Thu Jan 01 2026

Logo

White Logo

ભ્રષ્ટાચાર સામે EDનું દેશ-વિદેશમાં સર્ચ ઓપરેશન: દિલ્હીમાં કરોડોની : રોકડ અને સોનું ઝડપ્યું, લંડનમાં મિલકત જપ્ત કરી

23 hours ago
Author: mumbai samachar teem
Video

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવતા દેશ અને વિદેશમાં બે મોટી કાર્યવાહી કરી છે. એક તરફ દિલ્હીમાં દરોડા દરમિયાન કરોડોની રોકડ મળી આવી છે, તો બીજી તરફ લંડનમાં અબજોની મિલકત જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી કોની-કોની સામે કરવામાં આવી છે, આવો જાણીએ. 

મની લોન્ડરિંગના મામલે ઈડીની કાર્યવાહી

અપરાધની દુનિયામાં ઇન્દ્રજીત સિંહ યાદવ એક કૂખ્યાત નામ છે. લોકોને ધાકધમકી આપીને તેણે ઘણી સંપત્તિ એકઠી કરી છે. ઇન્દ્રજીત યાદવ સામે હરિયાણા અને યુપીમાં ખંડણી અને બંદૂકની અણીએ ધાકધમકી આપવા જેવા ગંભીર ગુનાઓમાં 15 થી વધુ FIR નોંધાયેલી છે. તેના પર ખાનગી ફાઇનાન્સરો સાથે બળજબરીથી સેટલમેન્ટ કરાવી મોટું કમિશન મેળવવાનો આરોપ છે. જેને લઈને ED દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 

EDએ 30 ડિસેમ્બરના રોજ દિલ્હીના સર્વપ્રિય વિહાર વિસ્તારમાં ઇન્દ્રજીત સિંહ યાદવ અને એપોલો ગ્રીન એનર્જી લિમિટેડ સાથે સંકળાયેલા સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મની લોન્ડરિંગ (PMLA) હેઠળ પાડેલી દરોડા દરમિયાન ઈડીને રૂ. 5.12 કરોડની રોકડ, રૂ. 8.80 કરોડના સોના-હીરાના ઘરેણાં અને અંદાજે રૂ. 35 કરોડની મિલકતના દસ્તાવેજો મળી આવ્યા છે. આ સિવાય ED દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક કડક કાર્યવાહી કરવામાં આવી છે.

EDએ લંડનમાં મિલકત જપ્ત કરી

EDએ લંડનના બકિંગહામ પેલેસની પાસે આવેલી એક વૈભવી મિલકત જપ્ત કરી છે. આ મિલકત 'એસ કુમાર્સ નેશનવાઇડ લિમિટેડ'ના ભૂતપૂર્વ MD નીતિન કાસલીવાલ અને તેમના પરિવારની માલિકીની છે. નીતિન કાસલીવાલ પર ભારતીય બેંકોના ગૃપ સાથે અંદાજે રૂ. 1,400 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ કિંમતી રિયલ એસ્ટેટની બજાર કિંમત આશરે રૂ. 150 કરોડ હોવાનું મનાય છે.