નવી દિલ્હી: કેન્સર આજના સમયમાં એક મોટી સમસ્યા બનીને સમાજની સામે એક મોટો પડકાર બની રહ્યો છે. સામાન્ય પરિવાર કેન્સરની સારવારમાં પાયમાલ થઈ રહ્યો છે અને તેમ છતાં તેનો આંકડો સતત વધી રહ્યો છે જે ખૂબ ચિંતાજનક છે. કેન્સરના કેસોની અંદાજિત સંખ્યાના સંદર્ભમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. આ સાથે ગુજરાતમાં એક વર્ષમાં જ કેન્સરના 77205 કેસ નોંધાયા છે.
સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે વૈશ્વિક કેન્સર ઓબ્ઝર્વેટરી (GCO) અને આંતરરાષ્ટ્રીય કેન્સર સંશોધન એજન્સી (IARC) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, કેન્સરના કેસોની અંદાજિત સંખ્યાના સંદર્ભમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. ભારતમાં કેન્સરના અંદાજિત 14,13,316 કેસ છે (પ્રતિ 1,00,000 વ્યક્તિએ 98.5 નો દર), જે ચીન (48,24,703 કેસ) અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (23,80,189 કેસ) પછી આવે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ (NCRP) મુજબ, છેલ્લા દસ વર્ષમાં દેશભરમાં કેન્સરના કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
છેલ્લા એક વર્ષમાં (વર્ષ 2024)માં ભારતમાં સૌથી વધુ કેન્સરના કેસ ઉત્તર પ્રદેશમાં 221000 નોંધાયા હતા. બિહારમાં 115123 કેસ, પશ્ચિમ બંગાળમાં 118910, મહારાષ્ટ્રમાં 127512 કેસ નોંધાયા હતા, જે દેશમાં ટોપ 5માં સ્થાન પામ્યા હતા. ગુજરાતની વાત કરીએ તો વર્ષ 2024માં 77205 કેસ નોંધાયા હતા. જે વર્ષ 2023 કરતાં 1915 કેસ વધુ હતા. વર્ષ 2023માં 75290, વર્ષ 2022માં 73382 કેસ, 2021 માં 71507 કેસ, 2020માં 69660 કેસ, 2019માં 67841 કેસ, 2018માં 80820 કેસમાં, 2017માં 77097 કેસ, 2016માં 73551 કેસ અને 2015માં 70171 કેસ નોંધાયા હતા.
સરકારે જણાવ્યું હતું કે ભારત સરકારે કેન્સર સહિતના બિન-ચેપી રોગોને નિયંત્રિત કરવા માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (NHM) હેઠળ રાષ્ટ્રીય બિનચેપી રોગોને રોકવા અને નિયંત્રણ કાર્યક્રમ (NP-NCD) ને મજબૂત બનાવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં સેવા વિતરણને અસરકારક રીતે મજબૂત બનાવવામાં આવ્યું છે. આ પ્રયાસોના ભાગરૂપે, 36 રાજ્ય NCD સેલ, 753 જિલ્લા NCD ક્લિનિક્સ અને 6,410 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર સ્તરે NCD ક્લિનિક્સ સહિત એક મજબૂત માળખું સ્થાપિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, આયુષ્માન આરોગ્ય મંદિર હેઠળ વ્યાપક પ્રાથમિક આરોગ્ય સંભાળના ભાગ રૂપે, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને સામાન્ય કેન્સર (મોં, સ્તન અને ગર્ભાશયના મુખનું) ની રોકથામ, નિયંત્રણ અને તપાસ માટે વસ્તી આધારિત પહેલ શરૂ કરવામાં આવી છે.