અમદાવાદઃ પ્રદેશાધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં રચાયેલી ભાજપ પ્રદેશની નવનિયુક્ત કમિટીની પહેલી બેઠક સોમવારે કમલમ ખાતે યોજાઈ હતી. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ આ બેઠકમાં હાજરી આપવા આવ્યા હતા.
બેઠક અંગે મુખ્ય પ્રવક્તા ડો. અનીલ પટેલે જણાવ્યું હતું કે દરેક હોદેદ્દારોની અલગ અલગ ભૂમિકા અંગે ચર્ચા થઈ હતી. જે અગાઉની કમિટી અને નવી કમિટીએ જવાબદારીઓ વિશે ચર્ચા કરી હતી. વિશ્વકર્મા, મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને સૌનું માર્ગદર્શન કર્યું હતું. આ સાથે સંગઠનને વધુ મજબૂત કઈ રીતે બનાવી શકાય તે અંગે વિવિધ ચર્ચાઓ થઈ હતી.
આ દરમિયાન આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે પણ નેતાઓ અને પદાધિકારીઓએ વિચારોની આપ-લે કરી હતી. ડો. અનિલ પટેલે જણાવ્યું હતું કે, પાર્ટીને મજબૂત કરવા માટે અને સરકારને કેવી રીતે મદદ કરી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ મોરચાની જવાબદારી અપાઈ છે જેમાં જૂના અને નવા હોદ્દેદારોની વચ્ચે સંકલન કરી કામગીરી થશે, તેમ તેમણે જણાવ્યું હતું.
સોમવારે સવારથી જ કમલમ ખાતે સાસંદો, વિધાનસભ્યો અને પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓની ભીડ જામી હતી. બે દિવસ પહેલા જ ભાજપે નવી ટીમ જાહેર કરી હતી. ગુજરાતમાં સતત 30 વર્ષથી ભાજપની સરકાર છે અને તે માટે ભાજપના મજબૂત સંગઠનનો ફાળો ખૂબ મહત્વનો ગણાય છે. વર્ષ 2027માં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જવાબદારી આ નવી ટીમની રહેશે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ ઉપપ્રમુખ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી, પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ તથા પ્રદેશ મોરચાના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી. આ યાદીમાં 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી, 10 મંત્રી, 7 મોરચા પ્રમુખ તથા 1-1 કોષાધ્યક્ષ, સહ કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રી, મુખ્ય પ્રવક્તા અને મીડિયા ઇન્ચાર્જનો સમાવેશ થાય છે.