ભૂજ: ગુજરાતમાં શિયાળા દરમિયાન વાતાવરણમાં અચાનક પલટો આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં કચ્છમાં આજે હવામાને અચાનક પલટો લીધો છે. તેમજ વાદળો ઓમાન અને ખાડી દેશો તરફથી કચ્છ તરફ આગળ વધતા વાતાવરણ ચોમાસા જેવું બન્યું છે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેમાં અરબી સમુદ્ર પરથી ભેજ ગુજરાતના હવામાનમાં ઠલવાઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડી શકે છે.
આગામી 24 કલાકમાં વાતાવરણ હજુ વધુ બદલાશે
તેમજ આગામી 24 કલાકમાં વાતાવરણ હજુ વધુ બદલાશે અને કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠું થવાની વકી ઉભી થવા પામી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના રાધનપુર,પાટણ, મહેસાણા, હારીજ અને ડીસા જેવા વિસ્તારોમાં પણ કમોસમી માવઠું થવાની શક્યતા છે. ચિંતાની વાત એ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચ મહિના સુધી સક્રિય રહેતા હોય છે તેથી આ વખતે રાજ્યમાં એકથી વધુ વખત માવઠા પડવાની સંભાવના ઉભી થવા પામી છે.
દરિયો અત્યંત તોફાની બની રહ્યો છે
આ ઉપરાંત અરેબિયન પેનિન્શ્યુલાના ખાડી દેશોમાં પણ આવુ વાતાવરણ થઇ ચૂક્યું છે અને કચ્છના બંદરીય માંડવી તરફ આવતા વહાણોના એક ટંડેલ ઓસમાણ ગનીના જણાવ્યા પ્રમાણે દરિયો અત્યંત તોફાની બની રહ્યો છે અને પરિસ્થિતિ વધુ વકરતી થઇ રહી છે.બીજી તરફ માંડવી શહેરમાં પણ આવો માહોલ સર્જાઈ રહ્યો છે.
કચ્છમાં ઠંડીમાં ઘટાડો થયો છે
ઉલ્લેખનીય છે કે, ગલ્ફ ઓફ ઓમાનમાં જયારે આવું હવામાન થાય છે ત્યારે તેની સીધી અસર રાજ્યમાં સૌથી પહેલાં કચ્છના બંદરીય શહેર માંડવીમાં થાય છે. દુબઈમાં ગઈકાલે વરસાદ નોંધાયો છે અને હવે તેની અસર કચ્છના માંડવીથી શરૂ કરીને સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારો પર થવા માંડશે. જયારે પલટાયેલા વાતાવરણની અસર હેઠળ આજે કચ્છમાં ઠંડીમાં ઘટાડો થયો છે. ભુજ ખાતે લઘુતમ તાપમાન 15.7 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સે. જેટલું રહેવા પામ્યું છે.