતી ગણતરી 1931માં કરાઈ ત્યારે જ્ઞાતિ આધારિત વસતી ગણતરી થઈ હતી. અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરોમાં માનતા તેથી દેશનાં લોકોને જ્ઞાતિઓના આધારે લડાવવા આ ધંધો કર્યો. આઝાદ ભારતમાં રાષ્ટ્રભાવનાને પ્રબળ બનાવીને જ્ઞાતિવાદને જાકારો આપવા જ્ઞાતિનો ઉલ્લેખ બંધ કરી દેવાયેલો પણ ભાજપે એ શરૂ કરાવીને અંગ્રેજોના રસ્તે ચાલી રહ્યો છે. 

જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના તરફદારોની દલીલ છે કે, વસતી ગણતરીમાં જ્ઞાતિનો ઉલ્લેખ નથી થતો તેથી દેશમાં કઈ જ્ઞાતિ કેટલી પછાત છે તેની ખબર પડતી નથી. તેના કારણે કેટલીક જ્ઞાતિનાં લોકોને પછાતપણામાંથી બહાર કાઢવા માટે સરકારી યોજનાઓ નથી બનતી જ નથી. કઈ જ્ઞાતિનાં કેટલાં લોકો છે તેની ખબર હોય તો સરકારી યોજનાઓમાં કઈ જ્ઞાતિને કેટલું મહત્ત્વ આપવું, તેમના માટે કેવી ખાસ યોજના બનાવવી, તેમના વિકાસ માટે કેટલું બજેટ ફાળવવું વગેરે નક્કી કરી શકાય. સમાજના તમામ લોકોને વિકાસનો લાભ આપી શકાય.
આ દલીલ બકવાસ છે પણ ભાજપ સરકારે આ દલીલ સ્વીકારી એ વાત વધારે આઘાતજનક છે. આ દેશને ભગવાન જ બચાવે.