ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે રાજીનામું આપ્યું હતું. તેમણે કામના વધુ પડતા ભારણથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. રાજીનામા પાછળ કોઈ વાદ-વિવાદ ન હોવાની પણ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું- મેં મારી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે રાજીનામું સોંપ્યું હતું, જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો હતો.
જેઠા ભરવાડે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષના નિવાસસ્થાને રાજીનામું સોંપ્યું હતું.
1998માં સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટાયા હતા
શહેરા ભાજપના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી.તેઓ 1998થી 2022 સુધી 6 વાર શહેરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા.વર્ષ 1998માં જેઠાભાઈ ભરવાડ સમાજવાદી પક્ષ તરફથી ચૂંટાઈને આવ્યા હતા.વર્ષ 2002માં તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને અને કોંગ્રેસ ઉમેદવાર છત્રસિંહને હરાવ્યા હતા. ત્યારથી લઈને વર્ષ 2022 સુધી જેઠાભાઈ આ બેઠક પર જીતતા આવ્યા છે.
2022માં ત્રિપાંખિયા જંગમાં પણ બન્યા વિજેતા
2022ની વિધાનસભા ચૂંટણીમાં પંચમહાલ જિલ્લાની શહેરા બેઠક પર ભાજપે ફરી સીટીંગ MLA જેઠા ભરવાડને ટિકિટ આપી હતી. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. કોંગ્રેસ આ બેઠક પર ખાતુભાઈ પગીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.જ્યારે આમ આદમી પાર્ટીએ તખતસિંહ સોલંકીને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં શહેરા બેઠક ફરી એકવાર જેઠા ભરવાડને વિજય અપાવ્યો હતો.
અનેક સંસ્થા સાથે છે સંકળાયેલા
જેઠા ભરવાડ અનેક સહકારી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. મે 2024માં તેઓ નાફેડના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. આ ઉપરાંત તેઓ પંચમહાલ ડેરી તેમજ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન પણ છે.