રાજકોટ: કાગવડ ખાતે વિશાળ ખોડલધામ મંદિર સંકુલ આવેલું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા પાટણના સંડેર ખાતે 42 હજાર ઘનફૂટ પથ્થરમાંથી મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે હવે ટ્રસ્ટે ખોડલધામને દક્ષિણ ગુજરાત અને વિદેશમાં વિસ્તારવાનો નિર્ણય લેવાયો છે. તાજેતરમાં ખોડલધામ ટ્ર્સ્ટના ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં એક કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં બે જગ્યાએ ખોડલધામ મંદિર સંકુલના નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાતના તમામ વિસ્તારોમાં બનશે 'ખોડલધામ મંદિર'
27 ડિસેમ્બર, 2025ના રોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. કોર કમિટીની બેઠક બાદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, "ઉત્તર ગુજરાતની જેમ દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે શ્રી ખોડલધામ મંદિર સાથેનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે. આ કોર કમિટીની બેઠક યોજાવાની હતી તેના થોડા કલાકો પહેલા લંડનમાં વસતાં ખોડલધામના સ્વયંસેવકોએ શ્રી ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સ્વયંસેવકોએ અમારી સાથે ચર્ચા કરીને લંડનમાં પણ ખોડલધામ મંદિર બનાવવાનો નિર્ણય લીધો છે. તેથી હવે લંડનમાં પણ ટૂંક સમયમાં શ્રી ખોડલધામ મંદિર નિર્માણનું કાર્ય શરૂ થશે."
નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, "આગામી દિવસોમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રકલ્પો પ્રમાણે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદમાં પણ શ્રી ખોડલધામ સંકુલ બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પણ ખોડલધામ ટ્રસ્ટના ભવનનું નિર્માણ કરવામાં આવશે."
ઉલ્લેખનીય છે કે, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ નજીક અમરેલી ગામ પાસે અત્યાધુનિક સુવિધાઓ વાળી કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. સાથોસાથ ઉત્તર ગુજરાતમાં પાટણના સંડેર ગામ પાસે પણ ખોડલધામ સંકુલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં આ બન્ને પ્રકલ્પો સમાજને અર્પણ કરવામાં આવશે.