આરસીબીના નવા ફાસ્ટ બોલરના પિતા ટ્રક ડ્રાઇવર છે, પણ હવે પુત્ર તેમને આરામની જિંદગી અપાવવા માગે છે
ઇન્દોરઃ 23 વર્ષના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર મંગેશ યાદવને આઇપીએલના ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ તાજેતરમાં હરાજીમાં 5.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો એને અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે, પણ હજીયે તે જીવન બદલી નાખતા અને સ્વપ્ન સમાન આ કૉન્ટ્રૅક્ટ મેળવ્યાના ઉત્સાહ અને રોમાંચની બહાર નથી આવી શક્યો, કારણકે તેને સગાંસંબંધીઓ અને મિત્ર વર્તુળમાંથી હજી પણ ફોન-કૉલ આવ્યા રાખે છે. ખુદ મંગેશે એક જાણીતી વેબસાઇટને મુલાકાતમાં કહ્યું છે કે અગાઉ મેં ક્યારેય રિસીવ નહીં કર્યા હોય એટલા કૉલ્સ એક અઠવાડિયામાં રિસીવ કર્યા છે. મંગેશે આ ઇન્ટરવ્યૂમાં કહ્યું, ` હું નાનપણમાં મમ્મીની મદદથી ક્રિકેટ રમતા શીખ્યો હતો અને પપ્પા પાસેથી મને પૈસાનું ખરું મૂલ્ય સમજાયું હતું.'
મંગેશ યાદવ (MANGESH YADAV) કલાકે 140 કિલોમીટરની ઝડપે બૉલ ફેંકી શકે છે અને તેની બોલિંગમાં વિવિધતાઓ પણ ઘણી હોય છે. તે બૅટ્સમૅનનો અભિગમ પારખીને તક મળે ત્યારે એકાદ ધીમો બૉલ ફેંકીને તેને મૂંઝવણમાં મૂકી દેતો હોય છે. આરસીબીમાં તે યશ દયાલનો અનુગામી બનશે. તે માર્ચમાં શરૂ થનારી આઇપીએલની 19મી સીઝનમાં શરૂઆતથી જ આરસીબીની ટીમની પ્લેઇંગ-ઇલેવનમાં સ્થાન મેળવી શકશે.

પપ્પા પર બોજ નહોતો બનવા માગતો
મંગેશ હજી સાત વર્ષ પહેલાં (16 વર્ષનો હતો ત્યારે) માત્ર ટેનિસ બૉલથી જ રમતો હતો. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ તથા છત્તીસગઢમાં લાંબી મુસાફરી વખતે તે અનરિઝર્વ્ડ ડબ્બામાં તથા એસ. ટી. બસમાં જ પ્રવાસ કરતો હતો અને આ રાજ્યોમાં મૅચ રમીને જે કમાણી કરતો એનાથી તે આર્થિક રીતે પોતાને સ્વતંત્ર માનતો હતો. તેણે મુલાકાતમાં કહ્યું છે કે ` હું મારા પપ્પા પાસે પૈસા નહોતો માગતો અને મારી પોતાની જ કમાણીથી મારું કામ પૂરું કરી લેતો એને હું મોટી સિદ્ધિ માનતો હતો. હવે હું આઇપીએલની એક સીઝન રમીને આટલી મોટી કમાણી (5.20 કરોડ રૂપિયા) કરવાનો છું એ રોમાંચમાંથી હજી બહાર નથી આવી શક્યો. હું મારા મમ્મી-પપ્પાને હવે સંઘર્ષભરી જિંદગીમાંથી મુક્ત કરાવવા માગું છું અને એ માટે મારે તનતોડ મહેનત કરવી પડશે અને પૈસાના પાવરમાં તણાઈ ન જાઉં એનું હું ખાસ ધ્યાન રાખીશ.'
પપ્પા રોજ કલાકો સુધી ટ્રક ચલાવતા
મંગેશ યાદવના પિતા (Father) ટ્રક ચલાવે છે. જોકે પુત્ર મંગેશ હવે તેમને એ કામ છોડાવીને આરામની જિંદગી માણવા માટેનો માર્ગ મોકળો કરી આપશે. મંગેશે મુલાકાતમાં કહ્યું, ` હું નાનપણમાં બોરાગાંવમાં રહેતો હતો. હું સાત વર્ષનો હતો ત્યારે ઘરની બહાર મારી મમ્મી સાથે ક્રિકેટ રમતો હતો. મમ્મી હળવેકથી બૉલ ફેંકતી અને હું શૉટ મારતો હતો. જોકે પછીથી હું મિત્રો સાથે રમીને ફાસ્ટ બોલિંગ શીખ્યો હતો. મારા પપ્પા ટ્રક ડ્રાઇવર છે. તેમની પાસેથી હું પૈસાની ખરી વૅલ્યૂ શીખ્યો હતો. બે પૈસા કમાવવા તેઓ તનતોડ મહેનત કરતા હતા. પરોઢિયે ત્રણ વાગ્યે તેઓ જાગી જતા અને નિત્યક્રમ બાદ ટ્રક લઈને નીકળી પડતા હતા અને આખો દિવસ જોખમી માર્ગો પર ટ્રક હંકારીને મોડી રાત્રે ઘેર પાછા આવતા હતા. અમે ચાર ભાઇ-બહેન છીએ અને એમાં મારી નાની બહેનને ક્રિકેટ બેહદ પસંદ છે અને તે પણ બોલર બનવા માગે છે.'