નવી દિલ્હી: બાંગ્લાદેશમાં હાલ ફરીથી વિરોધના વંટોળ ઉપડ્યા છે અને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. તો બીજી તરફ બાંગ્લાદેશી મીડિયા માં પણ મનઘડત અહેવાલો પ્રસારિત કરી રહ્યા છે. આવા જ એક બાંગ્લાદેશી મીડિયાના અહેવાલ પર બીસએફે નકારી કાઢ્યા છે કે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યાના બે આરોપી ભારતમાં પ્રવેશ્યા હતા. મેઘાલયમાં ફરજપરસ્ત બીએસએફના ઇન્સ્પેકટર જનરલ ઓ.પી. ઉપાધ્યાયે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ તમામ દાવાઓ સંપૂર્ણ રીતે ખોટા, ઉપજાવી કાઢેલા અને ભ્રામક છે. તેનો કોઈ નક્કર આધાર નથી.
ઓ.પી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, માત્ર ત્રણ દિવસ પહેલા જ બાંગ્લાદેશી મીડિયાએ એક IG રેન્કના અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે આરોપીઓ ભારતમાં આવ્યા હોવાના કોઈ પુરાવા નથી. હવે તે જ મામલે એક DIG સ્તરના અધિકારી દ્વારા આનાથી વિપરીત નિવેદન આપવું તે અત્યંત વિરોધાભાસી છે. તેમણે આગળ જણાવ્યું કે કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે મેઘાલય પોલીસે આ બંને વ્યક્તિઓની અટકાયત કરી છે, પરંતુ જ્યારે આ દાવાની પુષ્ટિ કરવામાં આવી ત્યારે મેઘાલય પોલીસે સાફ ઇનકાર કરી દીધો હતો.
BSF અધિકારીએ સ્પષ્ટ કર્યું કે મેઘાલય સેક્ટરથી કોઈ પણ પ્રકારની સરહદ પારની ગતિવિધિ થઈ નથી. એટલું જ નહીં, બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ (BGB) તરફથી પણ કોઈ પણ પ્રકારની ઘૂસણખોરીની સૂચના આપવામાં આવી નથી. તેમણે BGB ને અત્યંત વ્યવસાયિક ફોર્સ ગણાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે, આરોપીઓ ઢાકાથી લગભગ 300 કિલોમીટર દૂરના કોઈ વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશ્યા હોવાનો દાવો અત્યંત અવિશ્વસનીય છે. બાંગ્લાદેશમાં વ્યાપક CCTV દેખરેખ અને અનેક ચેકપોસ્ટ હોવા છતાં આવું થવું શક્ય લાગતું નથી. તેથી બાંગ્લાદેશી મીડિયામાં પ્રકાશિત તમામ અહેવાલો તથ્યહીન અને ઉપજાવી કાઢેલા છે.