અમદાવાદઃ ગુજરાતીઓ શેરબજારમાં રોકાણ કરવા જાણીતા છે. નાના શહેરોમાં SIPના ક્રેઝને કારણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે, જ્યારે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા દ્વારા નવેમ્બર 2025ના જાહેર કરવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, ગુજરાતનું ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) રૂ. 3.66 લાખ કરોડ નોંધાયું છે, જે કર્ણાટકના રૂ. 3.64 લાખ કરોડ કરતાં સહેજ આગળ છે. આ સેગમેન્ટમાં મહારાષ્ટ્ર રૂ. 12.9 લાખ કરોડના ઇક્વિટી AUM સાથે હજુ પણ મોખરે છે.
ગુજરાત કુલ મ્યુચ્યુઅલ ફંડ AUM (રૂ. 5.58 લાખ કરોડ)માં મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટક પછી ચોથા ક્રમે છે, પરંતુ ઇક્વિટીમાં બીજા સ્થાને આવવું તે ખૂબ મહત્વનું છે. બજારના નિષ્ણાતો આ તફાવતનું કારણ રોકાણકારોનો ઇક્વિટી સ્કીમ્સ તરફનો ઝુકાવ ગણાવે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતના કુલ મ્યુચ્યુઅલ ફંડ AUMના લગભગ 59% હિસ્સો હવે ઇક્વિટી સ્કીમ્સમાં છે, જે દર્શાવે છે કે રોકાણકારો ડેટ ફંડ્સ કરતા ગ્રોથ-ઓરિએન્ટેડ એસેટ્સને વધુ પસંદ કરી રહ્યા છે. હવે મ્યુચ્યુઅલ ફંડમાં સહભાગિતા માત્ર મહાનગરો પૂરતી મર્યાદિત નથી રહી, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારો તેમજ નવા શહેરી સ્થળાંતરિતો અને યુવા રોકાણકારો તરફથી પણ મજબૂત રોકાણ આવી રહ્યું છે. ફિનટેક પ્લેટફોર્મ્સ અને નાના રોકાણની સગવડને કારણે રાજ્ય હવે ટ્રેડિંગ-ઓરિએન્ટેડ માનસિકતામાંથી બહાર નીકળીને લાંબા ગાળાની SIP તરફ વળી રહ્યું છે.
નવી દિલ્હી જેવા રાજ્યોમાં જ્યાં ડેટ અને લિક્વિડ ફંડ્સનો હિસ્સો હજુ પણ મોટો છે, તેની સરખામણીમાં ગુજરાતના રોકાણકારો ઇક્વિટી તરફ વધુ ઝુકાવ ધરાવે છે. વિશ્લેષકો કહે છે કે આ ઊંચી જોખમ લેવાની ક્ષમતા અને લાંબા ગાળાના રોકાણના દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. સૂત્રોએ કહ્યું કે, નવેમ્બરમાં ભારતીય ઇક્વિટીમાં રિકવરીના સંકેતો દેખાયા છે. GSTના સરળીકરણની અપેક્ષા અને ભારત-યુએસ વેપાર કરારની આશાએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે. નવેમ્બર મહિનામાં ગુજરાતમાંથી રિટેલ અને હાઈ-નેટવર્થ રોકાણકારો પણ વધ્યા છે.
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ AUMમાં ટોચના 5 રાજ્યો
1. મહારાષ્ટ્ર - રૂ.12.90 લાખ કરોડ
2. ગુજરાતઃ રૂ. 3.66 લાખ કરોડ
3. કર્ણાટકઃ રૂ. 3.64 લાખ કરોડ
4. નવી દિલ્હીઃ રૂ. 3.47 લાખ કરોડ
5. ઉત્તર પ્રદેશઃ રૂ. 2.89 લાખ કરોડ