Thu Jan 01 2026

Logo

White Logo

ધ્રુવ જુરેલના આઠ છગ્ગા, પંદર ચોક્કાઃ : ઉત્તર પ્રદેશને બરોડા સામે જિતાડ્યું

2 days ago
Author: Ajay Motiwala
Video

રાજકોટઃ વિકેટકીપર-બૅટ્સમૅન ધ્રુવ જુરેલ (160 અણનમ, 101 બૉલ, આઠ સિક્સર, 15 ફોર) વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી મૅચમાં દમદાર ઇનિંગ્સ રમ્યો છે જેમાં સોમવારે તેણે રાજકોટ (Rajkot)માં ઉત્તર પ્રદેશ વતી રમીને બરોડા સામે 160 રનનો ખડકલો કરી દીધો અને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો હતો. ઉત્તર પ્રદેશે આ રોમાંચક મુકાબલો 54 રનથી જીતી લીધો હતો. જુરેલે ગયા અઠવાડિયે હૈદરાબાદ સામે 61 બૉલમાં 80 રન અને ચંડીગઢ સામે 57 બૉલમાં 67 રન કર્યા હતા.

160માંથી 108 રન ચોક્કા-છગ્ગામાં

સોમવારે જુરેલે 160માંથી 108 રન ચોક્કા-છગ્ગામાં બનાવ્યા હતા. આ પહેલાં, બે મૅચમાં હાફ સેન્ચુરી ફટકારનાર જુરેલે હવે ડોમેસ્ટિક ક્રિકેટના લિસ્ટ-એ વન-ડે ફૉર્મેટમાં પહેલી વાર સદી ફટકારી છે. ઉત્તર પ્રદેશ વતી રમેલી ધમાકેદાર ઇનિંગ્સમાં તેણે કૅપ્ટન રિન્કુ સિંહ (63 રન, 67 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) સાથે તેણે ચોથી વિકેટ માટે 131 રનની તોતિંગ ભાગીદારી કરી હતી. બન્નેએ ઉત્તર પ્રદેશનો સ્કોર 92 રન પરથી 223 રન સુધી પહોંચાડી દીધો હતો.

14.20 કરોડ રૂપિયાવાળા પ્રશાંત વીરનો ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ

ઉત્તર પ્રદેશના અમેઠીમાં રહેતા સ્પિન ઑલરાઉન્ડર પ્રશાંત વીરે (35 રન, 23 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) છઠ્ઠી વિકેટ માટે જુરેલ (Jurel) સાથે 122 રનની ભાગીદારી કરી હતી. પછીથી પ્રશાંતે બરોડા (Baroda)ની ટીમના કૅપ્ટન-ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યા (82 રન, 77 બૉલ, બે સિક્સર, 10 ફોર)ની સૌથી મહત્ત્વની વિકેટ પણ લીધી હતી. બરોડાની ટીમમાં કૃણાલના 82 રન હાઇએસ્ટ હતા. બરોડાને 370 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને એનો સ્કોર 43મી ઓવરની શરૂઆતમાં 247 રન હતો ત્યારે પ્રશાંતે કૃણાલને કૅચઆઉટ કરાવ્યો હતો અને એ સાથે બરોડાના વિજયની આશા પર પાણી ફરી વળ્યું હતું. પ્રશાંતને તાજેતરના ઑક્શનમાં ચેન્નઈના ફ્રૅન્ચાઇઝીએ 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બરોડાની ટીમ 50મી ઓવરના છેલ્લા બૉલ પર 315 રનના કુલ સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી અને રિન્કુ સિંહના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશનો 54 રનથી શાનદાર વિજય થયો હતો.

બરોડાની બોલિંગમાં જુરેલની આતશબાજી

બરોડાનો પેસ બોલર રસિખ સલામ (10-0-102-1) આઇપીએલમાં મુંબઈ, બેંગલૂરુ, કોલકાતા અને દિલ્હી વતી રમી ચૂક્યો છે. સોમવારે બરોડાના બોલર્સમાં સૌથી વધુ 102 રન તેની 10 ઓવરમાં બન્યા હતા. ધ્રુવ જુરેલે તેના 14 બૉલમાં પંચાવન રન બનાવ્યા હતા. બરોડાના બીજા ત્રણ બોલર (રાજ લિંબાણી, અતિત શેઠ, કૃણાલ પંડ્યા)ની 10-10 ઓવરમાં 60થી વધુ રન બન્યા હતા. 

આઇપીએલમાં રાજસ્થાન વતી રમતો ધ્રુવ જુરેલ ભારતીય ટીમમાં કમબૅક કરવા માટે પ્રબળ ઉમેદવાર છે. જોકે બીજા વિકેટકીપર-બૅટ્સમેનો (રિષભ પંત, ઇશાન કિશન, સંજુ સૅમસન, કે. એલ. રાહુલ વગેરે) સામે તેણે તીવ્ર હરીફાઈનો સામનો કરવો પડી રહ્યો છે.