નિલેશ વાઘેલા
મુંબઇ: એકતરફ શેરબજારમાં અનિશ્ર્ચિતતાનો માહોલ છે અને તેમાં શેરલક્ષી કામકાજ પર રોકાણકારોનું ધ્યાન કેન્દ્રિત છે. આ પરિસ્થિતિમાં કોઇ શેરના ભાવમાં ખૂલતા સત્રમાં જ એંશી ટકાનો તોતિંગ કડાકો પડે તો રોકાણકારો સ્વાભાવિક ચિંતામાં મૂકાઇ જાય. આવો જાણીએ હકીકત શું છે!
શુક્રવારના સત્રમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એમસીએક્સ)નો શેર સવારે ૯.૩૭ વાગ્યે, ૨.૯૩ ટકા વધીને રૂ. ૨,૨૬૨ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, ઘણા રોકાણકારો તેમની ટ્રેડિંગ એપ્સ પર એમસીએક્સના શેરના ભાવમાં ૮૦ ટકાનો દેખાયો હતો છે.
બજારના સાધનો અનુસાર, આનું કારણ એ હતું કે કેટલાક પ્લેટફોર્મ ગુરુવારના અનએડજસ્ટેડ ભાવ દર્શાવી રહ્યા હતા, એટલે કે તેમાં સ્ટોક વિભાજનને ધ્યાનમાં લીધા વિનાના ભાવ દર્શાવાઇ રહ્યા હતા. રોકાણકારોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ ફક્ત એક ટેકનિકલ ગૂંચવણ હતી.
સ્ટોક વિભાજન હેઠળ, રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરને બે રૂપિયાની ફેસ વેલ્યુવાળા પાંચ ઇક્વિટી શેરમાં વિભાજિત કરવામાં આવ્યા છે. રૂ. ૧૦ની ફેસ વેલ્યુવાળા એમસીએક્સના શેર ધરાવતા શેરધારકોને દરેક શેર માટે બે રૂપિયાની ફેસ વેલ્યુવાળા ચાર વધારાના શેર પ્રાપ્ત થશે, જેનાથી વિભાજન પછી તેમનું કુલ હોલ્ડિંગ પાંચ શેર (બે રૂપિયાની ફેસ વેલ્યુ સાથે) થશે.
શેર વિભાજનથી શેરના ભાવમાં પ્રમાણસર ગોઠવણ થવાની અપેક્ષા છે, કારણ કે એક શેરને પાંચ શેરમાં વિભાજીત કરવામાં આવ્યો છે. આવી કોર્પોરેટ ક્રિયાઓ સામાન્ય રીતે પ્રવાહિતા અને પોષણક્ષમતામાં સુધારો કરે છે, જેનાથી સ્ટોક વધુ સુલભ બને છે અને સંભવિત રીતે વ્યાપક રિટેલ ભાગીદારીને પ્રોત્સાહન મળે છે.