અડિસ અબાબા: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસે ગયા છે. તેઓ સોમવારે જોર્ડન પહોંચ્યા હતા. જોર્ડનની સફળ મુલાકાત બાદ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇથોપિયા પહોંચ્યા છે. ઇથોપિયાની રાજધાની રાજધાની અડિસ અબાબાના એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.
ઇથોપિયાના PMએ તોડ્યું પ્રોટોકોલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ઇથોપિયાના વડા પ્રધાન અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અબી અહમદ અલી અડિસ અબાબા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. ખાસ વાત એ છે કે, PM અબી અહમદ અલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં પોતાનું પ્રોટોકોલ તોડ્યું હતું. અબી અહમદ અલી પોતે કાર ડ્રાઇવ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની હોટલ સુધી લઈ ગયા હતા.
ઇથોપિયાના વડા પ્રધાને PM મોદીને રસ્તામાં સાયન્સ મ્યુઝિયમ અને ફ્રેન્ડશિપ પાર્ક પણ બતાવ્યા. આ બંને સ્થળો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સરકારી યાત્રા કાર્યક્રમમાં સમાવિષ્ટ નહોતાં. આ સિવાય, અબી અહમદ અલીએ PM મોદીને ઇથોપિયાની કૉફીની વિવિધ પ્રજાતિઓ વિશે માહિતી પણ આપી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇથોપિયાના પ્રવાસ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'આ ભારત-ઇથોપિયાના સદીઓ જૂના સંબંધોનો ઉત્સવ છે.'
ઇથોપિયાની સંસદનું કરશે સંબોધન
ઉલ્લેખનીય છે કે, ઇથોપિયા 'ગ્લોબલ સાઉથ'માં ભારતનો એક મુખ્ય ભાગીદાર અને બ્રિક્સનો સાથી સભ્ય પણ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની ઇથોપિયાની મુલાકાત દરમિયાન વડા પ્રધાન અલી અહમદ અલી સાથે દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓ પર વિસ્તૃત વાતચીત કરશે. આ સિવાય તેઓ ઇથોપિયાની સંસદના સંયુક્ત સત્રને પણ સંબોધીત કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના આ સંબોધનમાં "ગણતંત્રની જનની" તરીકે ભારતની યાત્રા અને 'ગ્લોબલ સાઉથ' માટે ભારત-ઇથોપિયા ભાગીદારીના મહત્ત્વ વિશે પોતાના વિચારો રજૂ કરશે.