Mon Dec 08 2025

Logo

White Logo

2026માં ગુજરાતમાં ચિત્તાનું થશે આગમન : દેશમાં બનશે બીજું રાજ્ય

4 days ago
Author: MayurKumar Patel
Video

અમદાવાદઃ ગુજરાતમાં મહીસાગરમાં આવેલા રતનમહાલના જંગલમાં વાઘની હાજરીના પુરાવા મળ્યા હતા. જંગલમાં લાગેલા વનવિભાગના કેમેરામાં વાઘ ટ્રેપ થયો હતો. ગુજરાતમાં વાઘ લુપ્ત થયાના ઘણા વર્ષો પછી ફરી જંગલમાં તે જોવા મળ્યો હતો. જે બાદ ગુજરાત સિંહ, દીપડા અને વાઘ એમ ત્રણેય વન્ય જીવ ધરાવતું એક માત્ર રાજ્ય બન્યું છે. સામાન્ય રીતે એવું શક્ય હોતું નથી. જોકે વન વિભાગના પ્રયાસોથી હવે ગુજરાતમાં વિલુપ્ત થઇ ગયેલ વાઘ ફરીથી જોવા મળી રહ્યો છે. જોકે હવે ગુજરાતમાં ચિત્તા પણ જોવા મળી શકે છે.

સૂત્રો મુજબ, રાજ્ય 2026 સુધીમાં ચિત્તાનું સ્વાગત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કચ્છના બન્ની ઘાસના મેદાનોમાં 600 હેક્ટરનો વિસ્તાર ચિત્તાનો રહેણાંક વિસ્તાર બનશે.  કેન્દ્ર સરકાર ચિત્તાના પ્રથમ જૂથને લાવવા માટે આફ્રિકન દેશ સાથે  વાતચીત કરી રહી છે.  સૂત્રોએ જણાવ્યું કે, જણાવ્યું હતું કે, ચિત્તાઓને શક્ય તેટલી વહેલી તકે લાવવામાં આવે તેવી કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવી છે. ચોક્કસ સમયરેખાની હજુ સુધી જાહેરાત કરવાની બાકી છે, પરંતુ એક વાત નિશ્ચિત છે કે ગુજરાત 2026માં ચિત્તાઓને હોસ્ટ કરનાર મધ્યપ્રદેશ પછીનું બીજું ભારતીય રાજ્ય બનશે. ચિત્તા આફ્રિકા અથવા અન્ય દેશમાંથી સીધા જ આવશે અને મધ્યપ્રદેશથી ટ્રાન્સલોકેટ કરવામાં આવશે નહીં. ગુજરાતમાં ચિત્તાના આગમન માટેની મોટાભાગની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે.

તેમણે કહ્યું કે સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવેલા પ્રારંભિક વિરોધને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવામાં આવ્યો છે અને બન્ની ઘાસના મેદાનો ટૂંક સમયમાં આ ભવ્ય પ્રાણીઓની હાજરીથી ગુંજી ઉઠશે. કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2023 માં બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તા સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્રને મંજૂરી આપી હતી. આ વિસ્તૃત પ્રોજેક્ટ ચિત્તાનો એક ભાગ છે, જે 1950 ના દાયકામાં લુપ્ત થઈ ગયેલી પ્રજાતિને પુનર્જીવિત કરવાની ભારતની મહત્વાકાંક્ષી પહેલ છે. 

થોડા સમય પહેલા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (સીઝેડએ) એ દાયકાઓ પછી ગુજરાતમાં ચિત્તાને ફરીથી વસવાટ કરવાની સુવિધા માટે બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્રની સ્થાપનાને મંજૂરી આપી હતી. આ કેન્દ્ર 16 ચિત્તાને રાખવા માટે સક્ષમ છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

ગુજરાત વન વિભાગે સંવર્ધન કેન્દ્ર માટે કચ્છના બન્નીમાં 500 હેક્ટર વિસ્તારને આવરી લીધો છે. આ પ્રોજેક્ટમાં વાડનું નિર્માણ, નિવાસસ્થાનનો પુનર્વિકાસ અને હોસ્પિટલની સ્થાપનાનો સમાવેશ થાય છે. અધિકારના કહેવા મુજબ, અહીં એક હોસ્પિટલ, એક વહીવટી એકમ અને એક ક્વોરેન્ટાઇન યુનિટ બનાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,  1940ના દાયકાની શરૂઆત સુધી ગુજરાતમાં ચિત્તાની હાજરી હતી. જે બાદ નામશેષ થયા હતા.