પુણેઃ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. બંને પાર્ટીઓ મ્યુનિસિપલ ચૂંટણીઓ સાથે મળીને લડશે. કોંગ્રેસ નેતા સતેજ પાટિલ અને શિવસેના (UBT) નેતા સચિન આહિરે આ સત્તાવાર જાહેરાત કરી હતી. સચિન આહિરે જણાવ્યું હતું કે કોંગ્રેસ 60 બેઠકો પર ચૂંટણી લડશે અને ઉદ્ધવ જૂથ 45 બેઠક પર ચૂંટણી લડશે. બાકીની બેઠક પર ફરીથી ચર્ચા કરવામાં આવશે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 165 બેઠક છે.
શું પુણેમાં એમએનએસ સાથે રહેશે?
સચિન આહિરે કહ્યું હતું કે એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે જેમાં શિવસેના (UBT) 45 બેઠક અને 60 બેઠક કોંગ્રેસને ફાળે જશે. અમે અમારા ઘટક પક્ષો સાથે પણ સકારાત્મક ચર્ચા કરી રહ્યા છીએ. જલ્દી જ બધું નક્કી થઇ જશે. પુણેમાં પણ મનસે (રાજ ઠાકરેની પાર્ટી) તમારી સાથે રહેશે કે કેમ તે પ્રશ્નના જવાબમાં આહિરે કહ્યું હતું કે હા, તે અમારી સાથે છે અને અમારી સાથે રહેશે.
બંને NCP સાથે આવવા અંગે તેમણે શું કહ્યું?
પિંપરી-ચિંચવડમાં બંને NCP સાથે જોડાવવા અંગે શિવસેના (UBT)ના નેતાએ કહ્યું હતું કે હું કહીશ કે આ ભાજપની રણનીતિ છે જેથી વિપક્ષ માટે કોઈ જગ્યા ન રહે. એટલા માટે તેમણે લડાવવાનો પ્રયાસ કર્યો. મુખ્ય પ્રધાને પોતે આ વાત સ્વીકારી હતી. આ એક જાણી જોઈને રચાયેલું કાવતરું છે, હવે કોને ટેકો આપવો તે મતદારોએ નક્કી કરવાનું છે.
સત્તાપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે રાજ્યના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન બંને સત્તામાં હોવા છતાં કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક સમસ્યા અને ભ્રષ્ટાચારને રોકી શક્યા નથી, તેઓ કયા મોંઢે પુણેના લોકો પાસે જશે? 2007થી 2017 સુધી પુણેમાં અવિભાજિત NCPનો દબદબો રહ્યો. જો કે, 2017ની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો અને NCP મુખ્ય વિપક્ષ બન્યો.
તમને જણાવી દઈએ કે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC) સહિત મહારાષ્ટ્રની તમામ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે 15 જાન્યુઆરીએ મતદાન થશે અને મતગણતરી 16 જાન્યુઆરીએ થશે. નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર છે.