મુંબઈઃ મુંબઈ લોકલ મુંબઈગરાની લાઈફલાઈન છે અને આવતીકાલે એટલે કે વર્ષના છેલ્લાં રવિવારે જો તમે મુંબઈ લોકમાં પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે. રવિવારે રજાના દિવસે પણ લોકલ ટ્રેનોના ધાંધિયા જ રહેશે, એટલે ઘરે બેસી રહેવું જ મુંબઈગરા માટે ફાયદાનો સોદો સાબિત થશે, નહીં તો તમારે હાલાકીનો સામનો કરવો પડશે.
દર રવિવારની જેમ જ આવતીકાલે એટલે કે 28મી ડિસેમ્બરના રોજ મધ્ય રેલવે, હાર્બર લાઈન પર મહત્ત્વના મેઈન્ટેનન્સ વર્ક અને એન્જિનિયરિંગ વર્ક માટે રેલવે દ્વારા મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ સિવાય પશ્ચિમ રેલવે પર કાંદિવલી-બોરીવલી વચ્ચે 27મી ડિસેમ્બરથી 29મી ડિસેમ્બર સુધી ટ્રેનોના જોરદાર ધાંધિયા જોવા મળશે. ચાલો જોઈએ ક્યાંથી ક્યાં બ્લોક રહેશે અને કેટલી લોકલ ટ્રેનો કેન્સલ રહેશે…
મધ્ય રેલવે પર માટુંગા-મુલુંડ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયે આ અપ-ડાઉન ફાસ્ટ લોકલ ટ્રેન માટુંગા-મુલુંડ વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. આ લોકલ ટ્રેનો આ બંને સ્ટેશનો વચ્ચે નિર્ધારિત સ્ટેશન પર હોલ્ટ લેશે.
હાર્બર લાઈન પર સીએસએમટી-ચુનાભટ્ટી, બાંદ્રા વચ્ચે સવારે 11.40 કલાકથી બપોરે 4.40 કલાક સુધી અપ-ડાઉન લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન સીએસએમટી-વાશી, બેલાપુર, પનવેલ વચ્ચે અપ-ડાઉન લાઈન પર ટ્રેનવ્યવહાર બંધ રહેશે. આ સિવાય સીએસએમટીથી બાંદ્રા અને ગોરેગાંવ વચ્ચે લોકલ ટ્રેનો બંધ રહેશે. બ્લોકના સમય દરમિયાન હાર્બર લાઈનના પ્રવાસીઓને મેન લાઈન અને પશ્ચિમ રેલવેમાં મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવી છે.
પશ્ચિમ રેલવેની વાત કરીએ તો પશ્ચિમ રેલવે પર 27મી ડિસેમ્બરથી 29મી ડિસેમ્બર સુધી કાંદિવલી-બોરીવલી વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ પેનલ એક્ટિવ કરવા માટે એક મોટો નોન ઈન્ટરલોકિંગ બ્લોક હાથ ધરવામાં આવશે. આ ત્રણ દવિસ દરમિયાન 629 લોકલ ટ્રેનો રદ રહેશે. જેને કારણે શનિવાર, રવિવાર અને સોમવારે પણ ટ્રેનોના ધાંધિયા રહેશે.
પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 27મી ડિસેમ્બર એટલે કે આજે 158 અપ અને 138 ડાઉન એમ 296 ટ્રેનો રદ રહેશે. જ્યારે 28મી ડિસેમ્બર એટલે કે આવતીકાતે 120 અપ અને 115 ડાઉન એમ કુલ 235 લોકલ ટ્રેનો રદ રહેશે. 29મી ડિસેમ્બરે સોમવારના 49 અપ અને 49 ડાઉન એમ કુલ 98 ટ્રેનો રહેશે. આ તમામ લોકલ ટ્રેનોમાં ફાસ્ટ અને લોકલ ટ્રેનોનો સમાવેશ થાય છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે આ માહિતી શેર કરો, જેથી તેમને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો ના કરવો પડે. આવા જ બીજા કામના તેમ જ મહત્ત્વના સમાચારો જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…