Tue Dec 16 2025

Logo

White Logo

વૈશ્વિક સોના-ચાંદીમા ઘટ્યા : મથાળેથી સુધારો

19 hours ago
Author: Ramesh Gohil
Video

સ્થાનિક ચાંદીમાં રૂ. 1763ની પીછેહઠ, સોનામાં રૂ. 539નો સુધારો 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
ગત શુક્રવારે વૈશ્વિક ચાંદીમાં વધ્યા મથાળેથી ત્રણ ટકા જેટલો કડાકો બોલાઈ ગયા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ઘટ્યા મથાળેથી નીકળલી સલામતી માટેની અને ઔદ્યોગિક વપરાશકારોની લેવાલીને ટેકે બાઉન્સબૅક જોવા મળ્યું હતું. તેમ જ સોનાના ભાવમાં પણ સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવરી બજારમાં આજે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 536થી 539નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વધ્યા મથાળેથી કિલોદીઠ રૂ. 1763નો ઘટાડો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક ચાંદીમાં બાઉન્સબૅક જોવા મળ્યું હોવા છતાં ગત શુક્રવારના નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે ભાવ આગલા બંધ સામે કિલોદીઠ રૂ. 1763ના ઘટાડા સાથે રૂ. 1,93,417ના મથાળે બંધ રહ્યા હતા. વધુમાં આજે સોનાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત આજે ડૉલર સામે રૂપિયો વધુ 25 પૈસા નબળો પડ્યો હોવાથી આયાત પડતરો વધવાથી વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 536 વધીને રૂ. 1,32,715 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 539 વધીને રૂ. 1,33,249ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો તથા જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ઘટીને બે મહિનાની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ અમેરિકી 10 વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ પણ ઘટી હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.9 ટકા વધીને આૈંસદીઠ 4343.96 ડૉલર અને વાયદામાં ભાવ 1.1 ટકા વધીને 4374.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ઘટ્યા મથાળેથી 2.8 ટકાના ઉછાળા સાથે આૈંસદીઠ 63.73 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

એકંદરે રોકાણકારોની મજબૂત માગ અને સતત ત્રણ મહિનાથી કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું છે અને આગામી વર્ષ 2026માં પણ મક્કમ અન્ડરટોન જળવાઈ રહે તેવી શક્યતા યુબીએસના વિશ્લેષક ગિઓવન્ની સ્ટુનોવોએ જણાવતાં ઉમેર્યું હતું કે ગત સપ્તાહે અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂક્યો હતો અને ભવિષ્યમાં રેટકટનો આધાર રોજગાર તથા ફુગાવાના ડેટા પર અવલંબિત રહેશે તેવો નિર્દેશ આપ્યો હતો. તેમ છતાં બજાર વર્તુળો વર્ષ 2026માં ફેડરલ રિઝર્વ બે વખત રેટકટ કરે તેવી ધારણા મૂકી રહ્યા છે. 

આજે રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ છે. વધુમાં ગત શુક્રવારે રશિયન સેન્ટ્રલ બૅન્કે જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન દ્વારા યુક્રેનને લોન આપવા માટે રશિયન સંપત્તિનો ઉપયોગ કરવાની યોજના ગેરકાયદેસર છે અને તે તેના હિતોનું રક્ષણ કરવા માટે ઉપલબ્ધ તમામ માધ્યમનો ઉપયોગ કરવાનો અધિકાર અનામત રાખે છે. આમ રશિયાના આ નિવેદનને ધ્યાનમાં લેતા સોના-ચાંદીમાં અમુક અંશે સલામતી માટેની માગનો પણ ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.