અમદાવાદઃ રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. કચ્છના નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 13.8 ડિગ્રી, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 11.5, અમરેલીમાં 12, ડીસામાં 12.8, વડોદરામાં 13, રાજકોટમાં 13.2, પોરબંદરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સિવાય વલ્લભ વિદ્યાનગરમાં 15.5, ભુજમાં 14.4, ભાવનગરમાં 15.4, સુરેન્દ્રનગરમાં 15.5, મહુવામાં 15.3, કેશોદમાં 15.5, દમણમાં 15, દ્વારકા 17.6, દીવમાં 16.6, સુરતમાં 19.4, વેરાવળમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ હવામાનમાં કોઈ ફેરફાર નહીં થાય. વાતાવરણ અને તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં ઉત્તર પૂર્વથી પવનો ફૂંકાઈ રહ્યાં છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી સુધી રહેશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 15 ડિગ્રી આસપાસ નોધાયું હતું.
રાજ્યમાં કેમ વધી ઠંડી
હાલ રાજ્યમાં દિવસભર ઉત્તર-પૂર્વ તરફથી 15 થી 20 કિમીની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે નાગરિકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આ પવનો શીતલહેરની અસરને વધુ તીવ્ર બનાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નીચું નોંધાયું હતું.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, રાજ્યમાં 16 અને 17 ડિસેમ્બરથી તાપમાનમાં ફેરફાર થશે અને 22 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી જશે. જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે. ડિસેમ્બરના અંતમાં બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે હળવું ચક્રવાત બની શકે છે. 24 ડિસેમ્બરના રોજ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. બંગાળ અને અરબ સાગરમાં સિસ્ટમને કારણે 22 ડિસેમ્બર પછી માવઠું પડી શકે છે. 16-17 તારીખે પણ વાદળો ઘેરાવાની પણ શક્યતા રહેશે.
અંબાલાલ પટેલ મુજબ, જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાનો છે. જેના કારણે છ જાન્યુઆરી સુધીમાં ફરીથી વાદળછાયું વાતાવરણ રહેશે. તેમણે કહ્યું કે, 18 થી 24 ડિસેમ્બર એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને બંગાળના ઉપસાગરમાં આ આરસામાં એક ડિપ્રેશન બનશે. તેના ભેજની અસરના કારણે અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે.