નવી દિલ્હી: અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અને તેની નવી વ્યાખ્યાને લઈને દેશમાં નવો રાજકીય અને પર્યાવરણીય વિવાદ છેડાયો છે. ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યમાં આંદોલનના એંધાણ મંડાયા છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કેન્દ્રીય પર્યાવરણ પ્રધાને પત્ર લખીને અરવલ્લીની સુરક્ષા અંગે ચાર મહત્વના સવાલો પૂછવાની પરવાનગી માંગી હતી. કોંગ્રેસનો દાવો છે કે નવી વ્યાખ્યાને કારણે અરવલ્લીનો 90 ટકાથી વધુ હિસ્સો સંરક્ષિત શ્રેણીમાંથી બહાર થઈ જશે, જેનાથી ખનન માફિયાઓને મોકળું મેદાન મળી શકે છે.
અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સર્જાયેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતા જયરામ રમેશે કેન્દ્રીય પર્યાવરણ પ્રધાનને પત્ર લખીને ચાર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે ભારતીય વન સર્વેક્ષણના જૂના માપદંડોનો હવાલો આપતા પૂછ્યું છે કે, શું એ સાચું નથી કે અગાઉ ૩ ડિગ્રીથી વધુ ઢોળાવ ધરાવતા વિસ્તારોને પહાડી ગણવામાં આવતા હતા? તેમનો દાવો છે કે વન સર્વેક્ષણે સપ્ટેમ્બર 2025માં સ્વીકાર્યું હતું કે નાની પહાડીઓ પણ રણના પવનને રોકીને દિલ્હી અને આસપાસના મેદાની વિસ્તારોને રેતીના તોફાનોથી બચાવવામાં 'કુદરતી કવચ' તરીકે કામ કરે છે?
જયરામ રમેશે સુપ્રીમ કોર્ટની સમિતિના અહેવાલને ટાંકીને પ્રશ્ન કર્યો છે કે, જો અગાઉની વ્યાખ્યા મુજબ રાજસ્થાનના ૧૬૪ ખનન પટ્ટા અરવલ્લીની સીમામાં આવતા હતા, તો નવી વ્યાખ્યાથી આ વિસ્તારોની સુરક્ષા જોખમમાં મૂકાશે કે કેમ? તેમણે આશંકા વ્યક્ત કરી છે કે નવી વ્યાખ્યાના કારણે નાની પહાડીઓ અને વિશિષ્ટ ભૂ-આકૃતિઓ નાશ પામશે, જેનાથી ચાર રાજ્યોમાં ફેલાયેલી સમગ્ર અરવલ્લી પર્વતમાળાની ભૌગોલિક અને પર્યાવરણીય અખંડિતતા સંપૂર્ણપણે નષ્ટ થશે.
બીજી તરફ, સુપ્રીમ કોર્ટે આ ગંભીર મુદ્દે સ્વતઃ સંજ્ઞાન (Suo Motu) લીધું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી વેકેશન બેન્ચ સોમવારે આ મામલે સુનાવણી કરશે. અગાઉ 20 નવેમ્બરના સુપ્રીમ કોર્ટે નિષ્ણાતોના રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં અરવલ્લી વિસ્તારમાં નવા ખનન પટ્ટા આપવા પર રોક લગાવી હતી. કોર્ટના આકરા વલણ બાદ કેન્દ્ર સરકારે પણ રાજ્યોને નવા ખનન પટ્ટા ફાળવવા પર પ્રતિબંધ મૂકવા સૂચના આપી છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (CEC)એ તેના નવેમ્બર 2025ના રિપોર્ટમાં પણ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં 164 ખનન પટ્ટાઓ અરવલ્લીની સીમામાં આવેલા છે. હવે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી પર સૌની નજર છે, કારણ કે આ પર્વતમાળાના અસ્તિત્વ સાથે કરોડો લોકોનું પર્યાવરણીય હિત જોડાયેલું છે.