ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ રૂપિયા 293 કરોડનું વીમા વળતર ચૂકવવામાં આવ્યું છે.
હાલમાં રાજ્યના 4. 12 કરોડથી વધુ નાગરિકોનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં 16 હજાર કરતાં વધુ લાભાર્થીઓના અકસ્માત-મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારજનોને વીમા વળતર ચૂકવવામાં આવ્યું છે.
અકસ્માત-મૃત્યુ સામે પરિવારજનોને આર્થિક રક્ષણ
ગુજરાતમાં સરકારના વિવિધ વિભાગ દ્વારા તેના હસ્તકના ખાતાના વડાઓ મારફતે જુદી જુદી અકસ્માત વીમા યોજનાઓ અમલમાં મુકવામાં આવી હતી. આ યોજનાઓનો લાભ લાભાર્થીઓને વ્યાપક રીતે મળી શકે તેમજ યોજના હેઠળના લાભ બેવડાય નહિ તે હેતુથી જુદી જુદી જૂથ અકસ્માત યોજનાઓની યુનિફોર્મ પેટર્ન નકકી કરી રાજ્ય સરકારની વીમા નિયામકની કચેરી દ્વારા સંકલિત સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના અમલી બનાવાઈ હતી. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીને વીમા કવચ મળવાથી અકસ્માત-મૃત્યુ સામે તેમના પરિવારજનોને આર્થિક રક્ષણ મળી રહ્યું છે.
હરણી દુર્ઘટના અને રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટનામાં મૃતકોના પરિજનોને વળતર ચૂકવાયું
આ યોજના અંતર્ગત અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 30 થી વધુ મૃતકો સહિત 4 મેડીકલના વિદ્યાર્થીઓના વારસદારોને ચુકવણું કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડોદરા ખાતે હરણી દુર્ઘટના વખતે મૃત્યુ પામેલ 12 બાળકોના વારસદારોને પણ ત્વરિત ચુકવણું કરાયું હતું. તાજેતરના વર્ષોમાં મોરબી દુર્ઘટના, રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટના, તક્ષશીલા દુર્ઘટના વખતે પણ મૃતકોના પરિવારોને આ યોજના હેઠળ વીમા કવચ રકમની ચૂકવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત વિવિધ કુદરતી હોનારતો અને અન્ય અકસ્માતોના કિસ્સામાં ઝડપી કાર્યવાહી કરીને દાવાઓનું સત્વરે નિરાકરણ લાવવામાં આવ્યું છે.
14 મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોના લાખો લાભાર્થીઓને અકસ્માત વીમા કવચનો લાભ
આ યોજના માત્ર આર્થિક સુરક્ષાની ખાતરી નથી, પણ સરકારની સામાજિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ ઉદાહરણ છે. રાજ્ય સરકારની સામુહિક જુથ અકસ્માત વીમા યોજના હેઠળ 14 મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોના લાખો લાભાર્થીઓ અને તેમના પરિવારોને અકસ્માત વીમા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેમાં ખેડૂત પરિવારો, અસંગઠીત શ્રમિકો, પ્રાથમિક-માધ્યમિક શાળા, કોલેજ અને ITIના વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓ, જેલ ગાર્ડસ્, સફાઈ કામદારો, નિરાધાર વિધવાઓ, દિવ્યાંગો, હીરા ઉદ્યોગના કારીગરો તેમજ સાહસિક પ્રવૃત્તિમાં ભાગ લેતા યુવકોનો સમાવેશ થાય છે.
2 લાખથી 15 લાખ સુધીનું વીમા કવચ મળે છે
આ 14 ક્ષેત્રોમાં વિવિધ યોજનાઓ હેઠળ કુલ 2 લાખથી 15 લાખ સુધીનું વીમા કવચ મળે છે. આ વીમા કવચ સંકટની ઘડીમાં પરિવારો માટે મોટી રાહત સાબિત થઈ રહી છે. આમ, રાજ્ય સરકારે પારદર્શિતા અને ઝડપ સાથે નાગરિકોને સહાય આપીને સાબિત કર્યું છે કે જનતાનું હિત જ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.