Sat Dec 13 2025

Logo

White Logo

પાકિસ્તાનની યુનિવર્સિટીમાં હવે સંસ્કૃત : ભણાવાશે, 77 વર્ષ પછી થશે પરિવર્તન…

Lahor   1 day ago
Author: Himanshu Chawda
Video

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાનના ભાગલાના ૭૭ વર્ષ બાદ, પાકિસ્તાનમાં એક મહત્ત્વપૂર્ણ શૈક્ષણિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. આઝાદી બાદ પહેલીવાર પાકિસ્તાનની જાણીતી લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ(LUMS)ના વર્ગખંડમાં હવે સંસ્કૃત ભાષાનો અભ્યાસ શરૂ થયો છે. શરૂઆતમાં માત્ર એક વીકએન્ડ વર્કશોપ તરીકે સંસ્કૃતનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. પરંતુ હવે સંસ્કૃત ભાષા શિખવવા માટે ચાર ક્રેડિટનો ફૂલ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે.

ઉર્દૂના કેટલાય શબ્દો સંસ્કૃતમાંથી આવ્યા છે

LUMSમાં સંસ્કૃત ભાષાનો ફૂલ ટાઇમ કોર્સ શરૂ કરવા પાછળ ફોરમેન ક્રિસ્ચિયન કોલેજના સોસિયોલોજીના એસોસિયેટ પ્રોફેસર ડૉ. શાહિદ રશીદ નોંધપાત્ર યોગદાન છે. સંસ્કૃત ભાષાનો ફૂલ ટાઇમ કોર્સ અંગે ડૉ. રશીદે મીડિયાને જણાવ્યું કે, "વિદ્યાર્થીઓના ઉત્સાહપૂર્ણ પ્રતિસાદને જોઈને આ ડિગ્રી કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે.

ડૉ. શાહિદ રશીદે હાલમાં મુખ્યત્વે વ્યાકરણ શીખવી રહ્યા છે. ડૉ. શાહિદ રશીદે સંસ્કૃત પ્રત્યેનો પોતાનો રસ વ્યક્ત કરતાં જણાવ્યું કે, "શાસ્ત્રીય ભાષાઓમાં માનવતાનું મોટું જ્ઞાન છુપાયેલું છે. મેં સ્થાનિક શિક્ષકો અને પુસ્તકોના અભાવે ઓનલાઈન કોર્સ કર્યા અને વિદેશી વિદ્વાનો પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે. જ્યારે હું 'સુભાષિત' શીખવી રહ્યો હતો, ત્યારે ઘણાં વિદ્યાર્થીઓને આશ્ચર્ય થયું કે ઉર્દૂના કેટલાય શબ્દો સંસ્કૃતમાંથી આવ્યા છે… કેટલાકને તો એ ખબર નહોતી કે સંસ્કૃત હિંદીથી અલગ ભાષા છે."

મૂળ ભાષામાં ક્લાસિકલ ગ્રંથો શીખવા જરૂરી

LUMSના ડૉ. કાસમીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, "આ કોર્સ યુનિવર્સિટીના મોટા ભાષાવિદ્યા કાર્યક્રમનો હિસ્સો છે, જેમાં સિંધિ, પોટો, પંજાબી, બલોચી, અરબી અને ફારસી જેવી ભાષાઓ પહેલેથી શીખવવામાં આવે છે. આ કોર્સને 2027ની વસંત ઋતુ સુધીમાં એક વર્ષનો સંપૂર્ણ કોર્સ બનાવવાની આશા છે."

ડૉ. કાસમીએ સંસ્કૃતને 'પાકિસ્તાન-ભારતીય સંયુક્ત ધરોહર' ગણાવી છે. તેમના મતાનુસાર વેદોની રચના પાકિસ્તાનની જમીનમાં થઈ હતી. તેથી મૂળ ભાષામાં ક્લાસિકલ ગ્રંથો શીખવા વધુ જરૂરી છે. પંજાબ યુનિવર્સિટી લાઇબ્રેરીમાં પાકિસ્તાનના સૌથી સમૃદ્ધ પરંતુ ઓછા વંચાયેલા સંસ્કૃત અભિલેખો (1930ના દાયકાની 100 સંસ્કૃત પાંડુલિપિઓ) છે. ડૉ. કાસમી સ્થાનિક વિદ્વાનોને તાલીમ આપી આ સંગ્રહને પુનર્જીવિત કરવા માંગે છે.

સંસ્કૃત કોઈ એક ધર્મની ભાષા નથી

ઉલ્લેખનીય છે કે, બંને વિદ્વાનોના મતાનુસાર બૌદ્ધિક વાતાવરણ બદલાઈ રહ્યું છે. ડૉ. રશીદે આશા વ્યક્ત કરી છે કે, "જો ભારતમાં વધુ હિન્દુ-શીખ અરબી શીખવા મોખરે અને પાકિસ્તાનમાં વધુ મુસલમાનો સંસ્કૃત શીખવા મોખરે, તો દક્ષિણ એશિયા માટે એ કેટલી સુંદર અને આશાસ્પદ શરૂઆત હશે, જ્યાં ભાષાઓ એકબીજાની વચ્ચે દીવાલો નહીં પરંતુ પુલ બનશે… સંસ્કૃત એ પર્વત જેવી છે, સાંસ્કૃતિક સ્મારક છે. તેને અપનાવવી જોઈએ. એ અમારી પણ છે, કોઈ એક ધર્મની નથી." આ બધી ચર્ચા વચ્ચે LUMS ખાતે આગામી સમયમાં મહાભારત અને ભગવદ ગીતા પર પણ અલગ કોર્સ શરૂ કરવાની યોજના તૈયાર થઈ રહી છે.