નીલા સંઘવી
સમય બદલાયો છે. સંયુક્ત કુટુંબ તૂટી રહ્યા છે. સંતાનો કામ-ધંધાએ પરદેશ કે બીજાં શહેરોમાં સ્થાયી થઈ રહ્યાં છે. આવા સમયે પોતીકા ઘરમાં વૃદ્ધ પતિ-પત્ની બે જ રહી જાય છે. સંતાનોના પરિવાર દૂર છે. ઘણીવાર કજિયા-કંકાસને કારણે પણ માતા-પિતા એકલા રહી જાય છે અને પરિવારજનો દૂર જતા રહે છે. સંયુક્ત કુટુંબ તૂટવાના કારણ અનેક છે, પણ આપણે અહીં એની ચર્ચા નથી કરવાના.
હકીકત એ છે કે સંયુક્ત કુટુંબ તૂટવાના કારણે વૃદ્ધો એકલા પડી જાય છે. વળી, મેડિકલ ફેસિલીટીઝ વધવાને કારણે વૃદ્ધોની ઉંમર પણ વધતી જાય છે. દવાને સહારે એ ઘણાં વર્ષો સુધી ટકી રહે છે. પતિ-પત્ની બંને હોય ત્યાં સુધી તો વાંધો આવતો નથી, તકલીફ ત્યારે ઊભી થાય છે જ્યારે બેમાંથી એક હંમેશાં માટે અલવિદા કરી દે છે. પતિ-પત્ની બેઉ હોય ત્યારે તો એ એકમેકને સંભાળી લે છે.
ડોક્ટર પાસે જવાનું હોય કે રિપોર્ટસ કઢાવવા જવાનું હોય બંને એકબીજાનો હાથ પકડીને ડોક્ટર પાસે જઈ આવે છે. પણ બેમાંથી એકની વિદાય બીજા માટે વસમી પુરવાર સાબિત થાય છે. રહી ગયેલાં એકલા પાત્રની મુશ્કેલી નડે છે. એમાંયે જો સ્ત્રી એકલી પડી જાય તો બહારનાં કામ માટે તેમજ મેડિકલ માટે તે મુશ્કેલીમાં મુકાઈ જાય છે.
આ ઉમાબહેનની જ વાત કરું. પતિ તો વર્ષો પહેલાં ગુજરી ગયા હતા, પરંતુ પુત્ર હતો. પુત્રના સહારે તેમનું જીવન વ્યતીત થતું હતું. ઉમાબહેન ક્યારેય ઘરની બહાર એકલાં જતાં ન હતાં. બેન્કનું કામ હોય કે ડોક્ટર પાસે જવાનું હોય તો કિશોર વયના પુત્ર સાથે બધે જ જતા. પુત્ર મોટો થતો સારી કંપનીમાં નોકરીએ લાગી ગયો હતો. તેણે જ પસંદ કરેલી ક્ધયા સાથે વિવાહ-બંધનમાં બંધાયો. બધું સરસ ચાલતું હતું. ત્યાં પુત્રની ટ્રાન્સફર કેનેડા થઈ.
પુત્ર અને પુત્રવધૂ તો રાજીરાજી થઈ ગયા આવી તક મળી તે કોઈ છોડાય? પણ ઉમાબહેન ડરી ગયાં. આ લોકો જશે તો હું કઈ રીતે રહીશ? ઉમાબહેને દીકરાને કહ્યું, ‘બેટા, શું જરૂર છે ત્યાં જવાની? અહીં તારે ક્યાં કંઈ ખોટ છે? સારો પગાર પણ મળે છે. બીજું કેટલું જોઈએ?’
‘મમ્મી, કેવી વાત કરે છે? લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જવાનું હશે? લોકો આવી તક માટે તરસતા હોય છે, પગાર પણ કેટલો બધો વધારે ઓફર કર્યો છે. મમ્મી, આ જ તો ઉંમર છે કમાવવાની એક વાર મોટી બચત થઈ જાય તો પછી જિંદગીની નિરાંત થઈ જાય. એટલે જવાનું તો નક્કી છે. હા, તું અહીં એકલી પડી જશે, પણ શું થઈ શકે? અમે ત્યાં સારી રીતે સેટલ થઈ જઈશું એટલે તને પણ ત્યાં જ લઈ જઈશું.’
ઉમાબહેનની નામરજી છતાં પણ દીકરો-વહુ ગયાં. ઉમાબહેન અહીં એકલાં પડ્યાં. તેમને જરાય ગમતું નથી. બહારથી કંઈ લાવવા-મૂકવાની મુશ્કેલી પડે છે. દીકરાએ દૂધવાળા, શાકવાળા, ફ્રૂટવાળા, કરિયાણાવાળા, મેડિકલની દુકાન બધાંના નંબર સેવ કરી દીધાં છે અને સમજાવ્યું છે કે તારે બધી ચીજ વસ્તુ ફોન કરીને મંગાવી લેવાની જેથી તારે જવાની જરૂર ન પડે.
ઉમાબહેન ચીજ-વસ્તુ મંગાવે તો ખરા પણ જે વસ્તુ આવે તે તેમને પસંદ જ ન પડે. આની ફરિયાદ પુત્રને ફોન કરી કરીને કર્યા કરે. પુત્ર ઑફિસમાં વ્યસ્ત હોય ઈરિટેટ થઈને પુત્ર જરાક ખિજાઈ જાય તો ઉમાબહેન રડવા બેસે, ‘મારો દીકરો તો કેનેડા જઈને સાવ બદલાઈ ગયો છે, મારી એકેય વાત સાંભળતો નથી.’
આટલી નાની વાત તો 65 વર્ષના ઉમાબહેને ટેકલ કરી જ લેવી જોઈએ ને? પણ ઉમાબહેન વારંવાર માંદાં પડે. જરાક થાય એટલે પુત્રને ફોન કરે, દીકરો કહે, ‘ડોક્ટર પાસે જઈ આવ.’
‘એકલી કેવી રીતે જાઉં?’
બે-ચાર વાર તો પાડોશી ઉમાબહેનને ડોક્ટર પાસે લઈ ગયા. પણ પછી તો રોજનું થયું. વળી, નાની નાની વાત ઉમાબહેન ધમાલ મચાવી દે. રજનું ગજ કરી નાખે. નાનકડી બીમારીમાં પણ રાડારાડ કરીને ગામ ભેગું કરે. દર વખતે તેમની સાથે ડોક્ટરને ત્યાં જવા કોણ નવરું હોય?
65 વર્ષની ઉંમર કાંઈ એવી ઉંમર નથી કે પોતાનું કામ પોતે ન કરી શકે. હમણાં ઉમાબહેન થોડા બીમાર છે, કકળાટ કરીને દીકરાને કેનેડાથી બોલાવ્યો છે. દીકરો પરેશાન છે. ઉમાબહેનની શું વ્યવસ્થા કરવી? આમ કંઈ ઘડી ઘડી તો કેનેડાથી આવી ન શકાય અને પાડોશી કે સંબંધીઓને પણ ઘડી ઘડી તો પરેશાન ન જ કરી શકાયને? ઉમાબહેનને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો વિચાર તેમનો પુત્ર કરી રહ્યો છે.
આ ઉદાહરણ એટલાં માટે આપ્યું કે વૃદ્ધોએ પોતાના કામ પોતે જાતે કરતા શીખવું જ પડશે. જો વૃદ્ધો આત્મનિર્ભર રહે તો સંતાન પર કે બીજા કોઈ પર આધાર રાખવો નહીં પડે અને પોતાની જિંદગી આનંદથી જીવી શકશે.