મુંબઈ: વર્ષ ફેબ્રુઆરી 2017 બાદ 15 જાન્યુઆરી 2026ના રોજ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી યોજાવી છે, દરેક પક્ષ મતદારોને રીઝવવા માટે પ્રચાર કરી રહ્યો છે. તાજેતરમાં મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને મોટી જીત મેળવી હતી. એવામાં એક અહેવાલ પ્રકાશિત થયો છે, જેમાં જણાવવામાં આવ્યું કે BMC ચૂંટણીમાં મહાયુતિની જીત માટે પૃષ્ઠભૂમિ આગાઉથી તૈયાર કરી દેવામાં આવી છે.
અંગ્રેજી ભાષાના એક પ્રમુખ અખબારના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે BMCએ ફંડની ફાળવણીમાં મહાયુતીના વિધાનસભ્યોના મત વિસ્તારોને પ્રાથમિકતા આપી છે, જ્યારે અન્ય પક્ષોના વિધાનસભ્યોના મત વિસ્તારોની ઉપેક્ષા કરવામાં આવી છે.
રાઈટ ટૂ ઇન્ફોર્મેશન(RTI) દ્વારા મળેલા જવાબોનું વિશ્લેષણ કરીને તૈયાર કરવામાં આવેલા લેખમાં જણાવવામાં આવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં BMC દ્વારા વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવેલા 99 ટકાથી વધુ ફંડ મહાયુતિના વિધાનસભ્યોના મતવિસ્તાર માટે ફાળવવામાં આવ્યું છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ફેબ્રુઆરી 2023થી ઓક્ટોબર 2025 દરમિયાન રસ્તાના સમારકામ, ડ્રેનેજ અપગ્રેડ, હેલ્થ ફેસિલિટી અને બ્યુટીફિકેશન જેવા જાહેર વિકાસના કર્યો માટે BMCએ કુલ રૂ. 1,490.66 કરોડથી વધુ રકમ ફાળવી હતી.
મહાયુતીના વિધાનસભ્યોના વિસ્તારોને પ્રાથમિકતા:
BMCએ ફાળવેલા રૂ.1,490.66 કરોડમાંથી રૂ. 1,476.92 કરોડ રૂપિયા ભાજપ, અજિત પવારની આગેવાની હેઠળની NCP અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના મહાયુતી ગઠબંધનના વિધાનસભ્યો અને સાંસદોનાં વિસ્તારોમાં વાપરવામાં આવ્યા હતાં. જેમાંથી ભાજપના જનપ્રતિનિધિના વિસ્તારોમાં 1076.7 કરોડ રૂપિયા, એકનાથ શિંદેની સેનાના જનપ્રતિનિધિના વિસ્તારોમાં 372.7 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.
વિપક્ષના વિધાનસભ્યોને મળ્યો ઠેંગો:
કોંગ્રેસના એક વિધાનસભ્ય અમીન પટેલના મુંબાદેવી મતવિસ્તારમાં 13.74 કરોડ રૂપિયા એટલે કે કુલ ફાળવણીના માત્ર ૦.9 ટકા ભંડોળ ફાળવવામાં આવ્યું, જ્યાં લઘુમતીઓની વસ્તી ખૂબ મોટી છે. બાકીના શિવસેના (UBT) ના બધા દસ વિધાનસભ્યો, કોંગ્રેસના બે અન્ય વિધાનસભ્યો અને સમાજવાદી પાર્ટીના એક વિધાનસભ્યને કોઈ ફંડ મળ્યું નહીં.
ચાલુ વર્ષે પણ ભેદભાવ:
ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 360 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, આ સંપૂર્ણ રકમ મહાયુતીના વિધાનસભ્યોના મતવિસ્તાર માટે ફાળવવામાં આવી છે. ભાજપના રામ કદમનાં ઘાટકોપર પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ 70 કરોડ રૂપિયા, ભાજપના યોગેશ સાગરના ચારકોપ વિસ્તારમાં 67.47 કરોડ રૂપિયા અને અતુલ ભટખલકરના કાંદિવલી પૂર્વ વિસ્તારમાં 66.06 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.
ફંડની ફાળવણીમાં ભેદભાવ ચિંતાજનક:
નોંધનીય છે કે BMC ભારતની સૌથી સમૃદ્ધિ નગર નિગમ છે, જેનું વાર્ષિક બજેટ 74,000 કરોડ રૂપિયા વધારે છે, ત્યારે તેના પ્રશાસનમાં નિષ્પક્ષ પર સવાલો ઉભા થઇ રહ્યા છે.
ભંડોળ ફાળવણીમાં આ ભેદભાવ ફેબ્રુઆરી 2023થી શરુ થયો હતો. નોંધનીય છે BMCના ચૂંટાયેલા કાઉન્સિલરોની સમિતિ કાર્યકાળના અંત બાદ માર્ચ 2022 માં તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ રાજ્ય દ્વારા નિયુક્ત અધિકારીઓ BMCનો વહીવટ સંભાળી રહ્યા છે.