મની લોન્ડરિંગના કેસમાં ડિજિટલ અરેસ્ટ બતાવી વૃદ્ધા પાસેથી નાણાં પડાવ્યાં
મુંબઈ: મની લોન્ડરિંગના કેસમાં ડિજિટલ અરેસ્ટ બાદ જસ્ટિસ ચંદ્રચુડના સ્વાંગમાં અંધેરીની 68 વર્ષની વૃદ્ધા સાથે 3.71 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ કરવા પ્રકરણે પોલીસે સુરતથી યુવાનની ધરપકડ કરી હતી.
ડિજિટલ અરેસ્ટને બહાને સાયબર ઠગ ટોળકી ફરિયાદી પર સતત નજર રાખતી હતી. 18 ઑગસ્ટથી 13 ઑક્ટોબર દરમિયાન ફરિયાદીને વિવિધ બૅન્ક ખાતામાં 3.71 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરજ પડાઈ હતી. બાદમાં આરોપીઓના કૉલ આવવાનું બંધ થતાં ફરિયાદીને પોતે છેતરાઈ હોવાની જાણ થઈ હતી. તેણે સાયબર પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદને આધારે વેસ્ટ રિજન સાયબર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ફરિયાદીએ જે બૅન્ક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં તેમાંથી એક સુરતના યુવાનનું હતું. પોલીસની ટીમ તાત્કાલિક સુરત પહોંચી હતી અને યુવાનને પકડી પાડ્યો હતો. જોકે તેની ઓળખ છતી કરવાનો પોલીસે ઇનકાર કર્યો હતો.
આરોપી યુવાને કાપડ વ્યવસાયને લગતી બનાવટી કંપનીને નામે બૅન્કમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. બાદમાં એકાઉન્ટ સાયબર ઠગ ટોળકીને ઑપરેટ કરવા આવ્યું હતું. આ ખાતામાં ફરિયાદી પાસેથી પડાવેલાં નાણાંમાંથી સૌથી મોટી રકમ 1.71 કરોડ રૂપિયા જમા થઈ હતી. આના માટે તેને 6.40 લાખ રૂપિયાનું કમિશન મળ્યું હતું.
પૂછપરછમાં યુવાને જણાવ્યું હતું કે આ રૅકેટના બે માસ્ટરમાઈન્ડ હાલમાં વિદેશમાં રહે છે, જેમાંથી એક ઈમિગ્રેશન અને વિઝા સર્વિસનો વ્યવસાય ધરાવે છે. આ રૅકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પોલીસ શોધ ચલાવી રહી છે.
પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદીને કોલાબા પોલીસ સ્ટેશનના અધિકારીના સ્વાંગમાં ઠગ ટોળકીમાંના એક આરોપીએ કૉલ કર્યો હતો. પછી સેન્ટ્રલ એજન્સીના અધિકારી સાથે વાત કરાવી હતી. મની લોન્ડરિંગના કેસમાં ડિજિટલ અરેસ્ટ દેખાડી મહિલાને ‘જસ્ટિસ ચંદ્રચુડની અદાલતમાં હાજર કરાઈ હોવાનું નાટક રચ્યું હતું.