અનવર વલિયાણી
હઝરત (માનવંત) અલી સાહેબ કહે છે કે, જે પણ વ્યક્તિને ગુસ્સો આવે કે તરત જ એ ન્હાવા, સ્નાન કરવા જતો રહે અથવા તે શક્ય ન હોય તો તે એ સ્થળ, જગ્યાથી જતો રહે. આવું કરવાથી અનુભવી શકાશે કે ક્રોધ કેવો શાંત પડી જાય છે...!
- ઈસ્લામ લોકોને ક્રોધથી દૂર રહેવા ભારપૂર્વક કહે છે અને સાથે તેનો દુન્યવી અને આધ્યાત્મિક માર્ગ પણ સૂચવે છે.
* ગુસ્સો પણ એક બીમારી છે અને તેના ઈલાજનો એક સરળ માર્ગ એ છે કે તેનાં કારણોની શોધ કરે.
* શારીરિક, માનસિક, રૂહાનીની રૂએ પણ તેના ઉત્પન્ન થવા પાછળનું કારણ બનતું હોય છે.
* કેટલાક લોકોમાં ગુસ્સાનું મૂળ કારણ જિસ્માની, શારીરિક કમજોરી પણ છે. આવા પ્રકારના લોકો કામકાજમાં વધારો, કંટાળો કે જાતિય, જિન્સી બાબતોમાં અતિશયોક્તિ કરવાને કારણે પોતાની જિસ્માની, શારીરિક સલામતી ખોઈ બેસે છે, જેને કારણે તે પોતાની મામૂલી, નજીવી વાતોમાં ક્રોધની આગમાં કૂદી પડે છે અને તેના પરિણામ સ્વરૂપ તે આગ તેને ભસ્મ કરી દે છે.
એવી જ રીતે અમુક લોકો અમુક વલણોમાં અતિશયોક્તિને લીધે સમતોલપણું વટાવીને હંમેશાં નાકનું ટીચકું ચઢાવેલું રાખે છે. આ વલણોમાં,
* દોસ્તી, * શેહવત (વાસના),
* અતિ સ્વાર્થીપણા કે હદથી વધારે કોઈ વાતને મન પર લઈ, દુ:ખી થઈ જવું વગેરે, વગેરે હોય છે.
માનવંત વાચક મિત્રો! આ બંને પ્રકારના લોકોના અયોગ્ય અને નિરર્થક ગુસ્સાના ઈલાજની પદ્ધતિ, એ બીમારીના જિસ્માની નફસિયાત (સ્વાર્થીપણું, કામુકતા) કારણોનો ખાતમો છે.
અગાઉના સમયમાં અમુક દેશમાં એવો રિવાજ હતો કે, જ્યારે કોઈ શખસને ગુસ્સો આવી જતો ત્યારે લોકો તરત જ તેના હાથમાં પાણીનું વાસણ પકડાવી દેતા અને તેને મજબૂર કરતાં કે તે પાણીને ટીપું ટીપું કરીને પી જાય. આ રીતે તેની માનસિક ઉગ્રતા રોષની લાગણી ખતમ થઈ જતી અને છેલ્લો ઘૂંટ પીવા સુધીમાં પોતાનાં અવયવો પર નિયંત્રણ પ્રાપ્ત કરી લેતો.
આધુનિક યુગમાં માનસશાસ્ત્ર નિષ્ણાતો ગુસ્સાની બીમારીના ઈલાજ માટે જે પદ્ધતિ યોગ્ય સમજે છે તે એવી છે કે ક્રોધથી વિફરેલો શખસ પોતાને કોઈ અન્ય કામમાં તરત જ પ્રવૃત્ત કરી દે. જેથી તેનું દિમાગ, તેના વિચારો મૂળ ગુસ્સાના વિષયથી ખસી જાય અને માનસિક રીતે સ્વસ્થ થવા માટે તેણે ઊંડા ઊંડા સ્વાસો લેવા જોઈએ.
બીજી એક પદ્ધતિ એ છે કે જે આ કરતાં પણ વધુ ઉપયોગી છે, જેનાથી ઘણાં સારાં પરિણામો આવે છે જેમ કે
* જે શખ્સને ગુસ્સો આવ્યો હોય તે જ્યાં તેને ગુસ્સો આવ્યો તે વાતાવરણમાંથી નીકળી જાય અને થોડેક દૂર સુધી પગે ચાલીને જાય,
* દીને ઈસ્લામે અયોગ્ય ગુસ્સાની બુરાઈ અંગે જે તાકીદ કરી છે, તેની સાથો સાથ તેના ઈલાજ માટે અમુક મુદ્દાઓ વર્ણવ્યા છે. જેમ કે -
* હઝરત મોહમ્મદ બાકિર (રદી્. અન્હો)-એ ફરમાવ્યું છે કે જ્યારે ઈન્સાનને ગુસ્સો આવે છે, તો તે ગુસ્સો એનો એવી રીતે પીછો કરે છે કે જ્યાં સુધી તે ગુસ્સાને આગમાં ભસ્મ કરી દે નહીં, તેને ચેન પડતું નથી. તેથી જ્યારે પણ કોઈ શખ્સને ગુસ્સો આવે, તો જો તે ઊભેલો હોય તો બેસી જાય. દૂર થઈ જાય છે અને જો કોઈ શખ્સ પોતાના સગાવહાલાઓ પર ક્રોધ કરી બેસે તો તેને જોઈએ કે તેમના બદનનો સ્પર્શ કરે, કારણ કે એ રીતે ગુસ્સાની આગ ઠંડી પડી જાય છે.
* * *
સનાતન સત્ય:
* દિલ જ્યારે રડે છે ત્યારે આંખોમાંથી અશ્રુની ધારા વહે છે અને દિલ ત્યારે રડે છે જ્યારે તેને ગહેરી ચોટ, ઊંડા ઘા લાગ્યા હોય છે.
* ‘અલ્લાહ તરફથી આવ્યા છીએ અને પરત અલ્લા તરફ જ પાછા વળવાનું છે...!’
- વ્હાલા વાચક બિરાદરો! દુનિયાને જ્યારે પણ તમારી તરફ આવતી જુઓ ત્યારે ઉપરોક્ત પંક્તિનો ગુજરાતીમાં કરેલો ભાવાનુંવાદનું રટણ કરજો.
- સૃષ્ટિના સર્જનહારે પયગંબર હઝરત મુસા અલૈહિસલ્લામને કહ્યું હતું કે, ‘...દુનિયા એક અઝાબ, દુ:ખ-કષ્ટ-યાતના-સજા છે, જે તમારી તરફ આવી રહ્યો છે.
* ‘દુનિયાને જ્યારે પણ મોં ફેરવી જુઓ તો ફકીરનું સ્વાગત કરો.
* ‘આ નેક, સજ્જન, પ્રમાણિક બંદાઓની સૂટેવ, આદત છે...!’
- પયગંબરે ઈસ્લામ હઝરત મોહમ્મદ સલ.નું કથન છે કે,
* ‘ફકીરી કુદરતના ખજાનાઓમાંનો એક ખજાનો છે.
* ‘ફકીરી એવી ને’મત, ઈશ્વરીય દેણગી છે કે જે મુરસલ, નબી અને મોમીન, અલ્લાહ પર આસ્થા રાખનાર ચુસ્ત-પાકા મુસલમાન બંદાને ખુદાતઆલા આપે છે.
* ‘ફકીરી કુદરત તરફથી એક ઈજ્જત અને માન-સન્માન છે.
* ‘ફકીરી મોમીન, આસ્થાળુની શોભા છે.
* ‘જન્નતવાસીઓમાં ફકીરોની સંખ્યા બહુમતીમાં હશે અને સૌથી ઓછી સંખ્યામાં માલદારો હશે.
* ઈન્સાન જેટલો ઈમાનમાં આગળ વધતો જાય છે તેટલી તેની આજીવિકા-રોઝીમાં તંગી અનુભવતો જાય છે.
* ફકીરો જન્નતમાં બાદશાહ છે.
* બધાય ઈન્સાનો જન્નતમાં જવા માટે ઉત્સુક છે અને
* જન્નત ફકીરો માટે બાદશાહ છે.
* ફકીરો જન્નતમાં હિસાબ વગર દાખલ થશે. તેઓની શફાઅત (શુદ્ધ, પવિત્રતા) એ લોકોને પણ કામ આવશે કે જેમણે એક ઘૂંટડો પાણીનો પાઈને ઉપકાર કર્યો હશે.
* ફકીર ઉપર સદકો (દાન, ત્યાગ) થનાર એક દિરહમ (તે સમયનો એક પૈસો) અમીરને અપાનાર હજાર દિરહમથી બહેતર-શ્રેષ્ઠ છે.
* અલ્લાહ મોમિન (સચ્ચાઈ પર ચાલનારો-શ્રદ્ધાળુ) ફકીર સાથે એવી રીતે વર્તશે કે જેવી રીતે એક બિરાદરે મોમિન (મિત્ર) બીજા બિરાદરે મોમિન સાથે વર્તે છે.
* એક મુનાદી (આલિમ-જ્ઞાની) અવાજ દેશે: મોમિન ફકીરો ક્યાં છે? ત્યારે કેટલાક આગળ આવશે. અલ્લાહનો ઇર્શાદ (હુકમ, આદેશ આપવો) થશે:
* ‘મારી ઈજ્જત, જલાલ (શાન, ભવ્યતા) અને બુલંદી-શ્રેષ્ઠતાના કસમ-સોગંધ! મેં તમને દુન્યવી ને’મતો (કૃપાઓ)થી એટલા માટે વંચિત નહોતા રાખ્યા કે તમે મારી નજરમાં ઝલીલ (અપમાનિત) હતા. મેં તમારી ને’મતોનો અહીં માટે સંગ્રહ કરી રાખ્યો છે, જુઓ જેણે પણ તમારી સાથે પાણીના એક ઘૂંટડા જેટલો પણ એહસાન-ઉપકાર કર્યો હોય, એને તમારી સાથે જન્નતમાં લઈ જઈ શકો છો...!’
બોધ:
- વ્હાલા વાચક બિરાદરો! યાદ રાખવું ઘટે કે,
* વખાણવા લાયક ફક્ર-ફકીરી માટે પણ કેટલીક શરતો છે:
- સૌ પ્રથમ શરત તો એ છે કે,
* એવી રીતે સંયમપૂર્વક જીવે કે લોકો તેને લાચાર-બેબસ જરૂરતમંદ ન સમજે અર્થાત્ લોકો પાસે પોતાની ગરીબી ગાય નહીં, પોતાની જરૂરિયાત શિકાયત ન કરે.
* જ્યારે દિલ તંગ થઈ જાય-મુંઝવણ અનુભવે, ત્યારે કોઈ ભરોસાપાત્ર દોસ્ત અથવા બિરાદરે મોમિનને કહે. એ પણ એવી આશા હોય કે તે પોતાની જરૂરિયાત પૂરી કરી દેશે. નહીં તો પોતાની સ્થિતિ છુપાવી રાખવી જ બહેતર-સારી છે.
* કેમ કે તેનાથી અલ્લાહ પર તેની રોઝીની જવાબદારી વધી જાય છે!
* નહીં તો પછી અલ્લાહ એવાઓને સોંપી દે છે કે જેની પાસે તેણે શિકાયત કરી છે, લોકો તેને ઝલીલ, અપમાનિત કરી કાઢી મૂકે છે.
* * *
સાપ્તાહિક સંદેશ:
- ઉપકાર કરનારાનો આભાર માનો અને
- ઉપકારનો બદલો અપકારથી નહીં બલ્કે
- ઉપકારથી જ વાળો.