અહિલ્યાનગર: અહિલ્યાનગરના શ્રીરામપુર વિસ્તારમાં પુણેના જર્મન બૅકરી બ્લાસ્ટ કેસના આરોપી પર ભરબપોરે ગોળીબાર કરવામાં આવ્યો હતો. બૉમ્બસ્ફોટ કેસમાં જામીન પર છૂટેલા આરોપી પર હુમલો થતાં શ્રીરામપુરમાં તંગદિલીભર્યું વાતાવરણ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર બુધવારની બપોરે શ્રીરામપુરમાં અસલમ શેખ ઉર્ફે બંટી જહાંગીરદાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા જહાંગીરદારને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.
2012માં પુણેની જર્મન બૅકરીમાં બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. આ કેસમાં જહાંગીરદાર આરોપી છે. તપાસ દરમિયાન તેની ધરપકડ કરાઈ હતી. 2023માં તે જામીન પર છૂટ્યો હતો. બુધવારે તે શ્રીરામપુરમાં હતો ત્યારે બાઈક પર આવેલા બે શકમંદે તેના પર ગોળીબાર કર્યો હતો. ગોળીબાર પછી બન્ને હુમલાખોર ફરાર થઈ ગયા હતા.
બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં લાગી હતી. હુમલાખોરોને પકડી પાડવા શહેરમાં ઠેકઠેકાણે નાકાબંધી કરવામાં આવી હતી. આ હુમલામાં જહાંગીરદાર બચી ગયો હતો, પરંતુ ગોળીબારને પગલે વાતાવરણમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી.