Tue Jan 06 2026

Logo

White Logo

સુરતમાં વધુ એક રત્ન કલાકારે લગાવી મોતની છલાંગ : 6 મહિનાથી હતો બેરોજગાર

3 weeks ago
Author: MayurKumar Patel
Video

સુરતઃ વિશ્વના 90 હીરા જ્યાં પોલિંશિંગ થાય છે તે સુરત મંદીનો માર હાલ જીલી રહ્યું છે. રત્ન કલાકારો બેરોજગાર બનતાં તેમની હાલત કફોડી બની ગઈ છે. શહેરમાં હીરા ઉદ્યોગમાં વ્યાપેલી મંદીના કારણે વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો હતો. મળતી વિગત પ્રમાણે,  કાપોદ્રા વિસ્તારમાં તિરુપતિ એપાર્ટમેન્ટના ચોથા માળના ટેરેસ પરથી રત્ન કલાકારે પડતું મૂક્યું હતું. 6 મહિનાથી બેરોજગાર અને બીમારીથી પરેશાન થઈને આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે.

ઘનશ્યામભાઈ રામોલિયા નામના રત્ન કલાકાર  છ મહિનાથી બેરોજગાર હતા અને બીમારીના કારણે પણ પરેશાન રહેતા હતા. જેના કારણે તેમણે વહેલી સવારે આ અંતિમ પગલું ભર્યું હતું. આ ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આ બાબતે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

સુરતમાં માર્ચ 2025માં  રત્ન કલાકાર પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી હતી. જેમા આર્થિક સંકડામણમાં માતા-પિતા-પુત્રએ આપઘાત કર્યો હતો. તમામ સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. અમરોલી રોડ પરના એન્ટેલિયા ફલેટમાં આ બનાવ બન્યો હતો.15 વર્ષથી પિતા-પુત્ર હીરા ઉદ્યોગમાં કામ કરતા હતા અને આર્થિક સંકડામણ વધતી જતી હોવાથી તેમણે આપઘાત કર્યો હતો.

આ ઉપરાંત કામરેજના શેખપુર ગામમાં આ રત્ન કલાકારે આપઘાત કર્યો હતો. વીડિયોમાં રડતા રડતા પોતાનું દુઃખ વ્યકત કર્યું હતું અને કહ્યું કે,મંદીના કારણે આપઘાત કરી રહ્યો છું. એક વર્ષમાં સુરતમાં 60થી વધુ રત્ન કલાકારોએ આપઘાત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, સુરતનો હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી મંદીનો હાલ સામનો કરી રહ્યો છે. અનેક કારખાના બંધ થઈ ગયા છે અને  લાખો રત્ન કલાકારો સંકટનો સામનો કરી રહ્યા છે.