Tue Dec 16 2025

Logo

White Logo

સ્માર્ટ એટીએમ ચોરોએ તો પોલીસ અને નિષ્ણાતોને પણ ગોટે ચડાવ્યા : એટીએમ મશીનના પાવર સોકેટમાં પોતાનું એડોપ્ટર નાખી રોકડ મશીનમાં અટકાવી દેતા ને કસ્ટમરના ગયા પછી કૅશ-બૉક્સનું કવર તારથી કાઢીને રૂપિયા લઈ લેતા

5 hours ago
Author: Mumbaisamachar Team
Video

યોગેશ સી પટેલ

મુંબઈ: મુંબઈના માહિમ વિસ્તારમાં આવેલા રાષ્ટ્રીયકૃત બૅન્કના એટીએમ સેન્ટરમાં સ્માર્ટ ચોરોએ ગજબનું કરતબ કર્યું કે પોલીસ અને નિષ્ણાતો પણ ગોટે ચડી ગયા હતા. કૅશ ડિપોઝિટ મશીનના પાવર સોકેટમાં પોતાનું એડોપ્ટર નાખીને ચોરો એવું કંઈક કરતા હતા કે મશીનમાં ભરવામાં આવતી રોકડ અટકી જતી અને કસ્ટમરના ગયા પછી ચોરો તારનો ઉપયોગ કરી કૅશ બૉક્સનું કવર કાઢીને રોકડ લઈ લેતા હતા. આશ્ર્ચર્યની વાત એટલે પોલીસ અને મશીનના નિષ્ણાતો પણ ચોરોની તરકીબ જાણી શક્યા નથી.

પોલીસ ફરિયાદ અનુસાર 8 ડિસેમ્બરે બે ખાતાધારક કૅશ ડિપોઝિટ મશીનમાં ભરેલી રકમ તેમના ખાતામાં જમા થઈ ન હોવાની ફરિયાદ કરવા રાષ્ટ્રીયકૃત બૅન્કની માહિમ શાખામાં ગયા પછી ચોરોની ચાલાકીનો ખુલાસો થયો હતો. એક ખાતાધારક શનિવારની સાંજે મશીનમાં 60,500 રૂપિયા ભરવા ગયો, જ્યારે બીજો રવિવારની વહેલી સવારે 45 હજાર રૂપિયા ભરવા ગયો હતો. બન્નેની રોકડ તેમનાં બૅન્ક ખાતાંમાં જમા થવાને બદલે મશીનમાં જ અટકી ગઈ હતી.

સોમવારે ખાતાધારકોની ફરિયાદ બાદ બૅન્કની મહિલા મૅનેજરે કર્મચારીની મદદથી મશીનની ચકાસણી કરી તો તેમના આશ્ર્ચર્ય વચ્ચે મશીનમાં વધારાની કોઈ રકમ જમા ન થઈ હોવાનું જણાયું હતું. શંકા જતાં મૅનેજરે બીકેસીમાં આવેલી હેડ ઑફિસના ડિજિટલ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરી હતી. ડિપાર્ટમેન્ટના નિષ્ણાતો દ્વારા ઑનલાઈન તપાસ કરવામાં આવતાં મશીનમાં કોઈ ખામી ન હોવાનું જણાયું હતું.

મશીનમાં ભરેલી રોકડ ક્યાં ગઈ તે શોધી કાઢવા એટીએમ સેન્ટરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસવામાં આવ્યાં હતાં અને ફૂટેજને આધારે મૅનેજરે પોલીસ ફરિયાદ કરી હતી. સ્માર્ટ ચોરોએ બૅન્ક બંધ હોય એવા દિવસે જ પોતાની કારીગરી દેખાડી હોવાનું માનવામાં આવે છે, જેથી કસ્ટમર તાત્કાલિક બૅન્કમાં ફરિયાદ ન કરી શકે.

ફૂટેજમાં બે ચોર શનિવારના મળસકે 4.30 વાગ્યે એટીએમ સેન્ટરમાં આવે છે અને મશીનનું મેઈન પ્લગ કાઢતા નજરે પડે છે. પ્લગ કાઢ્યા પછી પોતાની પાસેનું એડોપ્ટર મશીનના પ્લગમાં લગાવી ફરી મશીન ચાલુ કરીને નીકળી જાય છે. રાતે 9 વાગ્યે ફરી બન્ને આવે છે અને પોતાના મોબાઈલ ફોનમાં કંઈક કરે છે. ત્યાર બાદ તારની મદદથી કૅશ બૉક્સનું કવર જબરદસ્તી કાઢીને મશીનમાં ફસાયેલી રોકડ લઈ લે છે. પછી ફરી કવર ગોઠવીને પસાર થઈ જાય છે. આ જ રીતે ફરી રવિવારની સવારે 10.19 વાગ્યે આવીને રોકડ કાઢી લેતા હોવાનું ફૂટેજમાં નજરે પડે છે.

માહિમ પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર સુજિત ચાળકેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે બન્ને શકમંદે રોકડ ચોરવા માટે ખરેખર તો કઈ પદ્ધતિ અપનાવી તે સ્પષ્ટ થઈ શક્યું નથી. આરોપીના પકડાયા પછી આ અંગે ખુલાસો થઈ શકશે. જોકે માહિમની શાખામાં હજુ સુધી બે જ કસ્ટમર આ રીતે રોકડ ગુમાવ્યાની ફરિયાદ કરવા આવ્યા છે. ફૂટેજને આધારે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.