પૂણે: લગ્ન એ જ છૂટાછેડાનું કારણ છે. કોમેડિયન્સ ઘણીવાર સ્ટેજ પર આવું મજાકભર્યું વાક્ય ઉચ્ચારતા હોય છે. સામાન્ય રીતે લગ્નના એકાદ વર્ષ બાદ ઘણીવાર કેટલાક અંગત કારણોસર પરણેલા લોકો છૂટાછેડા લેતા હોય છે. પરંતુ લગ્ન થયાના 24 કલાકમાં જ છૂટાછેડા થાય, એવું તમે નહીં સાંભળ્યું હોય. પણ અમે તમને આવો જ એક તાજેતરમાં બનેલો કિસ્સો જણાવવા જઈ રહ્યા છે. પૂણેમાં એક શિક્ષિત કપલે લગ્નના 24 કલાકમાં જ છૂટાછેડા લેવાની નિર્ણય લીધો છે. છૂટાછેડાનું કારણ જાણીને પણ તમને નવાઈ લાગશે.
લગ્ન બાદ થયો વૈચારિક મતભેદ
પૂણેમાં એક એન્જિનિયર યુવક અને ડૉક્ટર યુવતિ એક-બીજાના પરિચયમાં આવ્યા હતા. છેલ્લા 2-3 વર્ષથી રિલેશનશિપમાં હતા. લાંબી રિલેશનશિપ બાદ તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જેથી તેમણે લવ મેરેજ કર્યા હતા. પરંતુ લગ્નના પહેલા જ દિવસે તેમની વચ્ચે વૈચારિક મતભેદ ઊભો થયો હતો. જોકે, વૈચારિક મતભેદ બાદ તેમની વચ્ચે કોઈપણ પ્રકારની મારજુડ જેવી ઘટના થઈ ન હતી. આ લગ્ન લાંબો સમય નહીં ટકે એવું વિચારીને તેમણે મોડું કર્યા વગર છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો.
કોર્ટમાં તરત આવ્યો છૂટાછેડાનો નિર્ણય
એન્જિનિયર યુવક અને ડૉક્ટર યુવતિએ લગ્નના 24 કલાકમાં જ છૂટાછેડા લીધા હતા. આ અંગે તેમના વકીલ રાની સોનાવાલે મીડિયાને જણાવ્યું હતું કે, બંનેએ શાંતિપૂર્વક કાનૂની પ્રક્રિયાનું પાલન કરીને એકબીજાની સહમતીથી લગ્નસંબંધ પર પૂર્ણ વિરામ મૂક્યું છે. ભારતમાં છૂટાછેડાના કેસ મોટાભાગે લાંબો સમય સુધી કોર્ટમાં ચાલ્યા કરે છે. પરંતુ, આ કેસમાં તરત નિર્ણય આવી ગયો અને દંપતી લગ્નના પછીના દિવસથી જ છૂટા થઈ ગયા.
છૂટાછેડાનું ચોંકાવનારું કારણ
વકીલ રાની સોનાવાલે આગળ જણાવ્યું કે, આ લવ મેરેજ હતા અને લગ્ન પહેલા તેઓ એકબીજાને બે-ત્રણ વર્ષથી એકબીજાના પરિચયમાં હતા. લગ્ન પછી પતિએ પત્નીને કહ્યું કે, તે એક જહાજ પર કામ કરે છે. મારું પોસ્ટિંગ ક્યાં અને ક્યારે થશે એ નક્કી હોતું નથી. હું કેટલો સમય ઘરથી દૂર રહેશે એવું કહી શકાય એમ નથી. અંતે દંપતીએ અનિશ્ચિત જીવન વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અલગ રહેવાને સૌથી સારો વિકલ્પ માન્યો હતો.