Mon Dec 08 2025

Logo

White Logo

હમસફર એક્સપ્રેસમાં વિચિત્ર અકસ્માત : ઓટોમેટિક દરવાજામાં પ્રવાસીનો હાથ ફસાયો, 'રેલ મદદ' એપ વ્હારે આવી

4 days ago
Author: Mumbai Samachar Team
Video

નવી દિલ્હી: ભારતીય રેલવે મુસાફરોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહે છે, તેનું ઉદાહરણ સામે આવ્યું છે. દિલ્હીથી પ્રયાગરાજ જઈ રહેલી (નંબર 12349) હમસફર એક્સપ્રેસમાં એક મુસાફર ઘાયલ થતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. 2 ડિસેમ્બર, 2025ની સવારે 4 વાગ્યે આ ઘટના બની હતી, જ્યારે મુસાફરનો હાથ AC કોચના ઓટોમેટિક દરવાજામાં ફસાઈ ગયો હતો, જેના કારણે તેને ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું હતું. રેલવેના તાત્કાલિક પ્રતિભાવને કારણે ઘાયલ મુસાફરને કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પર સમયસર તબીબી સહાય મળી હતી.

કાનપુર સેન્ટ્રલ પર હાજર થઈ તબીબી ટીમ

હમસફર એક્સપ્રેસના કોચ 3Aમાં મુસાફરી કરી રહેલા આ મુસાફરને આકસ્મિક રીતે બંધ થઈ રહેલા દરવાજામાં હાથ ફસાઈ જવાથી ઈજા થઈ હતી. સાથી મુસાફરોએ સમય બગાડ્યા વિના સવારે 04:09 વાગ્યે 'રેલ મદદ' એપ પર ઇમરજન્સીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાની સાથે કંટ્રોલ રૂમે તરત જ કાનપુર સેન્ટ્રલ સ્ટેશનને આ અંગે ચેતવણી આપી હતી. જેને લઈને હમસફર એક્સપ્રેસ પ્લેટફોર્મ પર પહોંચે એ પહેલા જ ડૉક્ટર અને તબીબી ટીમ પહેલેથી જ સ્ટેન્ડબાય પર હાજર થઈ ગઈ હતી.
જ્યારે હમસફર ટ્રેન કાનપુર સ્ટેશન પર પહોંચી ત્યારે તબીબી ટીમે ઇજાગ્રસ્ત મુસાફરના ઘાને સંપૂર્ણપણે સાફ કર્યો, એન્ટિસેપ્ટિક લગાવી, પાટો બાંધ્યો અને રક્તસ્ત્રાવ બંધ કર્યો હતો.  તાત્કાલિક સારવાર મળતા મુસાફરે રાહત અનુભવી હતી. ખાસ વાત તો એ છે કે, રેલવેની આ ઝડપી કાર્યવાહીને કારણે ટ્રેનની મુસાફરીમાં પણ કોઈ ખલેલ પહોંચી નહોતી. 

ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગ બનાવ્યું સરળ

મુસાફરોની સુરક્ષા અને સુવિધા વધારવા ઉપરાંત, રેલવેએ ટિકિટ બુકિંગને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે અનેક પગલાં લીધાં છે, જેમાં નવી OTP-આધારિત પ્રણાલીઓનો સમાવેશ થાય છે. જુલાઈ 2025 ઓનલાઈન તત્કાલ ટિકિટ માટે OTP-આધારિત સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. ઓક્ટોબર 2025થી સામાન્ય રિઝર્વેશનના પહેલા દિવસના બુકિંગ માટે OTP-આધારિત સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત 17 નવેમ્બર, 2025થી રિઝર્વેશન કાઉન્ટર પર તત્કાલ ટિકિટ માટે  OTP-આધારિત સિસ્ટમ 52 ટ્રેનો માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે. જે આગામી સમયમાં તમામ ટ્રેનો માટે શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રેલવે દ્વારા શરૂ કરાયેલી આ બંને ઓનલાઈન સુવિધાઓને મુસાફરો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. હાલમાં, રિઝર્વેશન કાઉન્ટર પર તત્કાલ ટિકિટ માટેની OTP સિસ્ટમ ૫૨ ટ્રેનોમાં ઉપલબ્ધ છે. રેલ્વે આગામી દિવસોમાં આ સિસ્ટમને અન્ય તમામ ટ્રેનોમાં પણ લાગુ કરવાની યોજના ધરાવે છે.