ગાંધીનગરઃ રાજ્યમાં DIG રેન્કના સાત IPS અધિકારીઓ છેલ્લા છ મહિનાથી પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયા હવે નવી ગૂંચવણ ઊભી થઈ છે. કેન્દ્રીય ડેપ્યુટેશન માટે પસંદ કરાયેલા 10 IPS અધિકારીઓમાંથી કેટલાક ત્યાં જવા તૈયાર નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્ય સરકારે SP લઈને IGP રેન્કના 10 IPS અધિકારીઓને કેન્દ્રીય ડેપ્યુટેશન માટે શોર્ટલિસ્ટ કર્યા છે. બીજી તરફ એડિશનલ DGP થી DGP રેન્કના પ્રમોશન પણ બાકી છે.
'બેડ બુક્સ'માં આવી શકે છે નામ
સૂત્રોએ જણાવ્યું કે, શોર્ટલિસ્ટ કરવામાં આવેલા કેટલાક અધિકારીઓ કેન્દ્રીય એજન્સીઓમાં જવા માટે અનિચ્છુક છે, જે બાબત વહીવટીતંત્રને પસંદ આવી નથી. આવી અનિચ્છા આ અધિકારીઓને 'બેડ બુક્સ'માં મુકી શકે છે. સૂત્રો મુજબ, ઓગસ્ટ મહિનાથી આ અનિશ્ચિતતા શરૂ થઈ હતી. તે સમયે રાજ્ય સરકારે 85 IPS અને 31 સ્ટેટ પોલીસ સર્વિસ અધિકારીઓની બદલી કરી હતી. જેમાં 33માંથી 25 જિલ્લાના SPનો સમાવેશ થતો હતો.
ટૂંક સમયમાં નિર્ણય લેવાશે
આ સમયે DIG રેન્કના આઠ IPS અધિકારીઓને 'વેઈટિંગ ફોર પોસ્ટિંગ' (નિમણૂકની રાહમાં) રાખવામાં આવ્યા હતા. તેમાંથી એકને પોસ્ટિંગ મળી ગયું છે, પરંતુ સાત અધિકારીઓ હજુ પણ છ મહિનાથી રાહ જોઈ રહ્યા છે. હવે પોલીસ બેડામાં એવી ચર્ચા છે કે આ વેઈટિંગમાં રહેલા DIG પૈકીના કેટલાકને આખરે પોસ્ટિંગ મળી શકે છે, જ્યારે કેટલાકને કેન્દ્રીય ડેપ્યુટેશન માટે મોકલવામાં આવી શકે છે. નોંધનીય છે કે, પોસ્ટિંગ વગરના તમામ DIG હાલમાં ચાલી રહેલી 'DG ક્રાઈમ કોન્ફરન્સ'માં હાજર રહ્યા હતા, જેનાથી ટૂંક સમયમાં નિર્ણય લેવાશે તેવી અટકળો તેજ બની છે.
નવા વર્ષમાં રાજ્યને નવા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) અને પોલીસ વડા મળવાના છે ત્યારે સૂત્રોએ જણાવ્યું કે, કેન્દ્રીય ડેપ્યુટેશનની યાદીને કારણે વેઈટિંગમાં રહેલા DIG ના પોસ્ટિંગ અને જાન્યુઆરી 2026માં થનારા એડિશનલ DGP થી DGP રેન્કના પ્રમોશનમાં વિલંબ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ડેપ્યુટેશન માટેની યાદીમાં માત્ર પોસ્ટિંગ વગરના DIG જ નથી અન્ય કેટલાક અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું કે, જાન્યુઆરી 2026માં જે એડિશનલ DGP રેન્કના અધિકારીઓના પ્રમોશન થવા છે તેઓ આ હિલચાલ પર નજર રાખી રહ્યા છે. જોકે હાલમાં વેઈટિંગમાં રહેલા સાત IPS અધિકારીઓના પોસ્ટિંગ સિવાય, આગામી પ્રમોશન છતાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી.
અત્યારે તો કેન્દ્રીય ડેપ્યુટેશનની યાદી અને કેટલાક અધિકારીઓની ત્યાં જવાની ના પાડવાની વૃત્તિ વહીવટીતંત્ર અને સંબંધિત IPS અધિકારીઓ બંને માટે ચિંતાનો વિષય બની છે. સૂત્રોએ કહ્યું, પોસ્ટિંગ અને પ્રમોશનની રાહ જોઈ શકાય છે, પરંતુ કેન્દ્રીય ડેપ્યુટેશન માટે 'ના' પાડવી એ એવી બાબત છે જેને સિસ્ટમ સરળતાથી ભૂલતી નથી.