નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના એનસીઆર વિસ્તારોમાં હવાના પ્રદૂષણમાં ફરી વધારો જોવા મળ્યો છે. થોડા દિવસ પહેલાં હવામાં થોડી સુધારાની અસરથી GRAP-4ના કડક નિયમો હટાવવામાં આવ્યા હતા, પરંતુ હવે ફરી સ્થિતિ વધારે ગંભીર બની ગઈ છે. દિલ્હીની વાત કરવામાં આવે તો, રવિવારે શહેરનો સરેરાશ AQI 390 સુધી પહોંચી ગયો હતો. જેથી આ સ્થિતિને ધ્યાનમાં રાખતા રાજધાનીમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આનંદ વિહાર જેવા ઘણા વિસ્તારોમાં AQI 400 ને પાર
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા વર્તમાન આંકડા પ્રમાણે દિલ્હીના આનંદ વિહાર જેવા ઘણા વિસ્તારોમાં AQI 400 ને વટાવી ગયો છે, જેને ગંભીર ગણવામાં આવે છે. રાજધાનીમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હીમાં પ્રદૂષણ વધી રહ્યું હોવાના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વર્તમાનની સ્થિતિને જોતા લોકોને ઘરની બહાર ના જવાની સલાહ આપવામાં આવી છે. CPCB (Central Pollution Control Board)ના જણાવ્યાં પ્રમાણે દિલ્હીના 19 મોનિટરિંગ સ્ટેશનો પર હવાના ગુણવત્તા સ્તર ગંભીર શ્રેણીમાં નોંધાયું છે. તેમાં આનંદ વિહારમાં સર્વાધિક AQI 457 નોંધાયો હતો, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ખૂબ ખરાબ સ્થિતિ જોવા મળી છે.
GRAPના ત્રીજા તબક્કાના નિયમો ફરી અમલમાં
પ્રશાસન દ્વારા હવે GRAP (Graded Response Action Plan)ના ત્રીજા તબક્કાના નિયમો ફરી અમલમાં લાવવામાં આવ્યા છે. તેના અંતર્ગત બાંધકામ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોક લગાવવામાં આવી છે. સાથે જ ‘નો PUC, નો ફ્યુઅલ’નો નિયમ કડક રીતે લાગુ કરવામાં આવ્યો છે, જેથી વાહનોમાંથી ઉત્સર્જિત થતા ધુમાડાને નિયંત્રણમાં રાખી શકાશે. દિલ્હીમાં રહેતા લોકોને અત્યારે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સોમવારે પણ ઘન કોહરાનું ઓરેન્જ એલર્ટ જારી રહેશે
હવામાન વિભાગે જણાવ્યું છે કે સોમવારે પણ ઘન કોહરાનું ઓરેન્જ એલર્ટ જારી રહેશે. તે સમયગાળામાં મહત્તમ તાપમાન 22 ડિગ્રી અને લઘુત્તમ 7 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. રવિવારે તાપમાન 6.3 ડિગ્રી સુધી નીચે ગયું હતું, જે સામાન્ય કરતા 0.5 ડિગ્રી ઓછું છે, જ્યારે મહત્તમ તાપમાન 22.5 ડિગ્રી નોંધાયું, જે સામાન્ય કરતા 2.1 ડિગ્રી વધુ છે.