Sun Dec 14 2025

Logo

White Logo

ટીવીનું USB પોર્ટ માત્ર પેન ડ્રાઇવ માટે : નહીં પણ આટલા કામ માટે પણ છે ઉપયોગી...

17 hours ago
Author: Darshana Visaria
Video

આજકાલ જમાનો સ્માર્ટ ટીવીનો છે અને આ ટીવીમાં એવા એવા ફિચર્સ હોય છે કે જે જોઈને તમારું ભેજું કામ ના કરે. એટલું જ નહીં એમાંથી અનેક ફિચર્સ વિશે તો આપણને જાણ પણ નથી હોતી કે ન તો તેની તરફ આપણું ધ્યાન જાય છે. આજે અમે તમને ટીવીમાં જોવા મળતાં આવા જ એક ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે મોટાભાગના ફોનમાં જોવા મળે છે, પણ આપણને એના વિશે જાણકારી નથી હોતી. ચાલો જોઈએ કયું છે આ ફીચર... 

આપણને બધાને જ ટીવીની પાછળ એક યુએસબી પોર્ટ આપવામાં આવ્યું છે એ તો ખબર જ છે અને આપણે આ યુએસબી પોર્ટનો ઉપયોગ પેન ડ્રાઈવ લગાવીને કોઈ વીડિયો કે ફોટો જોવા માટે કરતાં હોઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે આ યુએસબી પોર્ટમાં તમે પેન ડ્રાઈવ કનેક્ટ કરવા સિવાયના પણ અનેક મહત્ત્વના કામ કરી શકો છો? જો આ સવાલનો જવાબ નામાં હોય તો ચિંતા ના કરશો અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છે. 

એક્સ્ટ્રા એચડીએમઆઈ પોર્ટ તરીકે કામ કરશે...
અનેક સસ્તા સ્માર્ટ ટીવીમાં ખૂબ જ ઓછા HDMI પોર્ટ આપવામાં આવે છે, આવી સ્થિતિમાં જો તમારે ટીવી સાથે કોઈ ડિવાઈસ કનેક્ટ કરું હોય તો વધારાના HDMI પોર્ટની જરૂર પડશે. તમારી આ સમસ્યા તમારું યુએસબી પોર્ટ ઉકેલી શકશે. માર્કેટમાં અનેક યુએસબી ટુ HDMI (ફીમેલ) ડોંગલ મળે છે. તમે તેનો ઉપયોગ સ્માર્ટ ટીવી યુએસબી પોર્ટને જ એક્સ્ટ્રા HDMI પોર્ટમાં કન્વર્ટ કરી શકો છો. 

ટીવીને બનાવી લો ચાર્જર
જી હા, જો તમે એવું વિચારો છો કે ટીવીમાં રહેલું યુએસબી પોર્ટ માત્ર પેન ડ્રાઈવ કનેક્ટ કરવા માટે જ છે તો એવું નથી. તમે આ પોર્ટની મદદથી તમારો ફોન પણ ચાર્જ કરી શકો છો. અનેક વખત એવું થાય છે કે આપણને ફોન ચાર્જ કરવા માટે ખાલી સોકેટ નથી મળતું તો આવી સ્થિતિમાં ટીવીમાં રહેલું યુએસબી પોર્ટ તમારી મદદ કરશે. જોકે, એ વાત અલગ છે કે આ રીતે તમારો ફોન ઝડપથી ચાર્જ નહીં પણ થાય, પણ ઈમર્જન્સીમાં આ ટ્રીક તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. 

સિક્યોરિટી કેમેરા ચલાવી શકો
આપણામાંથી અનેક લોકો સિક્યોરિટી રિઝન્સને કારણે ઘરમાં નાના મોટા સીસીટીવી કેમેરા સેટ કરે છે. આને કારણે ઘરની બહાર રહી ને પણ ઘરમાં શું ચાલી રહ્યું છે એ જાણી શકાય છે. જો તમે ઈચ્છો તો તમે તમારા ટીવીની યુએસબી પોર્ટની મદદથી સીસીટીવી કેમેરાને પાવર આવી શકો છો. આનો સૌથી ફાયદો એ થશે કે ટીવીનું લોકેશન એવું હોય છે કે જેનાથી આખું ઘર કવર થઈ જશે અને આવી સ્થિતિમાં તમે ટીવી સાથે કેમેરા એટેચ કરીને સિક્યોરિટી કેમેરાના કવરેજને સારો એરિયા અને પાવર બંને આપી શકો છો. 

એલઈડી લાઈટ સ્ટ્રીપ કે સ્માર્ટ એક્સેસરીઝ ચલાવો
આજકાલ ટીવીની પાછળ લાઈટ સ્ટ્રીપ લગાવવાનો ટ્રેન્ડ છે અને એને કારણે ટીવી પર કોઈ મજેદાર શો કે ફિલ્મ જોતી વખતે પાછળ એવી જ લાઈટિંગ પણ આવે છે, જેવી કે ટીવીમાં ફિલ્મ કે શોના સીનમાં જોવા મળી રહી છે. આ એલઈડી લાઈટ સ્ટ્રીપ આરજીબી લાઈટિંગને સપોર્ટ કરે છે અને એને તમે તમારા ટીવીના યુએસબી પોર્ટથી પાવર આપી શકો છો. 

માઉસ અને કી-બોર્ડ કનેક્ટ કરીને કોમ્પ્યુટર બનાવી લો
જી હા, તમે તમારા ટીવીના યુએસબી પોર્ટમાં વાયરલેસ માઉસ કે કીબોર્ડ પણ કનેક્ટ કરી શકો છો અને આવું કરીને તમે તમારા ટીવીને કોમ્પ્યુટરની જેમ ઓપરેટ કરી શકશો. આવું કરીને તમે તમારા સ્માર્ટ ટીવીના એપ સ્ટોરથી બ્રાઉઝર ડાઉનલોડ કરીને તેના પર ઈન્ટરનેટ સર્ફિંગ કરી શકો છો. 

છે ને એકદમ કામની માહિતી? આ મહત્ત્વની માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ અવશ્ય વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો...