મુંબઈ: ગઈ કાલે નાતાલની રજા બાદ આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ 183 પોઈન્ટના ઘટાડા સાથે 85,225 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 20 પોઈન્ટના ઘટાડા સાથે 26,121 પર ખુલ્યો.
શરૂઆતના કારોબારમાં બેંકિંગ શેરોમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. બેંક નિફ્ટી 80 પોઈન્ટ ઘટીને 59,102 પર ખુલ્યો. મિડ-કેપ અને સ્મોલ-કેપ કંપનીના શેરોમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં સામાન્ય ઘટાડો નોંધાયો.
શેરોમાં વધરો-ઘટાડો:
શરૂઆતના કારોબારમાં નિફ્ટી-50 પર ભારત ઇલેક્ટ્રોનિક્સ, કોલ ઇન્ડિયા, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ટાઇટન અને અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરોમાં વધારો નોંધાયો.
બીજી બાજુ એટરનલ (ઝોમેટો), બજાજ ફાઇનાન્સ, સન ફાર્મા, એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ અને એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સના શેરોમાં ઘટાડો નોંધાયો.
વૈશ્વિક બજારો પર એક નજર:
નાતાલની રજા પહેલા બુધવારે યુએસ શેરબજાર રેકોર્ડ હાઈ લેવલે બંધ થયા હતાં. જાપાન અને દક્ષિણ કોરિયાના શેર બજારોમાં આજે શુક્રવારે શરૂઆતના કારોબારમાં વધારો નોંધાઈ રહ્યો છે, નિફ્ટી ફ્યુચર્સમાં સામાન્ય ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો અન્ય કેટલાક બજારો રજાઓને કારણે બંધ છે.
ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા સ્તરે રહ્યા છે, કેમ કે રોકાણકારો વેનેઝુએલા પર યુએસની સંભવિત કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે.
બુધવારે 24 ડિસેમ્બરના રોજ સેન્સેક્સ 116 પોઈન્ટના ઘટાડા સાથે 85,408.70 પર અને નિફ્ટી 35 પોઈન્ટના ઘટાડા સાથે 26,142.10 પર બંધ થયો હતો