Mon Dec 15 2025

Logo

White Logo

છ બોલરે ભારતને : સિરીઝમાં અપાવી સરસાઈ

4 hours ago
Author: Ajay Motiwala
Video

ધરમશાલાઃ ભારતે સાઉથ આફ્રિકાને અહીં રવિવારે ત્રીજી ટી-20માં ફક્ત 117 રનમાં ઑલઆઉટ કર્યા બાદ 15.5 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 120 રન કરીને વિજય મેળવ્યો હતો અને પાંચ મૅચની સિરીઝમાં 2-1થી સરસાઈ મેળવી હતી. રવિવારે ખાસ કરીને ભારત (India)ને છ બોલરે આસાન જીત અપાવી હતી.

અભિષેક શર્મા (35 રન, 18 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) આક્રમક ફટકાબાજીથી શુભમન ગિલ (28 રન, 28 બૉલ, પાંચ ફોર) સાથે 60 રનની ભાગીદારી થયા બાદ ઉતાવળે બિગ શૉટ મારવાના પ્રયાસમાં કૅચઆઉટમાં વિકેટ ગુમાવી બેઠો હતો, પણ ગિલે પછીથી તિલક વર્મા (અણનમ 26) સાથે 32 રનની પણ પાર્ટનરશિપ કરીને ટીમને વિજયની નજીક લાવી દીધી હતી. કૅપ્ટન સૂર્યકુમાર (12 રન) ફરી ફ્લૉપ ગયો, પણ શિવમ દુબે (ચાર બૉલમાં અણનમ 10)એ છેલ્લે સિક્સર-ફોરની ફટકાબાજી સાથે છેક સુધી તિલકને સાથ આપ્યો હતો.

ભારતના તમામ છ બોલરને મળી વિકેટ

એ પહેલાં, સાઉથ આફ્રિકાની ટીમ ઇનિંગ્સના છેલ્લા બૉલ પર 117 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. ભારતના તમામ છ બોલરને વિકેટ મળી હતી. 20મી ઓવરના અંતિમ બૉલ પર કુલદીપ યાદવે બાર્ટમૅનને આઉટ કર્યો હતો. અર્શદીપ, હર્ષિત, કુલદીપ અને વરુણે બે-બે વિકેટ તથા હાર્દિક અને દુબેએ એક-એક વિકેટ મેળવી હતી. એકમાત્ર માર્કરમ (46 બૉલમાં 61 રન) ભારતીય બોલર્સ સામે લાંબો સમય લડ્યો હતો. સાઉથ આફ્રિકા (south Africa)એ પહેલી પાંચ વિકેટ 44 રનમાં ગુમાવી દીધી હતી. ઇનિંગ્સની 11મી ઓવરમાં શિવમ દુબે ત્રાટક્યો હતો. તેણે આ મૅચમાં પોતાની પ્રથમ વિકેટના રૂપમાં કૉર્બિન બૉશ્ચ (ચાર રન)ને ક્લીન બોલ્ડ કર્યો હતો. એ પહેલાં, હાર્દિક પંડ્યાએ તરખાટ મચાવ્યો હતો.

તેણે પોતાની પ્રથમ ઓવરમાં ટ્રિસ્ટેન સ્ટબ્સને વિકેટકીપર જિતેશ શર્માના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. એ અગાઉ હર્ષિત રાણાએ બે વિકેટ અને અર્શદીપે એક વિકેટ લીધી હતી. પ્રવાસી ટીમની પ્રથમ વિકેટ પહેલા રન પર પડી હતી. ઓપનર રીઝા હેન્ડ્રિક્સની એ વિકેટ બાદ બીજા રન પર બીજા ઓપનર અને પાછલા મુકાબલામાં મૅચ-વિનિંગ 90 રન કરનાર ક્વિન્ટન ડિકૉકની વિકેટ ગુમાવી હતી. રીઝાને અર્શદીપ સિંહે અને ડિકૉકને હર્ષિત રાણાએ પૅવિલિયન ભેગો કર્યો હતો. બન્ને ઓપનર એલબીડબ્લ્યૂની અપીલમાં વિકેટ ગુમાવી હતી.

બુમરાહ કદાચ ચોથી મૅચમાં નહીં રમે, અક્ષર બીમાર

બુમરાહ અંગત કારણસર રવિવારની મૅચમાં ન રમવાનો હોવાથી તેના સ્થાને હર્ષિત રાણાને ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો. બુમરાહ કદાચ બુધવારની ચોથી મૅચમાં પણ નહીં રમે. અક્ષર પટેલની તબિયત સારી ન હોવાથી તેના સ્થાને કુલદીપ યાદવને રમવા બોલાવ્યો હતો. સાઉથ આફ્રિકાએ ટ્રિસ્ટેન સ્ટબ્સ, કૉર્બિન બોશ્ચ અને ઍન્રિક નોર્કિયાને ફરી ઇલેવનમાં સામેલ કર્યા હતા.