નવી દિલ્હીઃ ભૂતપૂર્વ હેડ-કોચ રાહુલ દ્રવિડના ત્રણ વર્ષના શાસનકાળમાં ટીમમાં કોઈ પણ ખેલાડીને પોતાના સ્થાન વિશે ચિંતા નહોતી, પરંતુ ગૌતમ ગંભીરના લગભગ દોઢ વર્ષના શાસનમાં ઘણા ખેલાડીઓને (ખાસ કરીને ટી-20 વર્લ્ડ કપની ટીમમાંથી શુભમન ગિલની બાદબાકીને પગલે) ભારતીય ટીમમાં પોતાનું સ્થાન જાળવવા વિશે ચિંતા લાગે છે અને આ માહોલમાં ટેસ્ટ-ક્રિકેટમાં ભારતની સાઉથ આફ્રિકા સામેની 0-2ની પછડાટને પગલે ખુદ ગંભીરની ખુરસી હાલકડોલક થઈ રહી છે એવા અહેવાલો વચ્ચે જાણવા મળ્યું છે કે વીવીએસ લક્ષ્મણને ટેસ્ટ ટીમનો હેડ-કોચ બનવામાં કોઈ રસ નથી.
ગંભીર (Gambhir)ના કોચિંગમાં ભારતે વન-ડેમાં ચૅમ્પિયન્સ ટ્રોફી જીતવા ઉપરાંત ટી-20નો એશિયા કપ જીતી લીધો છે અને વાઇટ-બૉલના આ બે ફૉર્મેટમાં ટીમ ઇન્ડિયાનો પર્ફોર્મન્સ સારો રહ્યો છે, પણ રેડ-બૉલ ક્રિકેટ (ટેસ્ટ ફૉર્મેટ)માં ભારત ખાસ કરીને SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા) દેશો સામે 10 ટેસ્ટ હાર્યું હોવાથી ક્રિકેટ બોર્ડની એક વગદાર વ્યક્તિએ ફરી એક વખત વીવીએસ લક્ષ્મણનો સંપર્ક કર્યો હતો અને ટીમ ઇન્ડિયાને ટેસ્ટમાં કોચિંગ આપવાની વિનંતી કરી હતી.
જોકે ઑસ્ટ્રેલિયા સામે 281 રનની ઐતિહાસિક ટેસ્ટ ઇનિંગ્સને લીધે બૅટિંગ-લેજન્ડ્સમાં ગણાતા વીવીએસ લક્ષ્મણે (VVS LAXMAN) તેમને એવું કહી દીધું હોવાનું મનાય છે કે તે બેંગલૂરુમાં બીસીસીઆઇના સેન્ટર ઑફ એક્સેલન્સમાં હેડ ઑફ ક્રિકેટના હોદ્દામાં જ રાજી છે અને ટેસ્ટ ટીમને કોચિંગ આપવામાં તેને કોઈ રસ નથી.
ગંભીરનો કૉન્ટ્રૅક્ટ 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધીનો છે, પણ આગામી ફેબ્રુઆરીના ટી-20 વર્લ્ડ કપમાં ભારત કેવું પર્ફોર્મ કરશે એને આધારે આ કરાર પર ફેરવિચારણા થઈ શકે. ભારતની આગામી ટેસ્ટ સિરીઝો શ્રીલંકા સામે (ઑગસ્ટ, 2026માં) અને ન્યૂ ઝીલૅન્ડ સામે (ઑક્ટોબર, 2026માં) રમાશે અને પછી ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ ટેસ્ટ (જાન્યુઆરી, 2027માં) રમાશે. કહેવાય છે કે ભારતીય ક્રિકેટમાં ઊચ્ચ સ્તરેથી ગંભીરને અમુકનો મજબૂત ટેકો મળી રહ્યો છે. લક્ષ્મણને ટેસ્ટ ટીમનો કોચ બનવામાં રસ નથી એટલે બોર્ડ પાસે ગંભીર સિવાય બીજા ખાસ વિકલ્પો પણ નથી. ટૂંકમાં, ` ગુરુ ગંભીર' માટે આવતા બે મહિના અગ્નિપરીક્ષાના છે.