ક્રિકેટ વર્લ્ડ કપ વિજયથી લઈને સ્પેસ મિશન અને મહાકુંભની ગાથાને વાગોળી....
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રનું સંબોધન કરે છે. આજે આ કાર્યક્રમના 129માં એપિસોડનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. જોકે, આજનો એપિસોડ વર્ષ 2025નો છેલ્લો એપિસોડ હતો, તેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં વર્ષ 2025ની ઐતિહાસિક સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો.
વિજ્ઞાન અને રમતગમતમાં ભારતે હરણફાળ ભરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે 2025માં ભારતને અનેક સફળતાઓ મળી છે. રમતગમતથી લઈને અવકાશ વિજ્ઞાન સુધીના દરેક ક્ષેત્રમાં ભારતનું નામ વિશ્વમાં પંકાયું છે. રાષ્ટ્રીય સુરક્ષાનો ઉલ્લેખ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે 'ઓપરેશન સિંદૂર' દરેક ભારતીય માટે ગૌરવનું પ્રતીક છે. આજનું ભારત પોતાની સુરક્ષા સાથે ક્યારેય બાંધછોડ કરતું નથી. આ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'વંદે માતરમ'ના 150 વર્ષની ઉજવણીમાં જોવા મળેલા દેશભક્તિના રંગોનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો.
રમતગમતના ક્ષેત્રનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે પુરુષ ક્રિકેટ ટીમે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી તો મહિલા ક્રિકેટ ટીમે પહેલીવાર વર્લ્ડ કપ પોતાને નામ કર્યો. વુમન્સ બ્લાઇન્ડ વર્લ્ડ કપ જીતીને ભારતની દીકરીઓએ ઇતિહાસ રચી દીધો છે. એશિયા કપ ટી-20માં પણ તિરંગો શાનથી લહેરાવ્યો હતો.
વિજ્ઞાન અને અવકાશના ક્ષેત્રની સિદ્ધિઓ અંગે જણાવ્યું હતું કે ભારતે વિજ્ઞાન અને અવકાશના ક્ષેત્રે હરણફાળ ભરી છે. શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પહોંચનારા પ્રથમ ભારતીય બન્યા છે. 2025માં પર્યાવરણ અને વન્યજીવન સંરક્ષણ સાથે જોડાયેલી પહેલની પણ શરૂઆત થઈ છે. ભારતમાં હવે ચીત્તાઓની સંખ્યા 30થી વધારે થઈ ગઈ છે.
મહાકુંભે વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કર્યું
મહાકુંભનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ જણાવ્યું હતું કે, પ્રયાગરાજમાં મહાકુંભના ભવ્ય આયોજને સમગ્ર વિશ્વને ભારતની શ્રદ્ધા અને વ્યવસ્થાપન શક્તિથી આશ્ચર્યચકિત કરી દીધું હતું. વર્ષના અંતે અયોધ્યા રામ મંદિરમાં આયોજિત ધ્વજવંદન સમારોહે દરેક ભારતીયને આધ્યાત્મિક ગૌરવની અનુભૂતિ કરાવી હતી.
ઉપરાંત, વારાણસીમાં યોજાયેલા 'કાશી તામિલ સંગમમ' કાર્યક્રમ હેઠળના 'તામિલ શીખો-તામિલ કરકલમ'નો ઉલ્લેખ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલને વિશ્વની સૌથી જૂની ભાષાઓ પૈકીની એક ગણાવી હતી અને કહ્યું હતું કે, 'મને એ વાતનો આનંદ છે કે, આજે દેશના બીજા ભાગોમાં પણ યુવાનો અને બાળકોમાં તમિલ ભાષા પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે. આ 'ભારતની એકતા' અને તાકત છે.
'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ' ની રાહ જોઈ રહ્યો છું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં યુવાનો માટે 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ'ની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય યુવા દિવસ એટલે કે 12 જાન્યુઆરીના રોજ 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, હું આ કાર્યક્રમની રાહ જોઈ રહ્યો છું. આ પ્લેટફોર્મ દ્વારા યુવાનો પોતાના વિચારો અને વિઝન સીધા સરકાર સુધી પહોંચાડી શકશે.
અંતમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારતના યુવાનોની ઊર્જા જ 'વિકસિત ભારત'ના નિર્માણની સૌથી મોટી શક્તિ છે. 2026નું નવું વર્ષ આ જ ઉમંગ અને ઉત્સાહ સાથે દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે.