Thu Jan 01 2026

Logo

White Logo

ગુજરાતમાં છેલ્લાં 10 વર્ષમાં રૂ.176.42 કરોડથી : વધુની 32.73 લાખ નકલી નોટો પકડાઈ...

15 hours ago
Author: Chandrakant Kanoja
Video

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લાં 10 વર્ષ દરમિયાન રૂપિયા 176.42 કરોડથી વધુની 32.73 લાખ નકલી ચલણી નોટો પકડાઈ છે. નોટબંધી પછી ગુજરાતમાં નકલી ચલણી નોટોનો કારોબાર ઘટવાના બદલે વધ્યો છે. વર્ષ 2022માં સમગ્ર દેશમાંથી પડકાયેલી કુલ નકલી ચલણી નોટોમાં ગુજરાત સૌથી અગ્રેસર રહ્યું છે. વર્ષ 2022માં દેશભરમાં પકડાયેલી કુલ નકલી નોટોમાં ગુજરાતનો હિસ્સો રાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ રહ્યો હતો. તે વર્ષે રેકોર્ડ બ્રેક રૂપિયા 150 કરોડની 30 લાખથી વધુ નોટો પકડાઈ હતી. 2016માં નકલી નોટોના કારોબારને નેસ્ત નાબૂદ કરવા નોટબંધીને નિષ્ફળ પ્રયોગ કરાયો હતો. પરંતુ તેનાથી વિપરીત 500 અને 2000 રૂપિયાની નકલી ચલણી નોટોનું ચલણ વધ્યું છે.  

નકલી ચલણી નોટોના કારોબારમાં દેશમાં પ્રથમ નંબરે રહ્યું : કોંગ્રેસ 

કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ આક્ષેપ કર્યો હતો કે, ગુજરાત નકલી ચલણી નોટોના કારોબારમાં દેશમાં પ્રથમ નંબરે રહ્યું હોવા છતાં ગૃહ વિભાગ ગુનાખોરી ડામવાની ડીંગો હાંકી રહ્યુ છે. તેમણે માંગ કરી હતી કે, માત્ર આંકડા બતાવીને સંતોષ માનવાના બદલે સરહદ ઉપર સુરક્ષા વધુ કડક બનાવવામાં આવે. નકલી નોટો પકડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે જેથી સંગઠિત ગુનાખોરીના નેટવર્કના મૂળ સુધી પહોંચી શકાય.

તેમણે ઉમેર્યુ હતું કે, દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં 11,05,400 નકલી નોટો પકડાઈ છે. 11 વર્ષમાં 6,36,992 કરોડનાં બેંક ગોટાળા થયા છે એટલે કે 416 ટકાનો વધારો થયો છે. નોટબંધી પછી છેલ્લાં 6 વર્ષમાં 500ની નકલી નોટોની સંખ્યામાં 291 ટકાનો વધારો થયો છે.

વર્ષ 2025 રૂ. 0.8 કરોડની નોટ ઝડપાઈ હતી

છેલ્લાં 10 વર્ષમાં પકડાયેલી નકલી ચલણી નોટોની વિગત પર એક નજર કરી એ તો વર્ષ 2016માં 2.37 કરોડની નકલી નોટો, વર્ષ 2017માં રૂ. 9.00 કરોડ, વર્ષ 2018માં રૂ,1.23 કરોડ, વર્ષ 2019માં  રૂ.3.77 કરોડ, વર્ષ  2020માં 0.88 કરોડ,  2021માં  રૂ. 1.01 કરોડ, વર્ષ 2022માં 150 કરોડ, વર્ષ 2023માં 5.00 કરોડ, વર્ષ 2024માં રૂ. 2.00 કરોડ, વર્ષ 2025 રૂ. 0.8 કરોડની નોટ ઝડપાઈ હતી. આમ કુલ  176.42 કરોડની 32,73,141 નકલી નોટો ઝડપાઈ છે.