Thu Jan 01 2026

Logo

White Logo

ગુજરાતમાં કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને : મની લોન્ડરીંગ કેસમાં પાંચ વર્ષની જેલ

3 weeks ago
Author: Chandrakant kanoja
Video

અમદાવાદઃ  ગુજરાતના પૂર્વ આઈએએસ પ્રદીપ શર્મા સામે મની લોન્ડરીંગ એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં પીએમએલએ કોર્ટ દ્વારા 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. પ્રદીપ શર્મા સામે પીએમએલએ હેઠળ નોંધાયેલા કેસમાં સજા ફટકારતા કોર્ટે કહ્યું હતું કે, પ્રદીપ શર્મા હાલ જે કેસમાં સજા કાપી રહ્યા છે તેનાથી અલગ આ સજા ભોગવવાની રહેશે. આ ઉપરાંત ઈડીએ અધિકારીની જે પ્રોપર્ટી ટાંચમાં લીધી છે તે સરકાર હસ્તક જ રહેશે.

વેલસ્પન ગ્રુપની કંપની ફાયદો કરાવવાનો આરોપ 

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રદીપ શર્મા જ્યારે કચ્છ કલેકટર હતા ત્યારે વેલસ્પન ગ્રુપની કંપનીને સસ્તામાં જમીન આપી સરકારને નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. જેની સામે રાજકોટ સીઆઈડી ક્રાઈમ પોલીસ મથકમાં 2010માં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે આવેલી વિશેષ પીએમએલએ કોર્ટમાં વર્ષ 2016માં ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. 

30 ટકાના ભાગીદાર બનાવ્યા હતા

મળતી વિગત મુજબ, વેલસ્પન ગ્રુપ ઓફ કંપનીઝના માલિકો સાથે મળીને અમેરિકામાં રહેતી તેમની પત્ની શ્યામલ શર્માને સહયોગી પેઢી વેલ્યુ પેકેજીંગ પ્રાઇવેટ લિમીટેટમાં 30 ટકાના ભાગીદાર બનાવ્યા હતા. 2007 સુધી શ્યામલ શર્માએ કોઈ મૂડી રોકાણ નહોતું કર્યું, જ્યારે 2008માં 1 લાખનું રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. એપ્રિલ 2008 થી જૂન 2009 દરમિયાન શ્યામલ શર્માને નફાના હિસ્સા મુજબ અંદાજિત 28 લાખ રૂપિયા મળ્યા હતા. આ રકમ માંથી 22 લાખ રૂપિયા તેમના એનઆરઓ એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.

ભારતથી અમેરિકામાં મોટી રકમ ટ્રાન્સફર કરી હોવાનો પણ આરોપ 

પ્રદીપ શર્માએ આ નાણાંનો ઉપયોગ ગાંધીનગરમાં તેમના ઘરમાં બાંધકામ માટે લીધેલી લોન ચૂકવવા અને ગાંધીનગર દહેગામ ખાતેની જમીન ખરીદવા માટે કરી હોવાનો આરોપ હતો. આ ઉપરાંત તેમણે હવાલા મારફતે ભારતથી અમેરિકા માં મોટી રકમ ટ્રાન્સફર કરી હોવાનો પણ આરોપ હતો.

પ્રદીપ શર્મા સહિત ચાર અધિકારી સામે ગંભીર આરોપો સાબિત થયા

કચ્છના તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્મા સહિત ચાર અધિકારી સામે ગંભીર આરોપો સાબિત થયા હતા. આ કેસમાં તેમને પાંચ વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સો પાઇપ્સ લિમિટેડને સમાઘોઘા, મુંદ્રામાં સરકારી જમીનની ફાળવણીમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. સરકારના પરિપત્ર મુજબ કલેકટરને માત્ર 2 હેક્ટર સુધીની જમીન ફાળવવાની સત્તા હતી. આ મર્યાદા હોવા છતાં પ્રદીપ શર્માએ 47,173 ચોરસ મીટર જમીન મંજૂર કરી હતી. એને લઇને પ્રદીપ શર્માને કોર્ટ દ્વારા 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.