થાણે: એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસીઓની ટિકિટ ચેક કરનારો નકલી ટિકિટ ઈન્સ્પેક્ટર સતર્ક પ્રવાસીને કારણે ઝડપાઈ ગયો હતો. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ સુરેન્દ્ર રાજેન્દ્ર મૌર્ય (27) તરીકે થઈ હતી. ઉત્તર પ્રદેશના વતની મૌર્યને કસારા સ્ટેશન નજીક પકડી પાડવામાં આવ્યો હતો.
ગવર્નમેન્ટ રેલવે પોલીસના જણાવ્યા મુજબ ઘટના 26 ડિસેમ્બરે મનમાડથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) આવતી તપોવન એક્સપ્રેસમાં બની હતી. ટિકિટ ઈન્સ્પેક્ટરના સ્વાંગમાં મૌર્ય પ્રવાસીઓની ટિકિટ તપાસી રહ્યો હતો ત્યારે એક પ્રવાસીને શંકા ગઈ હતી.
સતર્ક પ્રવાસીએ તાત્કાલિક ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર (સીટીઆઈ)ને શંકાસ્પદ ટીસીની માહિતી આપી હતી. ટ્રેનના બીજા કોચમાં એક અધિકારી પ્રવાસીઓની ટિકિટ ચેક કરતો હોવાનું સીટીઆઈને કહેવામાં આવ્યું હતું.
ટ્રેનમાં બીજા કોઈ ઈન્સ્પેક્ટરની નિયુક્તિ કરાઈ ન હોવાનું જાણતા સીટીઆઈએ તેના સાથી સાથે મૌર્યની પૂછપરછ કરી હતી. મૌર્ય ઈન્સ્પેક્ટર ન હોવાની ખાતરી થતાં કસારા સ્ટેશન નજીક તેને તાબામાં લેવાયો હતો. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 204 અને રેલવે ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. (પીટીઆઈ)