સારિમ અન્ના
મહિલા વન-ડે વિશ્વ કપમાં ઐતિહાસિક વિજય હાંસલ કર્યા બાદ ભારતીય મહિલા ટીમનું ફૉકસ હવે ક્રિકેટના સૌથી ટૂંકા ફૉર્મેટ એટલે કે ટી-20 તરફ છે જેમાં આગામી વિમેન્સ વર્લ્ડ કપ 12મી જૂનથી ઇંગ્લૅન્ડમાં રમાવાનો છે. એમાં સફળતા હાંસલ કરવા ભારતની પ્રતિભાશાળી છોકરીઓએ અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે અને શ્રીલંકા સામેની સિરીઝમાં 5-0થી ક્લીન સ્વીપ કર્યા પછી હવે ભારતનું નિશાન ઑસ્ટે્રલિયા સામેની ફેબ્રુઆરીની અને ટી-20ના વિશ્વ વિજેતા ન્યૂ ઝીલૅન્ડ સામેની મે મહિનાની સિરીઝની ટ્રોફી પર છે.
યુએઇમાં રમાઈ ગયેલા પાછલા ટી-20 વિશ્વ કપમાં ભારતની મહિલાઓનું પ્રદર્શન નિરાશાજનક હતું, કારણકે ભારતીય ટીમ એમાં ગ્રૂપ-સ્ટેજમાં જ સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી. જોકે એ બાદ ગંગામાંથી ઘણું પાણી વહી ચૂક્યું છે. ભારતે આ ફૉર્મેટની બે શ્રેણીમાં પ્રભાવિત કરી મૂકતા પર્ફોર્મન્સ સાથે કમબૅક કર્યું.
પહેલાં આપણે ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝને 2-1થી માત આપી હતી અને પછી પહેલી વાર ઇંગ્લૅન્ડને એની જ ધરતી પર 3-2થી પરાજિત કર્યું હતું. આ સફળતાઓ અને વન-ડેના વિશ્વ કપ બાદ હરમનપ્રીત કૌરના નેતૃત્વવાળી ટીમનો જુસ્સો બુલંદ દેખાઈ રહ્યો છે. એટલે જ આશા છે કે ઇંગ્લૅન્ડમાં ભારતની દીકરીઓ ટી-20નો વિશ્વ કપ પણ પહેલી વાર જીતશે.
આવી જ અપેક્ષા પુરુષ ટીમ પાસે પણ છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટર્ન અપાવતી પિચો પર ભારતનો ટેસ્ટ-પર્ફોર્મન્સ નિરાશાજનક હતો, પરંતુ વાઇટ બૉલ ક્રિકેટમાં, ખાસ કરીને ટી-20 ફૉર્મેટમાં આપણા ખેલાડીઓ સતતપણે સારું પ્રદર્શન કરી રહ્યા છે. એટલે જ આપણી નીડર ટી-20 ટીમ પાસે ફરી એક વાર (2024ની ટૂર્નામેન્ટ પછી હવે સતત બીજો) વિશ્વ કપ ખિતાબ જીતવાની આશા છે.
બે વર્ષ પહેલાં આપણે રોહિત શર્માના નેતૃત્વમાં ટી-20ની ટ્રોફી જીત્યા હતા અને હવે સૂર્યકુમાર યાદવ ઍન્ડ કંપની પાસે ફેબ્રુઆરી-માર્ચમાં એવી જ અપેક્ષા છે. સાતમી ફેબ્રુઆરીથી આઠમી માર્ચ સુધી રમાનારો મેન્સ ટી-20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે રમાશે જેમાં કુલ 20 ટીમ ભાગ લેશે અને એમાં કુલ પંચાવન મૅચ રમાશે. ભારત 2007માં અને 2024માં ટી-20નો વિશ્વ કપ જીતી ચૂક્યું છે.
જોકે આ બે ટી-20 વિશ્વ કપ પહેલાં ભારતે 15મી જાન્યુઆરીથી ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનારા અન્ડર-19 મેન્સ વન-ડે વર્લ્ડ કપની ટ્રોફી પર નિશાન તાકવાનું છે.
ભારતના દૃષ્ટિકોણથી વર્ષ 2026માં જે અન્ય મુખ્ય રમતોત્સવ યોજાવાના છે અને જેમાં ભારતીય ખેલાડીઓ તથા ઍથ્લીટોના સારા પ્રદર્શનની આશા છે એમાં સ્કૉટલૅન્ડના ગ્લાસગૉમાં યોજાનારી કૉમનવેલ્થ ગેમ્સ અને જાપાનના નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સનો સમાવેશ છે. એ ઉપરાંત ક્લાસિક ચેસમાં સૌથી ઓછી 19 વર્ષની ઉંમરે વિશ્વ વિજેતા બનેલા ડી. ગુકેશ પોતાનું ચૅમ્પિયનપદ ડિફેન્ડ કરવા કોઈ કસર બાકી નહીં રાખે.
ચેસની ધ કૅન્ડિડેટ્સ ચૅમ્પિયનશિપમાં ખાસ કરીને ગુકેશ ઉપરાંત અર્જુન એરીગૈસી અને આર. પ્રજ્ઞાનાનંદ તેમ જ મહિલા વર્ગમાં 19 વર્ષની સૌથી નાની ઉંમરની વર્લ્ડ કપ વિજેતા દિવ્યા દેશમુખ તેમ જ કૉનેરુ હમ્પી અને આર. વૈશાલી (પ્રજ્ઞાનાનંદની મોટી બહેન) વિશ્વની અન્ય દિગ્ગજ ખેલાડીઓને પડકારશે.
20મી એશિયન ગેમ્સ 19મી સપ્ટેમ્બરથી જાપાનના નાગોયામાં રમાશે. 19મી એશિયન ગેમ્સ કૉવિડની મહામારીને કારણે 2022ને બદલે 2023માં ચીનમાં યોજાઈ હતી જેમાં ભારતે 28 ગોલ્ડ મેડલ સહિત કુલ 107 ચંદ્રક જીતી લીધા હતા જે આ સ્પર્ધામાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.
જેવી રીતે આપણા પહેલવાનો, મુક્કાબાજો આંતરરાષ્ટ્રીય મંચ પર સારું પ્રદર્શન કરી રહ્યા છે જેના પરથી અનુમાન કરી શકીએ કે 2026માં જાપાનમાં આપણે આપણો પાછલો વિક્રમ તોડી શકીશું. આ રમતોત્સવમાં ભારતે સર્ફિંગ ક્વોટા પણ હાંસલ કરી લીધો છે. એશિયન ગેમ્સ પહેલાં ભારતના ઍથ્લીટો 23મી કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે જે સ્કૉટલૅન્ડના ગ્લાસગૉમાં 23મી જુલાઈથી બીજી ઑગસ્ટ સુધી યોજાશે.
એમાં ઍથ્લેટિક્સ, સ્વિમિંગ, જિમ્નૅસ્ટિક્સ વગેરે સહિત 10 રમતોમાં ભારતીયો ભાગ લેશે. ઇંગ્લૅન્ડના બર્મિંગમમાં આયોજિત 2022ની કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીયો બાવીસ સુવર્ણ ચંદ્રક સહિત કુલ 61 ચંદ્રક જીત્યા હતા. ગ્લાસગૉમાં આનાથી પણ વધુ ચંદ્રકો મળવાની આશા છે. 2030ની કૉમનવેલ્થ ગેમ્સનું યજમાન ભારત છે જે અમદાવાદમાં યોજાશે.
ભારત 2026માં બૅડમિન્ટનની બીડબ્લ્યૂએફ વર્લ્ડ ચૅમ્પિયનશિપ દિલ્હીમાં આયોજિત કરશે. ભારત 2009 પછી પહેલી જ વખત બૅડમિન્ટનની વિશ્વ સ્પર્ધાનું આયોજન કરશે. ભારત 2026ની પુરુષો માટેની એફઆઇએચ હૉકી વિશ્વ કપમાં પણ ભાગ લેશે. આ સ્પર્ધા 14-30 ઑગસ્ટ દરમ્યાન સંયુક્ત રીતે બેલ્જિયમ તથા નેધરલૅન્ડ્સમાં યોજાશે. ભારત 2025ની મેન્સ એશિયા કપ હૉકીમાં વિજેતા બન્યું હોવાથી આ ચૅમ્પિયનશિપ માટે આપોઆપ ક્વૉલિફાય થઈ ગયું છે.
ભારતની મહિલા ફૂટબૉલ ટીમ 2026માં એએફસી એશિયન કપમાં ભાગ લેશે. આ સ્પર્ધા ઑસ્ટે્રલિયામાં 1-21 માર્ચ દરમ્યાન યોજાશે. એમાં ભારતના ગ્રૂપમાં જાપાન, વિયેટનામ તથા તાઇપેઇ છે.
2026ના નવા વર્ષની છે આ મુખ્ય ચૅમ્પિયનશિપ્સ જેમાં ભારતીય ખેલાડીઓ અને ઍથ્લીટો તિરંગાની શાન વધારવા હરીફાઈમાં ઊતરશે. આનો અર્થ એવો નથી કે અન્ય નાની ટૂર્નામેન્ટો કે ચૅમ્પિયનશિપનું મહત્ત્વ ઓછું છે. એમાં પણ ભારતીયો સારું પ્રદર્શન કરશે અને નવા કીર્તિમાન સ્થાપિત કરશે એવી ધારણા છે.
2026માં ક્રિકેટ સિવાયની વાત કરીએ તો ભારતીયોને સૌથી વધુ રસ ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપમાં હશે. અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે ફિફા વર્લ્ડ કપ 11મી જૂનથી 19મી જુલાઈ સુધી યોજાશે. જોકે અફસોસની વાત એ છે કે એમાં ભારતની ટીમ નહીં હોય. ભારતીય સૉકરપ્રેમીઓએ એમાં માત્ર પ્રેક્ષક અને દર્શક જ બની રહેવું પડશે.