અમદાવાદઃ નવાગામના પશુપાલક પાસેથી છેતરામણી કરી રૂ. 1.48 કરોડ જેવી માતબર રકમ પડાવી લેનારા વિવેક ઉર્ફે વિક્કીને પાલીતાણા ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો હતો. વિક્કી આઈપીએસ ઓફિસર બની રોબ જમાવતો હતો અને પોતાની આસપાસ બાઉન્સર રાખી બહુ મોટો અને વગદાર અધિકારી હોય તેવી છાપ ઊભી કરતો હતો.
આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર જીલુભાઈ ભગાભાઈ ગમારાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી હરી રાજા ગમારા અને વિવેક ઉર્ફે વિકી પ્રવિણે જીલુભાઈને પુત્રને પોલીસ ખાતામાં ઊંચી નોકરી આપવાની લાલચ આપી રૂ. 1.48 કરોડ પડાવી લીધા હતા.
આ મામલે પોલીસે ફરિયાદ નોંધી હતી અને તપાસ બાદ પાલીતાણા રહેતા વિવેકને પોલીસે દબોચી લીધો હતો. જોકે હજુ હરિ ગમારા મળ્યો નથી. નવાઈની વાત તો એ છે કે રિપોર્ટર ભવાની નામની એક સહિતની ચાર ગુજરાતી ફિલ્મ વિવેકે પ્રોડ્યુસ કરી હતી. તે આઈપીએસ ઓફિસર બની ખૂબ સ્ટાઈલમાં રહેતો હતો અને રોબ જમાવતો હતો. પોલીસ ખાતામાં પરીક્ષા વિના નોકરી અપાવી દેવાની લાલચ આપી લોકોને ફસાવતો હતો. પોલીસે આ પ્રકારની લાલચમાં ન આવવા અપીલ કરી હતી.