નવી દિલ્હીઃ વર્તમાન સપ્તાહ દરમિયાન રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારતની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ઊર્જા પુરવઠો સુરક્ષિત કરવાનો, સંરક્ષણ ક્ષેત્રની ડિલિવરી સ્થિર કરવાનો અને પશ્ચિમી દેશોનાં મજબૂત પ્રતિબંધો છતાં ભારત સાથેનો દ્વીપક્ષીય વેપાર સરળતાથી ચાલુ રહે તે સુનિશ્ચિત કરવાનો છે, એમ આર્થિક થિન્ક ટૅન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટીવ (જીટીઆરઆઈ)ના સ્થાપક અજય શ્રીવાસ્તવાએ જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં હાજરી આપવા પુતિન આજે (ચોથી ડિસેમ્બરે) ભારત આવી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, ઊર્જા સુરક્ષાને બંધ કરવા, સંરક્ષણ પુરવઠા સ્થિર કરવા અને પશ્ચિમી રાષ્ટ્રોનાં પ્રતિબંધો વચ્ચે પણ દ્વીપક્ષીય વેપારને કાર્યરત રાખવાની આવશ્યકતાને આકાર આપવામાં આવેલી એક ઉચ્ચ-સ્તરીય કાર્યકારી મુલાકાત છે. ભારત અને રશિયા વચ્ચે હાલના સંબંધો ઊર્જા, સંરક્ષણ અને રાજદ્વારી એમ ત્રણ સ્તંભો પર આધારિત છે. દેશમાં થતી ક્રૂડતેલની કુલ આયાત પૈકી 30થી 35 ટકાના હિસ્સા સાથે રશિયા ભારતનું સૌથી મોટુ ક્રૂડતેલ સપ્લાયર બન્યું છે. તેમ જ ડિસ્કાઉન્ટથી મળતા ક્રૂડે આ ભાગીદારીને પાયામાં ફેરવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
રશિયા ભારતના મોટાભાગના ફ્રન્ટલાઈન પ્લેટફોર્મ ફાઈટર જેટ, સબમરિન, ટૅન્ક, હવાઈ સંરક્ષણ યંત્રણાઓ (એર ડિફેન્સ સિસ્ટમ)ની સવાઓ તથા તેની જાળવણી ચાલુ રાખે છે અને ભવિષ્યમાં સેવાઓ અને સંપાદનો ચાલુ રહે તેવી શક્યતા શ્રીવાસ્તવે વ્યક્ત કરી હતાં ઉમેર્યું હતું કે બન્ને દેશો શક્યતઃ દિરહામનો ઉપયોગ કરીને એક નવું ચુકવણી માટેનું ઔપચારિક માળખું બનાવી શકે છે અથવા તો રશિયાની એસપીએફએસ સિસ્ટમને ભારતનાં રૂ પૅ નેટવર્ક સાથે સંકલિત કરી શકે છે.
રશિયાને સ્વિફ્ટમાંથી આંશિક રીતે દૂર કર્યા બાદ ચુકવણીઓ દિરહામ (60થી 65 ટકા), રૂપિયો (25થી 30 ટકા) અને ચીની યુઆન (પાંચથી 10 ટકા) જેવી મલ્ટિ કરન્સી સિસ્ટમ તરફ ખસેડવામાં આવી છે. ભારતના રશિયા સાથેનો મર્કન્ડાઈઝ વેપારમાં ખાસ કરીને ઊર્જાલક્ષી ઉત્પાદનોની વધુ આયાત અને નિકાસ ઓછી હોવાથી વેપારમાં અસમતુલા છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષ 2025માં ભારતની નિકાસ આગલા નાણાકીય વર્ષના 4.3 અબજ ડૉલર સામે વધીને 4.9 અબજ ડૉલરના સ્તરે રહી હતી, જ્યારે વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી સપ્ટેમ્બર સુધીની નિકાસ 2.25 અબજ ડૉલરની સપાટીએ હતી.
ભારતના નિકાસ બાસ્કેટમાં ઔદ્યોગિક અને રસાયણોનો સમાવેશ થાય છે. વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં મશીનરીની નિકાસ 36.78 કરોડ ડૉલર, ફાર્માસ્યુટિકલ નિકાસ 24.6 કરોડ ડૉલર અને 16.58 કરોડ ડૉલરના ઓર્ગેનિક કેમિકલની નિકાસનો સમાવેશ થાય છે. તેની સામે ગત એપ્રિલથી સપ્ટેમ્બર દરિમયાન આપણી રશિયાથી આયાત 31.2 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. આ પૂર્વે નાણાકીય વર્ષ 2024 અને 2025ની આયાત અનુક્રમે 63.2 અબજ ડૉલર અને 63.8 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.