Tue Dec 16 2025

Logo

White Logo

UNSCમાં ભારતે પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ : કહ્યું પાકિસ્તાન આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર છે

6 hours ago
Author: Tejas Rajpara
Video

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એકવાર ફરી પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. UNSCમાં 'શાંતિ માટે નેતૃત્વ' વિષય પર ખુલ્લી ચર્ચા દરમિયાન, પાકિસ્તાને ભારતના જમ્મુ-કાશ્મીરને 'વિવાદિત' વિસ્તાર ગણાવવાનો પ્રયાસ કર્યો. ભારતે પાકિસ્તાનના આ પાયાવિહોણા દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો અને ભારપૂર્વક જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને તે ભારતનો અભિન્ન અંગ હતો, છે અને હંમેશા રહેશે. આ સાથે ભારતે પાકિસ્તાનને 'આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર' ગણાવીને તેના ભાગલાવાદી એજન્ડાને ખુલ્લો પાડ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત હરીશ પર્વતનેનીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન યુએન (UN)ના પ્લેટફોર્મનો ઉપયોગ ભારત અને તેના લોકોને નુકસાન પહોંચાડવા અને પોતાના ભાગલાવાદી એજન્ડાને આગળ વધારવા માટે કરી રહ્યું છે. રાજદૂત હરીશે ભારપૂર્વક જણાવ્યું: "જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. તેઓ પહેલા પણ હતા, આજે પણ છે અને હંમેશા રહેશે." તેમણે ઉમેર્યું કે UNSCના અસ્થાયી સભ્ય તરીકે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રની તમામ બેઠકો અને મંચોનો ઉપયોગ માત્ર પોતાનો ભાગલાવાદી એજન્ડા વધારવા માટે કરી રહ્યું છે, જેના કારણે તે પોતાની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ અને કર્તવ્યોને યોગ્ય રીતે નિભાવી શકે તેવી અપેક્ષા રાખી શકાય નહીં.

રાજદૂત હરીશે પાકિસ્તાન દ્વારા આતંકવાદને સતત સમર્થન આપવાના ઇતિહાસનો ઉલ્લેખ કરતાં સિંધુ જળ સંધિ સ્થગિત કરવાના ભારતના નિર્ણયનો મજબૂત રીતે બચાવ કર્યો. તેમણે યાદ અપાવ્યું કે ભારતે 65 વર્ષ પહેલા આ સંધિ સારા ઇરાદા અને મિત્રતાની ભાવનાથી કરી હતી. જોકે, પાકિસ્તાને ત્રણ યુદ્ધો અને હજારો આતંકવાદી હુમલાઓ કરીને વારંવાર આ સંધિની ભાવનાનું ઉલ્લંઘન કર્યું છે. 

રાજદૂત હરીશે એપ્રિલ 2025માં થયેલા પહલગામ આતંકી હુમલાનો હવાલો આપ્યો, જેમાં પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ 26 નિર્દોષ નાગરિકોની તેમની ધાર્મિક ઓળખના આધારે હત્યા કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતે નિર્ણય લીધો છે કે સિંધુ જળ સંધિ ત્યાં સુધી સ્થગિત રહેશે, જ્યાં સુધી "આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર" પાકિસ્તાન સરહદ પારથી અને અન્ય તમામ પ્રકારના આતંકવાદને સમર્થન આપવાનું સંપૂર્ણપણે અને કાયમી ધોરણે બંધ ન કરે.

ભારતે યુએનમાં આકરા શબ્દોમાં જણાવ્યું કે છેલ્લાં સાડા છ દાયકામાં પાકિસ્તાને આ સંધિની ભાવનાને તોડી નાખી છે, અને છેલ્લા ચાર દાયકામાં પાકિસ્તાન-પ્રાયોજિત આતંકવાદમાં હજારો ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. પહલગામ હુમલા જેવી ઘટનાઓ સાબિત કરે છે કે પાકિસ્તાન સતત આતંકવાદને સમર્થન આપી રહ્યું છે. ભારતના કડક વલણથી સ્પષ્ટ છે કે તે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કોઈ સમાધાન કરવા તૈયાર નથી અને પાકિસ્તાનના ભાગલાવાદી એજન્ડાને આંતરરાષ્ટ્રીય મંચો પર સફળ થવા દેશે નહીં.