Thu Jan 01 2026

Logo

White Logo

પાકિસ્તાન રાગ આલાપતું રહ્યું અને ભારતે કરી બતાવ્યું! : ચિનાબ પર 3,200 કરોડના નવા પ્રોજેક્ટને મંજૂરી

4 days ago
Author: Devayat Khatana
Video

નવી દિલ્હી: ભારતે જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ચિનાબ નદીમાં ૨૬૦ મેગાવોટની દુલહસ્તી સ્ટેજ 2 જળવિદ્યુત પરિયોજનાને પર્યાવરણીય મંજુરી આપી દીધી છે. પર્યાવરણ મંત્રાલય હેઠળની નિષ્ણાત મૂલ્યાંકન સમિતિ (EAC) એ આ મહિનાની શરૂઆતમાં તેની 45મી બેઠકમાં ₹3,200 કરોડથી વધુના અંદાજિત ખર્ચના રન-ઓફ-ધ-રિવર પ્રોજેક્ટને મંજૂરી આપતા બાંધકામ ટેન્ડર જારી કરવાનો માર્ગ મોકળો થઇ ગયો છે.

ઓપરેશન સિંદૂર બાદ ભારતે વર્ષો પહેલા થયેલી સિંધુ જળ સમજુતીને મોકૂફ કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારથી લઈને આજદિન સુધી પાકિસ્તાન સિંધુ જળ સમજુતીનો રાગ આલાપી રહ્યો છે. જયારે ભારતે પાકિસ્તાનને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે લોહી અને પાણી બન્ને એક સાથે વહી શકે નહી. ત્યારે હવે ભારતના આ નવા પ્રોજેક્ટથી પાકિસ્તાનની  ચિંતા વધી છે. નિષ્ણાતોનું માનવું છે કે સિંધી જળ સમજુતી સ્થગિત થવાથી ભારતને પશ્ચિમી નદીઓ પર વધુ સ્વતંત્રતા મળી છે, જેનાથી પાણીની સુરક્ષા અને ઉર્જા ઉત્પાદન મજબૂત બનશે.

મળતી વિગતો અનુસાર, કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં જળવિદ્યુત ક્ષમતાના મહત્તમ ઉપયોગ માટેની વ્યાપક વ્યૂહરચના હેઠળ ચિનાબ બેસિનમાં અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સને વેગ આપી રહી છે. ખાસ કરીને 23 એપ્રિલ 2025 થી સિંધુ જળ સમજુતી સ્થગિત થયા બાદ, ભારત હવે સાવલકોટ, રતલે અને પાકલ દુલ જેવા અનેક હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ પર ઝડપથી કામ કરી રહ્યું છે. આ કવાયતના ભાગરૂપે, કિશ્તવાડ જિલ્લામાં હાલના 390 મેગાવોટના દુલહસ્તી સ્ટેજ-I પ્રોજેક્ટના વિસ્તરણ તરીકે દુલહસ્તી સ્ટેજ-II ને મંજૂરી અપાઈ છે. આ નવા પ્રોજેક્ટ દ્વારા વધારાની 260 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે, જે ક્ષેત્રની ઉર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.