(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યની ૨૯ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ તાત્કાલિક ધોરણે આચારસંહિતા અમલમાં આવી ગઈ હતી. એ સાથે જ શહેરને કદરૂપું કરનારા રાજકીય પક્ષો અને નેતાઓનાં પોસ્ટરો અને હૉર્ડિંગ્સ સામે કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી સાડા સાત હજારથી વધુ બેનર, પોસ્ટર, ઝંડા વગેરે સામે કાર્યવાહી કરીને તે હટાવવામાં આવ્યા છે.
મુંબઈની ખાનગી જગ્યા પર સૌથી વધુ બેનરો લગાડવામાં આવતા હોય છે. જોકે હવે ચૂંટણીને કારણે લાગુ પડેલી આચારસંહિતાને કારણે પાલિકાના અતિક્રમણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને કારણે મુંબઈ બેનરો મુક્ત જોવા મળી રહી છે.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આચારસંહિતા લાગુ પડયા બાદ મુંબઈના જુદા જુદા રાજકીય પક્ષ ને તેમના કાર્યકર્તાઓ દ્વારા લગાડવામાં આવેલાં બોર્ડ, બેનર, પોસ્ટર તથા ઝંડા હટાવવાનું કામ શરૂ થયું છે. ૧૫ ડિસેમ્બરના પહેલા દિવસની કાર્યવાહીમાં લગભગ ૧,૮૧૩ ગેરકાયદે બેનર અને બોર્ડ વગેરે સામે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ ૧૬ ડિસેમ્બરના સૌથી વધુ ૩,૭૫૦ જાહેરાતો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ૨૫ ડિસેમ્બર, ૨૦૨૫ના જાહેર રજાના દિવસે એક પણ પોસ્ટર કે બેનરો સામે કાર્યવાહી કરવામાં આવી નહોતી.
પાલિકાએ આપેલા આંકડા મુજબ ૧૫થી ૨૫ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં ૨૭ જેટલી દીવાલોને રંગવામાં આવી હતી, તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ૯૨૫ પોસ્ટર, ૬૯૮ કટઆઉટ હૉર્ડિંગ, ૪,૮૭૩ બૅનર, ૧,૧૨૮ ઝંડા એમ કુલ ૭,૬૫૧ વસ્તુઓ હટાવવામાં આવી હતી.