Thu Dec 11 2025

Logo

White Logo

ગોંડલના રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં : આરોપી ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ 12-13 ડિસે. સુધી ચાલશે

2 days ago
Author: Pooja Shah
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં ભારે ચર્ચા જગાવનાર રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ કેસના સંડોવાયેલા ગણેશ ગોંડલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ખાતે લાવવામાં આવ્યો હતો. સોમવારથી શરૂ થયેલી નાર્કો ટેસ્ટ માટેની આ પ્રક્રિયા આગામી 12થી 13 ડિસેમ્બર સુધી ચાલવાની છે. જોકે, સીધો નાર્કો ટેસ્ટ કરતા પહેલા ગણેશ ગોંડલના વિવિધ મેડિકલ રિપોર્ટ્સ કરવામાં આવશે અને તેઓ શારીરિક રીતે ફિટ જણાય તો જ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં ચાલી રહેલી તપાસમાં હવે વૈજ્ઞાનિક ઢબે પુરાવા એકત્ર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ કેસમાં સત્ય બહાર લાવવા માટે ગણેશ ગોંડલને ગાંધીનગર FSL ખાતે ખસેડવામાં આવ્યા હતા. 8 ડિસેમ્બરથી એટલે કે પ્રક્રિયાના પ્રથમ દિવસથી લઈને આગામી 13 ડિસેમ્બર સુધી કુલ 4 દિવસ સુધી નાર્કો ટેસ્ટ સંબંધિત વિવિધ તબક્કાઓ હાથ ધરાશે. મહત્વની વાત એ છે કે, નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે ખુદ ગણેશ ગોંડલ દ્વારા અગાઉ પોતાની સંમતિ આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, નાર્કો ટેસ્ટ એ એક જટિલ પ્રક્રિયા હોવાથી તે સીધેસીધી કરવામાં આવતી નથી. પ્રોટોકોલ મુજબ, FSLમાં સૌથી પહેલા ગણેશ ગોંડલના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવશે. આ માટે વિવિધ મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. જો નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમને મેડિકલી ફિટ જાહેર કરવામાં આવશે, ત્યારબાદ જ નાર્કો ટેસ્ટનો મુખ્ય તબક્કો શરૂ કરવામાં આવશે. આ ટેસ્ટ દ્વારા ઘટના સમયે ખરેખર શું બન્યું હતું તેની વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.

ગોંડલ સહિત સમગ્ર ગુજરાતમા ચચાસ્પદ કેસ રાજકુમાર જાટના મોતના કેસમા જાટના પરિવારે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની માગણી કરી હતી. સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુએ આ માટે કોર્ટમાં નાર્કોટેસ્ટની પરવાનગી માગી હતી. જે પરવાનગી મળતા હવે પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. બીજી બાજુ ગણેશના સમર્થકોએ રાજકુમાર જાટના પિતાના નાર્કોટેસ્ટની મંજૂરી માગી હતી. આ નાર્કોટેસ્ટ બાદ જાટના મૃત્યુકેસમાં કોઈ નવો વળાંક આવે તેવી સંભાવના છે.