Thu Jan 01 2026

Logo

White Logo

Why and How

ત્રણ મચ્છર એક દેશમાં મચાવી રહ્યા છે ખળભળાટ, : વૈજ્ઞાનિકો પણ ચિંતામાં...

Iceland   2 months ago
Author: Darshna Visaria
Video

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા ને? કે ત્રણ મચ્છર કઈ રીતે એક દેશમાં ઉત્પાત મચાવી શકે છે, આખો મામલો શું છે વગેરે વગેરે સવાલો થઈ રહ્યા છે ને? આ તમામ સવાલોના જવાબ તમને આ સ્ટોરી પૂરી થતાં સુધીમાં મળી જશે. શું તમે ક્યારેય કોઈ એવી જગ્યા વિશે સાંભળ્યું છે કે જ્યાં એક પણ મચ્છર ના હોય? જી હા, આવી જગ્યા છે આઈસલેન્ડ. આઈસલેન્ડ એટલો ઠંડો પ્રદેશ છે કે ત્યાં મચ્છર અને અન્ય જંતુઓ જીવંત નથી રહી શકતા. પરંતુ આવા આ પ્રદેશમાં હવે ત્રણ મચ્છર જોવા મળ્યા છે. ત્રણમાંથી બે માદા અને એક નર છે. આઈસલેન્ડમાં મચ્છર મળતાં વૈજ્ઞાનિકો પણ ચિંતામાં પડી ગયા છે. ચાલો, જાણીએ આખરે શું છે સ્ટોરી...

મળતી માહિતી અનુસાર આઈસલેન્ડ અત્યાર સુધીમાં એ દુર્લભ દેશોમાં હતો કે જ્યાં એક પણ મચ્છર નહોતા જોવા મળતા. પરંતુ હાલમાં જ ક્ઝોસ નામના કસ્બામાં ત્રણ મચ્છર જોવા મળ્યા હતા, જેમાંથી બે માદા અને એક નરનો સમાવેશ થાય છે. 

સ્થાનિક નિવાસી બ્યોર્ન હ્ઝાલ્ટાસને પોતાના બગીચામાં અજીબ દેખાતા કીડા જોયા અને તરત જ તેમને ખ્યાલ આવ્યો કે આ સામાન્ય નથી. બાદમાં આઈસલેન્ડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ નેચરલ હિસ્ટ્રીએ એ વાતની પુષ્ટિ કરી કે આ Culiseta annulata પ્રજાતિના મચ્છર છે, જે ઠંડા પ્રદેશમાં પણ જીવંત રહી શકે છે. 

આઈસલેન્ડનું ઠંડુ વાતાવરણ અને બર્ફથી જામેલા પાણીના સ્રોત મચ્છરોની ઉત્પતિ માટે એકદમ અનુકૂળ નહોતા. મચ્છર ઠંડા લોહીવાળા જીવ હોય છે જે પોતાના શરીરનું તાપમાન નિયંત્રિત નથી કરી શકતા. એટલે તેમને ગરમ, ભેજવાળા અને સ્થિર પાણીની જરૂર હોય છે, જેથી તે ઈંડા મૂકી શકે અને પ્રજનન કરી શકે. આ જ કારણસર અત્યાર સુધીમાં આઈસલેન્ડમાં મચ્છરોનું નામોનિશાન નહોતું. 

હવે આઈસલેન્ડ ખાતે મળેલા ત્રણ મચ્છરોને કારણે વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આઈસલેન્ડમાં મચ્છરોનું દેખાવું ગ્લોબલ વોર્મિંગની અસર છે. છેલ્લાં કેટલાક વર્ષમાં અહીંના તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. રિપોર્ટની વાત પર વિશ્વાસ કરીએ તો ઉત્તરી ગોળાર્ધના બાકીના ભાગની સરખામણીએ આઈસલેન્ડના તાપમાનમાં ચાર ગણો વધારો જોવા મળ્યો હતો. વર્ષ 2025માં મે મહિનામાં કેટલાક વિસ્તારમાં સતત 10 દિવસ સુધી તાપમાપ 20 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યું હતું. 

એગ્લિસ્સ્તાદિર એરપોર્ટ પર તો તાપમાન 26.6. ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જે મે મહિનાનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ હતો. આ વધતા તાપમાન અને ભેજને કારણે અહીં મચ્છરો માટે અનુકૂળ વાતાવરણ બની ગયું છે. 

એન્ટાર્કટિકા હજી મચ્છરમુક્ત પ્રદેશ

એક તરફ જ્યાં આઈસલેન્ડમાં મચ્છરોની હાજરીએ વૈજ્ઞાનિકોને ચિંતામાં મૂકી દીધા છે ત્યાં એન્ટાર્કટિકા હવે દુનિયાનો એક માત્ર એવો દેશ રહ્યો છે કે જ્યાં મચ્છરોનું અસ્તિત્વ નથી. આનું કારણ છે કડકડતી ઠંડી કે જે પાણીને હંમેશા બરફ બનાવીને રાખે છે. આવા વાતાવરણમાં ના ઈંડા ફૂટે છે કે લાર્વા જીવંત રહી શકે છે.