સુરત: રાજ્યમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો મોટો પર્દાફાશ થયો છે. સુરત એરપોર્ટ પર બેંગકોકથી આવેલો કરોડોની કિંમતનો ગાંજો ઝડપાયો છે. જે મામલે પોલીસે હાલ એક મહિલા સહિત 3 આરોપીઓ ઝડપી પાડ્યા છે. જ્યારે 2 ફરાર મુખ્ય સૂત્રધારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
બેંગકોકથી હાઈબ્રીડ ગાંજો આવ્યાની મળી બાતમી
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ અને ડુમસ પોલીસે થાઈલેન્ડના બેંગકોકથી લાવવામાં આવેલ છ કરોડ રૂપિયાથી વધુ કિંમતના પ્રતિબંધિત ડ્રગ્સ ‘હાઈડ્રો વીડ’ (હાઈબ્રીડ ગાંજો) સાથે મહિલા સહિત બે આંતરરાષ્ટ્રીય કેરિયરોને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપીને વધુ એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીને અગાઉ એક બાતમી મળી હતી કે, ચેન્નઈ (તમિલનાડુ)ના રહેવાસી મોહમ્મદ ઇકબાલ અહેમદ અને ખાનરાસીયા અબ્દુલ કપુર (મહિલા) આ બન્ને કરોડોનો નશીલો પદાર્થ લઈ બેંગકોકથી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર આઈએક્સ-263 દ્વારા સુરત આવવાના છે. આ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ, ડુમસ પોલીસ, સીઆઈએસએફ, ડીઆરઆઈ અને એઆઈયુની વિવિધ ટીમો દ્વારા 22 ડિસેમ્બર 2025) સાંજના સમયે સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું.
17 કિલો 658 ગ્રામ ગાંજો મળી આવ્યો
સાંજના 7:40 વાગ્યાની આસપાસ બાતમીવાળી ફ્લાઇટ સુરત એરપોર્ટ પર ઉતરતા જ શંકાસ્પદ મુસાફરોને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાદ તેમની ચેક-ઇન ટ્રોલી બેગ ચેક કરતા તેના ઉપર અને નીચે બનાવેલા ખાસ ગુપ્ત ખાનામાંથી અધધ 17 કિલો 658 ગ્રામ ‘હાઈડ્રો વીડ’ મળી આવ્યો હતો. બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ઝડપાયેલા આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂ. 6,18,03,000/- છે. આ સિવાય પોલીસે બંને આરોપીઓ પાસેથી 2 મોબાઇલ ફોન, ટ્રોલી બેગ, સ્કૂલબેગ, પાસપોર્ટ, આઈડી કાર્ડ સહિત અન્ય સામગ્રી પણ જપ્ત કરી હતી.
2 આરોપીઓ વોન્ટેડ જાહેર
પકડાયેલા બન્ને આરોપીઓની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે, સુરત શહેર ખાતે આ ડ્રગ્સ લેવા માટે તમિમ ઇબ્રાહિમ અન્સારી (ઉ.વ. 42) હાજર હતો. જેને ગણતરીના કલાકોમાં સુરત શહેરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આમ સુરતમાં ડ્રગ્સ લેવા આવનાર ત્રીજો આરોપી પણ ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, સુરત એરપોર્ટ પરથી ખુલ્લા પડેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો મુખ્ય સુત્રધાર મોહમદ અલી અને મોહમદ ઈબ્રાહિમ નામના મૂળ ચેન્નઈના રહેવાસી અને હાલ બેંગકોકમાં સ્થિત છે. આ બન્ને વ્યક્તિઓ છેલ્લા અઢી વર્ષથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ ચલાવી રહ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં આવ્યું છે. જેથી આ બંને આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.